Western Times News

Gujarati News

સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં રૂ. 14.68 કરોડના ખર્ચે 21 ઓપરેશન થીએટર કાર્યરત કરાયા

ટ્રોમા સેન્ટર એ કોઇ પણ હોસ્પિટલનો હાર્દ ગણાય છે. ઇમરજન્સી સેવાઓ થી લઇ અન્ય પ્રકારની તાત્કાલિક સારવાર માટે ટ્રોમા સેન્ટર 24×7 કાર્યરત રહે છે. વર્ષ 2009માં તત્કાલિન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં નવા ટ્રોમા સેન્ટરનું ખાતમૂહૂર્ત કરવામાં આવ્યુ હતુ.

ત્યારથી લઇ અત્યાર સુધીના ગાળામાં ગુજરાતની સંવેદનશીલ સરકારે સતતપણે માનવસેવાની પરાકાષ્ઠા સર્જીને અમદાવાદ સિવિલના ટ્રોમા સેન્ટરમાં ઘણી ઉપયોગી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે.

ટ્રોમા સેન્ટરમાં નવા ઓપરેશન થીએટરની સ્થાપના માટે ગુજરાત સરકારે પોતાનું પ્રથમ કર્તવ્ય સમજીને વિના વિલંબે રૂ. 14.68 કરોડની માતબર રકમ ફાળવી આપી હતી, જેના પગલે ટ્રોમા સેન્ટરમાં આજે કુલ 21 ઓપરેશન થીએટર કાર્યરત કરાવવામાં આવ્યા છે.

આ તમામ ઓપરેશન થીએટર સ્ટેટ-ઑફ-ધ-આર્ટ એવી અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ મોડ્યુલર ઓપરેશન થીએટર છે. આ 21 ઓપરેશન થીએટર પૈકી ઓર્થોપેડિક વિભાગના 8, સર્જરી વિભાગના 9, ઇ.એન.ટી. વિભાગના 2 અને પ્લાસ્ટિક સર્જરી વિભાગના 2 ઓપરેશન થીએટરનો સમાવેશ થાય છે.

આધુનિક ટેકનોલોજી અને મશીનરી સાથે બનેલા આ ઓપરેશન થીએટરમાં સ્ટેનલેસ સ્ટીલની વર્નલ પેનલ અને ફોલ સિલીંગ, એન્ટી બેક્ટેરિયલ પેઇન્ટ, પેરિફેરલ લાઇટ, ઓટોમેટિક સિલીંગ સ્લાઇડિંગ ડોર્સ, લેમિનાર એર ફ્લો સિલીંગ સિસ્ટમ, સિંગલ એન્ડ ડબલ આર્મ એનેસ્થેસિયા 1 લાખ 40 હજાર લક્ષ(LUX) ક્ષમતા ધરાવતી O.T. લાઇટ વિથ મોનિટર, હાઇ ડેફિનેશન કેમેરા, સર્જન કંટ્રોલ પેનલ, એક્સ-રે વ્યુ સ્ક્રિન, પ્રેશર રિલીફ ડેમ્પર જેવી અતિ આધુનિક સગવડોનો સમાવેશ થાય છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં ૨૧ ઓપરેશન થીયેટરનું લોકાર્પણ કરાવતા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે કહ્યુ કે આજના નવનિર્મિત અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ 21 ઓપરેશન થીયેટર સમ્રગ દેશભરમાંથી આવતા દર્દીઓની જનસુખાકારીમાં વધારો કરશે.

નાયબ મુખ્યમંત્રી શ્રી એ કહ્યુ કે જ્યારે જ્યારે પણ માનવતાનો સાદ પડ્યો છે ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલે ફક્ત ગુજરાત રાજ્ય જ નહીં પરંતુ સમગ્ર ભારતભરમાંથી આવતા દર્દીનારાયણની નિઃસ્વાર્થ ભાવે, રાત-દિવસ જોયા વિના સેવા-સુશ્રુષા કરી છે. “મે આઇ હેલ્પ યુ” ની સાથે “મે આઇ કેર યુ” ની સમાજ ભાવના રાખીને સર્વે દર્દીઓની સેવા કરી  છે.

