Western Times News

Latest News from Gujarat

વર્તમાન પડકારજનક સમયમાં અગ્રેસર રહેવા માટે ડર્મેટોલોજિસ્ટ્સને સક્ષમ બનાવવા જરૂરીઃ ઈલેશ ખખ્ખર

જાણીતાં ઉદ્યોગપતિ અને મોટિવેશ્નલ સ્પીકરે ડર્મેટોલોજિસ્ટ્સ માટેના સૌપ્રથમ વર્ચ્યુઅલ ઈવન્ટ ’21 ફોર 21 ડર્મા ચેલેન્જ’નું આયોજન કર્યું

અમદાવાદ, સમગ્ર વિશ્વને અભૂતપૂર્વ સંકટમાં ધકેલનારી કોવિડ-19ની મહામારીને પરિણામે અન્ય ઉદ્યોગની જેમ ડર્મેટોલોજી (ત્વચા વિશેષજ્ઞ) ઈન્ડસ્ટ્રીઝને પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. ડર્મેટોલોજીસ્ટને વર્તમાન પ્રવાહોથી વાકેફ કરી તેમનું  સશક્તિકરણ થાય તે માટે એથિકેર ગ્રૂપ ઓફ કંપનીઝના સંસ્થાપક અને સીઈઓ તથા મોટિવેશ્નલ સ્પીકર શ્રી ઈલેશ ખખ્ખરે તાજેતરમાં જ ડર્મેટોલોજિસ્ટ્સ માટેના સૌપ્રથમ અને આગવા વર્ચ્યુઅલ ઈવન્ટ ’21 ફોર 21 ડર્મા ચેલેન્જ’નું આયોજન કર્યું હતું.

અમદાવાદના શીલજ ખાતે યોજાયેલી આ 3 દિવસની એપિક ચેલેન્જ ઈવન્ટનું આયોજન, સતત બદલાતા સમયમાં ડર્મેટોલોજીસ્ટ્સ અગ્રેસર રહી 2021ના વર્ષને વ્યવસાયની દૃષ્ટિએ અત્યાર સુધીનું સર્વોત્તમ વર્ષ બનાવી શકે તે માટે તેમનું સશક્તિકરણ કરવાના ધ્યેયથી કરાયું હતું.

આ ઈવન્ટમાં ડર્મેટોલોજીસ્ટ્સ પોતાની દૈનિક કામગીરીમાં તાત્કાલિક અમલી બનાવી શકે તેવી પદ્ધતિઓ અને વિચારો ઉપરાંત ત્વચા અને વાળની માવજત અંગે લોકોમાં જાગરુકતા કેવી રીતે ફેલાવી શકાય તે સહિતના વિષયોને આવરી લેવાયા હતાં.

આ પ્રસંગે બોલતાં શ્રી ઈલેશ ખખ્ખરે જણાવ્યું હતું કે આ ભવ્ય વર્ચ્યુઅલ ઈવન્ટ માટે અમને અત્યંત બહોળો પ્રતિસાદ સાંપડ્યો હતો, જેમાં ભારત ઉપરાંત, યુએસએ, યુકે, કેનેડા, કેન્યા, નેપાળ, બાંગ્લાદેશ સહિતના વિશ્વના વિવિધ દેશોમાંથી 200થી વધુ ડર્મેટોલોજિસ્ટ્સે ભાગ લીધો હતો.

હું ડર્મેટોલોજિસ્ટ્સને માત્ર નવતર વિચારો કરવા જ નહોતો પ્રેરવા માગતો, પરંતુ તેમની સમક્ષ વિવિધ પડકારો રજૂ કરી આ વિચારોનો તેમની રોજ-બ-રોજની કામગીરીમાં અમલ થાય તેમ ઈચ્છતો હતો. આ વર્ચ્યુઅલ સેમિનાર દ્વારા તેમાં ભાગ લેનારા પ્રતિનિધિઓએ વૃદ્ધિની ત્રિ-પરિમાણીય બાજુઓ પર ધ્યાન કેન્દ્રીત કર્યું હતું, જેમાં ઉદ્યોગસાહસિકતા, સોશિયલ મીડિયા તથા વ્યૂહાત્મક વૃદ્ધિનો સમાવેશ થાય છે.

