કોરોના વાયરસથી ૭ દિવસમાં મૃત્યુનો આંક ૨૦૦૦ની નીચે
નવી દિલ્હી: ભારતમાં ૩૦ અઠવાડિયા પછી પાછલા ૭ દિવસ દરમિયાન ૨,૦૦૦ કરતા પણ ઓછા લોકોના કોરોના વાયરસના કારણે મોત થયા છે. દિવાળી પછી ભારતમાં કોરોના વાયરસના કેસમાં જે રીતે ઉછાળો નોંધાયો હતો તે પછી સ્થિતિને કાબૂમાં લેવા માટે વિવિધ રાજ્યો દ્વારા ભરવામાં આવેલા પગલામાં સફળતા મળી છે
અને આંકડો નીચો આવી રહ્યો છે. પાછલા અઠવાડિયા (૨૮ ડિસેમ્બરથી ૩ જાન્યુઆરી) દરમિયાન દેશમાં ૧,૭૪૮ લોકોના કોરોનાના લીધે મૃત્યું થયા છે, એટલે પાછલા અઠવાડિયે નોંધાયેલા ૨,૦૮૭ કેસની સામે ૧૬%નો ઘટાડો નોંધાયો છે. આ પહેલા ૧થી ૭ જૂન દરમિયાન ૨૦૦૦થી ઓછા મૃત્યું નોંધાયા હતા,
જેનો આંકડો ૧,૭૯૭ હતો. કોરોનાના કારણે નોંધાયેલા પાછલા અઠવાડિયાના મૃત્યુ જેટલો ઓછો આંકડો મે મહિનાના અંતિમ અઠવાડિયામાં નોંધાયો હતો, એટલે કે ૭ મહિના પહેલા. પીક ટાઈમમાં સપ્ટેમ્બર ૧૪થી ૨૦ દરમિયાન નોંધાયેલા ૮,૧૭૫ મૃત્યુ કરતા ૨૧.૩%નો ઘટાડો નોંધાયો હતો. અઠવાડિયા દરમિયાન નોંધાતા મૃત્યુઆંકમાં ઘટાડો થવાની સાથે-સાથે ફ્રેશ કેસમાં પણ ૧૩%નો ઘટાડો નોંધાયો છે. જેમાં ૧,૩૨,૭૬૫ કેસ નોંધાયા છે. ૮ અઠવાડિયા પછી કેસમાં આટલો ઘટાડો નોંધાયો છે.
આ પહેલા જૂન (૨૧-૨૮) મહિનામાં ૧.૨ લાખ કેસ નોંધાયા હતા. સપ્ટેમ્બરના મધ્યથી ભારતમાં કોરોના વાયરસના આંકડામાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. રવિવારે ભારતમાં ૧૬,૭૩૩ કેસ નોંધાયા છે, જેમાં શનિવારના કેસ કરતા ૧,૪૦૦નો ઘટાડો નોંધાયો છે. આ દિવસે ૨૧૭ લોકોએ જીવ ગુમાવ્યો હતો. દેશમાં કુલ કેસનો આંકડો ૧,૦૩,૪૧,૫૦૨ પર પહોંચ્યો છે
જ્યારે એક્ટિવ કેસનો આંકડો ૨.૫ લાખની નીચે આવી ગયો છે. ફરી દેશમાં અન્ય રાજ્યોની સરખામણીએ સૌથી વધારે ૪,૬૦૦ કેસ નોંધાયા છે, જ્યારે ૨૫નાં મોત થયા છે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી કેકે શૈલજાના જણાવ્યા પ્રમાણે યુકેથી પરત આવેલા મુસાફરોમાં પાછલા ૨૪ કલાકમાં કોઈ પોઝિટિવ કેસ નોંધાયો નથી.