રાજ્ય પર આવી પડેલી ભલભલી આપત્તિઓ, અને કુદરતી હોનારતોમાં સિવિલ હોસ્પિટલ અને અહીના કુશળ તબીબોએ રાજ્યભરમાં સેવા બજાવીને પોતાની કર્તવ્યનિષ્ઠાનું શ્રેષ્ઠ ઉદાહરણ વખતોવખત પુરૂ પાડ્યુ છે તેમ તેઓએ ઉમેર્યુ છે.

ગુજરાતની વર્તમાન સંવેદનશીલ સરકારે પણ અમદાવાદ સિવિલ હોસ્પિટલ સહિત રાજ્યના આરોગ્ય ક્ષેત્રને વધુ સઘન અને આધુનિક બનાવવામાં કોઇ કચાશ રાખી નથી જ્યારે જ્યારે આક્સિમક આપદા સમયની જરૂરિયાત હોય કે સામાન્ય જરૂરિયાત રાજ્ય સરકારે તમામ જરૂરિયાતોને રાજ્યની તમામ હોસ્પિટલને સંતોષી છે તેમ નાયબ મુખ્યમંત્રી શ્રીએ કહ્યુ હતુ.

શ્રી પટેલે જણાવ્યુ કે અમદાવાદ સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં આજે રાજ્ય તેમજ રાજ્ય બહારથી આવતા દર્દીઓની સ્વાસ્થ્ય સુવિધાઓમાં વધારો થાય તે માટે 21 ઓપરેશન થીયેટર, અત્યાધુનિક CSSD, સૂચિત સ્કીન બેંક કાર્યરત કરાવવામાં આવી છે. 2021 ના નવા વર્ષમાં આ વિવિધ પ્રકલ્પો જનસુખાકારીમાં વધારો કરીને અમદાવાદ સિવિલ હોસ્પિટલની સ્વાસ્થય સુવિધાઓની કાર્યદક્ષતા વધુ અસરકારક બનાવશે.

સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરથી લઇ સમગ્ર હોસ્પિટલમાં તબક્કા પ્રમાણે સ્વાસ્થય જરૂરિયાત, મશીનરી, અત્યાધુનિક ઉપકરણોની જરૂરિયાત સંતોષીને તમામ સુવિધાઓથી સુસજ્જ કરવામાં આવી રહી છે.

નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીને યાદ કરતા કહ્યુ કે દેશની અત્યાધુનિક મેડિસીટીના સેવેલા સ્વપ્નને આગળ ધપાવવા રાજ્ય સરકાર તમામ પ્રયાસ કરી રહી છે તેનું આજના પ્રકલ્પો શ્રેષ્ઠ ઉદાહરણ છે.

તેઓએ વધુમાં ઉમેર્યુ કે અમદાવાદ સિવિલ મેડિસીટીમાં આવેલ કિડની હોસ્પિટલ, કેન્સર હોસ્પિટલ, આંખની હોસ્પિટલ, ડેન્ટલ હોસ્પિટલ, હ્યદયરોગની હોસ્પિટલ, પેરા પ્લાઝિયા ઇન્સ્ટિટ્યુટ, મહિલાઓ અને બાળકો માટેની અલાયદી હોસ્પિટલ, બી.જે. મેડિકલ કોલેજ, નર્સિગ હોસ્ટેલ જેવી તબીબી સુવિધાઓ ફક્ત રાજ્ય જ નહીં પરંતુ દેશભરમાંથી આવતા દર્દીઓની સ્વાસ્થય સુવિધાઓ અને જન સુખાકારીમાં અનેકગણો વધારો કરી રહી છે.જે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની પરિકલ્પના હતી જે આજે સાકાર થઇ રહી છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રાજ્ય જ નહીં પરંતુ રાજ્ય બહારથી આવતા દર્દીઓને પણ સામાન્ય થી લઇ અતિગંભીર બિમારી, સર્વસામાન્ય થી લઇ અતિજટિલ સર્જરી વિનામૂલ્યે કરીને, કોરોનાકાળમાં 1200 બેડ હોસ્પિટલમાં અસંખ્ય દર્દીઓની અત્યંત મોંધા ઇન્જેક્શન થી લઇ તમામ પ્રકારની ગંભીર અને લાંબી સારવાર વિનામૂલ્યે ઉપલ્બધ કરાવીને રાજ્ય સરકારે ખરા અર્થમાં સંવેદનશીલ સરકારની પરિકલ્પના સાકાર કરી છે તેમ નાયબ મુખ્યમંત્રી શ્રીએ ઉમેર્યુ હતુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.