2020માં સમગ્ર વિશ્વને એકાએક અકલ્પનીય કટોકટીમાં મુકી દેનાર કોરોના મહામારીને પગલે લોકોની જીવનશૈલીમાં નોંધપાત્ર બદલાવ આવ્યો છે. આ મહામારીને પગલે વ્યક્તિગત ઉપસ્થિતિ આધારિત કોન્ફરન્સ અને ઈવન્ટ્સ ભૂતકાળ બની ગયાં.

અન્ય ઉદ્યોગોની જેમ જ આ મહામારીની માઠી અસર ડર્મેટોલોજી ઈન્ડસ્ટ્રી પર પણ થઈ છે. અન્ય ઉદ્યોગની માફક ડર્મેટોલોજી ઉદ્યોગે પણ સમુદાયની સેવા કરવા માટે ડિજિટલ માધ્યમની મદદ લીધી. સોશિયલ ડિસ્ટન્સિંગ રોજિંદા જીવનનો ભાગ બનતાં સમાજના મોટાભાગના લોકોએ ટેલિકન્સલ્ટેશન અને વર્ચ્યુઅલ સહાયને સાહજિકતાથી સ્વીકારી લીધું જેને પરિણામે ડર્મેટોલોજીસ્ટ્સ માટે આ વર્ચ્યુઅલ સાધનોની મદદથી પોતાની પ્રેક્ટિસના સંચાલન માટે નવા પડકારો ઉભાં થયા હતાં.

કોવિડ-19ના આ યુગમાં ડર્મેટોલોજી ઈન્ડસ્ટ્રીમાં આવી રહેલા આમૂલ પરિવર્તનોને ધ્યાનમાં રાખીને શ્રી ઈલેશ ખખ્ખરે પોતાના જ્ઞાન, અનુભવ, કુશળતા અને સમજની મદદથી  ડર્મેટોલોજીસ્ટ્સ સમુદાયને સક્ષમ બનાવી તેમનામાં જાગરુકતા ફેલાવવા પહેલ આદરી હતી.

પડકારજનક સમય દરમિયાન પણ પોતાનો હકારાત્મક અભિગમ જાળવી રાખનારા શ્રી ખખ્ખરે ડર્મેટોલોજીસ્ટ્સને વિષમ પરિસ્થિતિમાં પણ નિરાશ થયા વગર આગળ વધવા પ્રેરિત કર્યાં હતાં.

સમયના બદલાતા વહેણની સાથે જ તેમને લાગ્યું કે ડર્મા સમુદાયે વર્તમાન ટ્રેન્ડ, હાલમાં કઈ વસ્તુ નથી ચાલે તેમ અને પ્રેક્ટિસ મેનેજમેન્ટ વર્લ્ડના નવા ધોરણો વિશે જાણવાની જરૂર છે. તેમના આ વિઝનને પરિણામે 21 ફોર 21 ડર્મા ચેલેન્જ ઈવન્ટના આયોજનને પ્રેરણા આપી. પરંતુ કોરોનાના કારણે પ્રતિનિધિઓ માટે વ્યક્તિગત હાજરી શક્ય નહીં હોવાથી તેમણે ડર્મા પ્રેક્ટિસ ગ્રોથ માટે સૌપ્રથમ એવી વર્ચ્યુઅલ ઈવન્ટની સંકલ્પનાને સાકાર બનાવી.

આ કાર્યક્રમ દ્વારા શ્રી ઇલેશ ખખ્ખરે ડર્મા સમુદાયને નવી વ્યૂહરચનાઓ, નવી પદ્ધતિઓ અને નવા જ્ઞાન સાથે 2021ના વર્ષમાં બહેતર કામગીરીમાટે તૈયાર રહેવા માટે પ્રેરિત કર્યા હતાં, અને તેમને એ સમજવામાં મદદ કરી હતી કે હવેના સમયને હળવાશથી ના લઈ શકાય, 2021માં નવો ઈતિહાસ રચવા સૌએ સજ્જ રહેવાનું છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers