Western Times News

Gujarati News

પત્નીને ઇડીનું સમન્સ મળતાં સંજય રાઉત અપસેટ

મુંબઇ, પીએમસી બેંકના કૌભાંડના સંદર્ભમાં વર્ષા રાઉતને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટનું સમન્સ મળતાં શિવસેનાના સાંસદ સંજય રાઉત ઉશ્કેરાયા હતા અ્ને તાજેતરના ભારત ચીન વિવાદને આગળ કરીને કેન્દ્ર સરકારની આકરી ઝાટકણી કાઢી હતી.

રાઉતે કહ્યું કે મોદી સરકારે ચીની સૈનિકોને પાછા ધકેલવાની જરૂર હતી. એને બદલે સરકાર ચીની મૂડી રોકાણકારોને ધકેલી રહી હતી. શિવસેનાના મુખપત્ર સામનામાં સંપાદક હોવાથી રાઉતે અગ્રલેખમાં લખ્યું છે કે આપણે ચીની સૈનિકોને પાછા ધકેલવામાં સફળ રહ્યા નથી. પરંતુ આપણે ચીની ઇન્વેસ્ટર્સને પાછા ધકેલી દીધા હતા.

જો કે જાણકારો માને છે કે રાઉતનો આ અગ્રલેખ સૂચવે છે કે તેમને ભારત ચીન વિવાદ બરાબર સમજાયો નથી. હકીકત એ છે કે ભારતીય લશ્કરના જવાનોએ પૂરેપૂરી બહાદૂરીથી ચીની સૈનિકોને પીછેહટ કરવાની ફરજ પાડી હતી. ચીની લશ્કરના જવાનો ભારતીય લશ્કરના જડબાતોડ જવાબથી ડરી ગયા હતા. બાકી હતું એ કાતિલ શિયાળાએ પૂરું કર્યું હતું. ભારતીય જવાનોની તુલનાએ ચીની સૈનિકો લદ્દાખ વિસ્તારની ઠંડી સહન કરી શક્યા નહોતા અને ઘણા ચીની સૈનિકોને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવા પડ્યા હતા.

ભાજપના નેતાઓએ સંજય રાઉતના આ અર્થઘટનને હાસ્યાસ્પદ ગણાવ્યું હતું. મહારાષ્ટ્ર ભાજપના નેતા કેશવ ઉપાધ્યેએ કહ્યું હતું કે સંજય રાઉત પાસે એકજ મુદ્દો છે અને એ છે કોઇ પણ બહાને મોદી સરકારની ટીકા કરવી. અગાઉ પણ રાઉત આવી બયાનબાજી કરી ચૂક્યા છે. મેં હજુ તેમનો અગ્રલેખ વાંચ્યો નથી પરંતુ હવે લોકો રાઉતના અગ્રલેખની ઠેકડી ઊડાવે છે. વિષયની પૂરેપૂરી સમજ વિના એ કંઇ પણ લખી નાખે છે અને એમનો મૂળ ઉદ્દેશ કોઇ પણ મુદ્દે કેન્દ્ર સરકારની ટીકા કરવાનો હોય છે. એમને ખ્યાલ આવતો નથી કે લોકો એમના પર હસે છે.

મૂળ વાત એ હતી કે રાઉતના પત્ની વર્ષા રાઉતને પીએમસી બેંક કૌભાંડ અંગે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા મોકલાયેલા સમન્સથી રાઉતની ડાગળી ચસકી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.