Western Times News

Gujarati News

વૈષ્ણોદેવી અને મસૂરીમાં ભારે હિમવર્ષા, ઉત્તર ભારતમાં જીવલેણ ઠંડી

નવી દિલ્હી, સમગ્ર ઉત્તર ભારતમાં અને ખાસ તો જમ્મુ કશ્મીરના વૈષ્ણોદેવી તથા ઉત્તરાખંડના મસૂરીમાં ભારે હિમવર્ષા થઇ હતી. કેટલેક સ્થળે ભેખડો ધસી પડવાની ઘટનાઓ પણ વધી હતી.

આ હિમવર્ષાના પગલે ઉત્તર ભારતમાં ઠંડી કાતિલ બનવાની હવામાન ખાતાએ આગાહી કરી હતી. રવિવારે રાત્રે પહાડોની રાણી ગણાતી મસૂરીમાં પહેલીવાર હિમવર્ષા થઇ હતી. સમગ્ર પહાડી વિસ્તારમાં જાણે કોઇએ સફેદ ગાલીચો પાથરી દીધો હોય એવું વાતાવરણ સર્જાઇ ગયું હતું. મસૂરીમાં થોડો વરસાદ પણ પડ્યો હતો. પરિણામે તાપમાનનો પારો વધુ નીચો ઊતર્યો હતો અને ઠંડી વધી હતી.

મસૂરીના લાલ ટીબ્બા, માલ રોડ વગેરે વિસ્તારોમાં તો ભારે વરસાદ પડ્યો હતો જાણે બીજું ચોમાસું શરૂ થયું હતું. એક તરફ વરસાદ અને બીજી બાજુ હિમવર્ષા એટલે ધૂમ્મસ પણ ગાઢ થયું હતું. અહીં ફરવા આવેલા મોટા ભાગના પર્યટકોએ હિમવર્ષામાં ટહેલવાની મોજ માણી હતી. જો કે વરસાદે મજા મારી નાખી હોવાનું ઘણાને લાગતું હતું.

ઉત્તરાખંડના હવામાન વિભાગે એવો વર્તારો વ્યક્ત કર્યો હતો કે આજે સોમવારે અને આવતી કાલે મંગળવારે પણ ભારે હિમવર્ષા અને વરસાદની શક્યતા હતી. સાથોસાથ કેટલાક વિસ્તારોમાં ભેખડ ધસી પડવાની ઘટના પણ શક્ય હતી. પહાડી વિસ્તારમાં ફરવા આવેલા લોકોને જિલ્લા વહીવટી તંત્રે સાવધ રહેવાની ચેતવણી આપી હતી. હિમવર્ષાના પગલે ભેખડો ધસી પડવાના બનાવો વધી શકે છે એવી  જાહેરાત પણ પર્યટકો સમક્ષ કરાઇ હતી.

બીજી બાજુ જમ્મુના કટરા વિસ્તારમાં આવેલા તીર્થધામ વૈષ્ણોદેવીમાં પણ રવિવારે પહેલો બરફ પડ્યો હતો. ચોમેર સફેદ ચાદર પથરાઇ ગયા જેવું વાતાવરણ જોઇને વૈષ્ણોદેવી આવેલા શ્રદ્ધાળુઓ પણ આનંદમાં આવી ગયા હતા. ત્રિકુટા પર્વત અને વૈષ્ણોદેવી ધામ ખાતે બરફ પડ્યો હતો અને ઠંડીમાં સારો એવો વધારો નોંધાયો હતો. અહીં આવેલો શ્રદ્ધાળુઓએ બરફના દડા બનાવીને સામસામે ફેંકવાની મોજ માણી હતી. અહીં પણ વધુ બરફ પડવાની આગાહી હવામાન  વિભાગે કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.