Western Times News

Gujarati News

વિજયી ભવઃ દાહોદમાં કોરોના સામે રસીકરણનો થશે પ્રારંભ

દાહોદ જિલ્લામાં ચાર વેક્સીન સેશન સેન્ટર ઉપરથી  ૮ હજારથી વધુ આરોગ્યકર્મીઓને રસી અપાશે

કોરોના મહામારીને મહાત કરવા માટે દાહોદ જિલ્લો સજ્જ થઇ રહ્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કરેલી જાહેરાત મુજબ આવતી કાલ શનિવારથી દાહોદ જિલ્લાના ચાર સેશન લોકેશન ઉપરથી કોરોના વેક્સીનેશન કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવશે.

વેક્સીનેશનના પ્રારંભિક તબક્કે દાહોદના ૮ હજારથી પણ વધુ આરોગ્યકર્મીને આવરી લેવામાં આવશે.

દાહોદમાં ચાલનારા વેક્સીનેશન કાર્યક્રમની માહિતી આપતા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. રમેશ પહાડિયાએ જણાવ્યું કે, દાહોદમાં ઝાયડ્સ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ, દેવગઢ બારિયા, લીમખેડા અને ફતેપુરા ખાતે કાલ તા. ૧૬મીથી સેશન ચલાવવામાં આવશે. આજ સાંજ સુધીમાં વેક્સીનના ડોઝ ત્યાં પહોંચી જશે.

એક વ્યક્તિને અડધા મિલિમિટરનો ડોઝ આપવામાં આવશે. ૨૮ દિવસ બાદ ફરી ડોઝ આપવામાં આવશે.

તે દરમિયાન રસી લેનાર વ્યક્તિની તકેદારી લેવામાં આવશે. તમામ આરોગ્ય કર્મચારીઓને અલગ અલગ દિવસે રસી લેવા માટે બોલાવવામાં આવશે. ઇન્ટ્રા મસ્ક્યુલર પદ્ધતિથી રસી આપવામાં આવશે. એટલે, રસી અંગેની કોઇ નિશાની શરીરમાં નહી રહે. ધાત્રી કે સગર્ભા કર્મચારીઓને રસી આપવાની નથી.

દાહોદમાં પ્રતિદિન ચાર સો આરોગ્યકર્મીઓને રસી આપવામાં આવશે. એટલે કે, એક સેશન સેન્ટર ઉપરથી રોજના ૧૦૦ આરોગ્ય કર્મચારીઓને રસી આપવામાં આવશે.  દાહોદ જિલ્લામાં ઝાયડ્સ ખાતેથી ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા, દેવગઢ બારિયા ખાતેથી રાજ્ય મંત્રી શ્રી બચુભાઇ ખાબડ, લીમખેડા ખાતેથી સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર અને ફતેપુરથી વિધાયક શ્રી રમેશભાઇ કટારા સવારે ૧૦ વાગ્યે રસીકરણનો પ્રારંભ કરાવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.