Western Times News

Gujarati News

ઝઘડિયા તાલુકાના મુલદ ગામે માટી માફિયાઓ બેફામ બન્યા

માટી માફિયાઓએ મુલદ ગામ નું સ્મશાન ખોદી નાખ્યું-માટી ખોદતા સમયે દફનવિધિ કરાયેલા ઈસમોની અવશેષો મળી આવ્યા હોય હોબાળો મચ્યો.

ગ્રામજનોએ સરપંચ ઉપસરપંચ  અને તલાટી દ્વારા આ ખોદકામ વગર મંજૂરીએ કરાવતા હોવાનો આક્ષેપ કર્યો.

(વિરલ રાણા દ્વારા) ભરૂચ: ઝઘડિયા તાલુકાના મુલદ ગામે માટી માફિયાઓએ મુલદ ગામના આદિવાસી સમાજનું સ્મશાન ખોદાતુ હોવાની લેખિત રજૂઆત ઝઘડિયા પોલીસ ઇન્સ્પેકટર તથા તાલુકા વિકાસ અધિકારીને કરી છે.

ગ્રામજનોએ સરપંચ, ઉપસરપંચ અને તલાટી દ્વારા વગર પરવાનગીએ માટી ખોદકામ ચાલાવાતુ હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. ખોદકામ દરમિયાન દફનવિધિ કરાયેલ ઈસમોના અવશેષો પણ મળી આવતા હોબાળો મચ્યો હતો.

ઝઘડિયા તાલુકાના મુલદ ગામના અનિલ સોમાભાઈ વસાવા તથા અન્ય ગ્રામજનો દ્વારા ઝઘડિયા પોલીસ મથકના પી.આઈ તથા ઝઘડીયા તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર સહિત જિલ્લા મથકના અધિકારીઓને ગામના સરપંચ, ઉપ સરપંચ અને તલાટીના મેળાપીપણામાં આદિવાસી સમાજનું સ્મશાન ખોદાતુ હોવાનો આક્ષેપ કર્યો
છે.

ગ્રામજનોએ કરેલી રજૂઆતમાં તેમણે જણાવ્યું હતું કે મુલદ ગામની સીમમાં આવેલ જમીન જેમાં ગામના તમામ લોકો મરણ વિધિ કરે છે અને આદીવાસી સમાજના પૂર્વજોના રીતરિવાજ મુજબ તે જમીન પર દફનવિધિ વર્ષોથી કરતા આવ્યા છીએ.

ગત તા. ૯.૧.૨૧ થી ૧૧.૧.૨૧ ના રોજ ગામના સરપંચ રંજનબેન અમરસિંહભાઈ વસાવા, ઉપસરપંચ જગદીશભાઈ ડાહ્યાભાઈ પટેલ તથા તલાટી જીગ્નેશ ખુશાલભાઈ પટેલ નાઓ એકબીજાના મેળાપીપણામાં ગેરકાયદેસર રીતે ગામની સીમમાં જીસીબી મશીન અને ટ્રકના ઉપયોગ કરી જમીનમાંથી ગેરકાયદેસર રીતે ખોદકામ કરે છે અને તે માટીનુ વેચાણ કરે છે. આ માટી ખોદકામ માટે તેઓએ પરવાનગી લીધેલ નથી કે ગામના કોઈ લોકોને કામ વિષે જણાવેલ નથી.

ગામના લોકોને અંધારામાં રાખી જમીનમાંથી માટી ખોદકામ કરી વેચાણ કરેલ છે. ગ્રામજનોએ આ બાબતે સરપંચ ને જણાવતા તેમણે તેમની સાથે ઉદ્યતાઇ ભર્યુ વર્તન કર્યું હતું.  અત્રે ઉલ્લેખનીય છે કે માટી ખોદકામ દરમિયાન દફનવિધિ કરાયેલા ઈસમોના અવશેષો પણ મળી આવ્યા હોવાનો મૌખિક રજૂઆત કરી ફોટો દર્શાવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.