Western Times News

Gujarati News

કારમાં ફ્રન્ટ સીટ પેસેન્જર્સ માટે એરબેગ ફરજિયાત : 1લી એપ્રિલથી અમલ!

નવી દિલ્હી, માર્ગ પરીવહન અને હાઈવે મંત્રાલયે વાહન ચાલકોની સાથે પેસેન્જર્સની સલામતી માટે પણ કારના ફ્રન્ટ પેસેન્જરની સીટ તરફ પણ એરબેગ્સને ફરજિયાત બનાવવાની દરખાસ્ત કરી છે. આ નિયમ લાગુ થયા પછી ડ્રાઈવર સીટની સાથે ડ્રાઈવરની બાજુની સીટ્સ માટે પણ એરબેગ ફરજિયાત થઈ જશે. હાલ માત્ર ડ્રાઈવર માટે જ એરબેગ ફરજિયાત છે જ્યારે ફ્રન્ટ પેસેન્જર માટે તે ફરજિયાત નથી.

છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત સરકાર કારને વધુમાં વધુ સલામત બનાવવાની દિશામાં કામ કરી રહી છે. પરિણામે પહેલાંની સરખામણીમાં હવે કોઈપણ કારમાં સ્ટાન્ડર્ડરૂપે વધુ સલામતી ફિચર્સ અપાઈ રહ્યા છે. આ ફિચર્સ કાર ચલાવતા ડ્રાઈવરની સાથે પેસેન્જરની સલામતી માટે પણ ખૂબ જ મહત્વના છે. સરકાર હવે આ નિયમોનું કડકાઈથી પાલન કરવાવવા પણ સક્રિય બની છે. ઓટો કંપનીઓ સરકારના દિશા-નિર્દેશોને ધ્યાનમાં લઈને કારમાં આ ફિચર્સનો સમાવેશ કરી રહી છે.

માર્ગ પરીવહન અને હાઈવે મંત્રાલયની દરખાસ્ત લાગુ થતાં ભારતમાં નવી કારમાં ૧લી એપ્રિલ ૨૦૨૧થી અને વર્તમાન મોડેલમાં આ નિયમ લાગુ કરવા માટે ૧લી જૂન ૨૦૨૧નો સમય નિશ્ચિત કરાયો છે. એટલે કે આ નિયમ લાગુ થયા પછી ૧લી એપ્રિલ સુધીમાં નવી કારની ફ્રન્ટ સીટ પર પેસેન્જર માટે પણ એરબેગ ઉપલબ્ધ થઈ જશે. આ સંબંધમાં માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલયે તેની વેબસાઈટ પર એક મુસદ્દો પણ રજૂ કર્યો છે.

આ મુસદ્દામાં કાર માટે અન્ય અનેક ફીચર્સ પણ ફરજિયાત કરાવાયા છે, જેમાં સીટબેલ્ટ રિમાઈન્ડર, સ્પીડ એલર્ટ સિસ્ટમનો પણ સમાવેશ કરાયો છે, જે તમને કોઈપણ અકસ્માત સમયે સલામત રાખવામાં કામ કરે છે. આ સિવાય હવે કારમાં એબીએસનો પણ સમાવેશ કરાઈ રહ્યો છે, જે સેન્સરની મદદથી કામ કરે છે.

આ સિસ્ટમ કારને પહેલાંની સરખામણીમાં વધુ સલામત બનાવે છે અને આકસ્મિક સમયે બ્રેક લગાવવાની સ્થિતિમાં કારને સંતુલિત રાખવામાં મદદરૂપ થાય છે. ભારત સરકાર માર્ગ અકસ્માત દરમિયાન થતાં મોતની સંખ્યા ઘટાડવા અને ડ્રાઈવર તથા પેસેન્જરને વધુ સલામતી પૂરી પાડવા માટે કારમાં સેફ્ટી ફિચર્સ વધારવાની દિશામાં કામ કરી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.