Western Times News

Gujarati News

રશિયન કોરોના રસીના ત્રીજા તબક્કાના ટ્રાયલને મંજૂરી મળી

Files Photo

નવી દિલ્હી: ભારતમાં આજે કોરોના રસીકરણ કાર્યક્રમ શરૂ થવા જઈ રહ્યો છે. આ પહેલા વધુ એક કોરોના વેક્સીનને લઈને સારા સમાચાર સામે આવ્યા છે. ભારતમાં રશિયન કોવિડ વેક્સીનના ત્રીજા તબક્કાના ક્લિનિકલ ટ્રાયલને ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા દ્વારા મંજૂરી મળી ગઈ છે. ફાર્માસ્યુટિકલ કંપની ડો. રેડ્ડીઝ લેબોરેટરીઝે શુક્રવારે કહ્યું હતું કે, તેમને કોરોના વાયરસ પ્રતિરોધક રસી ‘સ્પુટનિક વી’ના ક્લિનિકલ ટ્રાયલ કરવા માટે ડીસીજીઆઈની મંજૂરી મળી છે.

હૈદરાબાદ સ્થિત કંપનીએ કહ્યું કે, આ રસીના ત્રીજા તબક્કામાં ૧,૫૦૦ લોકો પર પરીક્ષણ કરવામાં આવશે. આ અઠવાડિયાની શરૂઆતમાં ડેટા એન્ડ સેફ્ટી મોનિટરિંગ બોર્ડએ રસી ક્લિનિકલ ટ્રાયલના બીજા તબક્કાના ડેટાની સમીક્ષા કરી હતી અને ત્રીજા તબક્કા માટે વોલન્ટિયર્સને ભરતી કરવાની ભલામણ કરી હતી.

ડીસીએમબીએ પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે રસીમાં સલામતી ચિંતાની જાણ થઈ નથી. ડો. રેડ્ડીઝ લેબોરેટરીઝના સહ-અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર જીવી પ્રસાદે જણાવ્યું હતું કે, અમને આશા છે કે અમે આ મહિનામાં ત્રીજા તબક્કાનો અભ્યાસ શરૂ કરીશું અને ભારતીય જનતા માટે સલામત અને અસરકારક રસી લાવવાના અમારા પ્રયત્નો ચાલુ રાખીશું. નીસ્પુટનિક વી રશિયા દ્વારા બનાવવામાં આવેલી રસી છે.

દેશવાસીઓ માટે આજનો દિવસ મોટો છે. કોરોના વાયરસ સામે વિશ્વનું સૌથી મોટું યુદ્ધ આજથી ભારતમાં શરૂ થવા જઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા દેશભરના ૩૦૦૦ કેન્દ્રો પર રસીકરણ કાર્યક્રમની શરૂઆત કરી. આ સમય દરમિયાન મોદી દેશવાસીઓને સંબોધિત કરી રસી લગડાવતા લોકો સાથે વાત કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.