Western Times News

Gujarati News

અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતેથી કોરોના રસીકરણનો રાજ્યવ્યાપી પ્રારંભ

૧૬૧ કેન્દ્રો પરથી ૧૬ હજારથી વધુ હેલ્થ કર્મીઓ-ફ્રન્ટલાઇન વોરિયર્સને સૌ પ્રથમ કોરોના વેકસીન

નાગરિકો કોઇપણ જાતના ભય અને અફવાઓથી દૂર રહી કોરોના રસીકરણનો લાભ લે-રસીકરણના પ્રારંભથી દેશમાં કોરોનાના અંતની શરૂઆત થઇ છે : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કોરોના વેકસીનેશનનો રાજ્યવ્યાપી પ્રારંભ અમદાવાદ સિવીલ હોસ્પિટલ ખાતેથી નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલની ઉપસ્થિતીમાં કરાવતાં કહ્યું કે, કોરોના મહામારીથી હેરાન-પરેશાન લોકો માટે અમૃત સમાન વેકસીન હવે આવી ગઇ છે.

૧૬ મી જાન્યુઆરીનો દિવસ સમગ્ર દેશ અને રાજ્ય માટે એક ઐતિહાસિક દિવસ છે. સમગ્ર દેશ જેની આતુરતાથી રાહ જોઇ રહ્યુ હતુ તે ઘડી આજે આવી છે તેમ પણ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ હતું.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા સમગ્ર દેશમાં કોરોના રસીકરણ પ્રક્રિયાનો શુભારંભ કરાવવામાં આવ્યો છે ત્યારે દેશ અને રાજ્યમાં કોરોના રસીકરણનો પ્રારંભ દ્વારા કોરોનાના અંતની શરૂઆત થઇ છે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ વ્યકત કર્યો હતો.

ગુજરાતમાં પ્રથમ તબક્કામાં ૧૬૧ કેન્દ્ર ઉપર ૧૬ હજારથી વધુ હેલ્થકેર વર્કરો કોરોના રસીકરણ હાથ ધરવામાં આવશે તેમ જણાવતા મુખ્યમંત્રી શ્રી એ ઉમેર્યુ કે કોરોના વેક્સિનેસન કામગીરીનો રાજ્ય સ્તરે આરંભ ત્યારે હેલ્થકેર વર્કરો દ્વારા ઉત્સાહભેર આ રસીકરણને આવકારવામાં આવી કહ્યું છે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કોરોના રસીકરણના પ્રથમ તબક્કામાં મેડિકલ, પેરામેડિકલ, નર્સિંગ તેમજ સફાઇકર્મીઓના સ્ટાફ જેઓએ નવ મહિનાથી પણ વધારે સમયથી સતત ખડેપગે રહીને રાઉન્ડ ઘ ક્લોક રાજ્યના કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવા-શુશ્રુષા કરી છે કોરોનાની બીમારીથી સપડાયેલા લોકોને બહાર કાઢવા દિવસ રાત જહેમત હાથ ધરી છે તેમને આ રસીકરણમાં પ્રાથમિકતા આપવામાં આવવાનું જણાવ્યુ હતુ.

મુખ્યમંત્રી શ્રીએ કહ્યુ કે કોરોનાકાળમાં પોતાના જીવના જોખમે કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવા કરી છે અને કોરોનાગ્રસ્ત દર્દીઓનો જીવ બચાવતા પોતે પણ કોરોનાથી સંક્રમિત થયા છે તે તમામ હેલ્થકેર વર્કરોનો કોરોના વેક્સિનેસન પર પ્રથમ હક છે તેના ભાગરૂપે જ તેમની કર્તવ્યનિષ્ઠાને બિરદાવવા ભારત સરકાર દ્વારા પ્રથમ તબક્કામાં રસીકરણ પ્રક્રિયામાં આવા બાહોશ હેલ્થકેર વર્કરોને પ્રાથમિકતા આપવામાં આવી છે.

અમદાવાદના નામાંકિત તબીબો, મેડિકલ જગતના તજજ્ઞો, પદાધિકારીઓએ પણ આજે વેક્સિન લઇને અન્ય લોકોને પ્રોત્સાહનરૂપ ઉદાહરણ પૂરૂ પાડ્યુ છે તેમ જણાવતા મુખ્યમંત્રી શ્રીએ ઉમેર્યુ કે જયારે તબીબી જગત સાથે જોડાયેલ તજજ્ઞો કોઇપણ જાતના ડર વગર રસી લઇ રહ્યા હોય ત્યારે આપણે પણ કોઇપણ જાતના ડર વગર કોરોના વેક્સિનેસન પ્રક્રિયા અનુસરીને તેનો લાભ લેવો જોઇએ.

કેન્દ્ર સરકાર દ્વારા તબક્કાવાર જે રસીકરણ પ્રક્રિયા હાથ ધરવામાં આવે તે દરમિયાન ગુજરાતના નાગરિકો કોઇપણ જાતના ભ્રમ, સંકોચ રાખ્યા વગર અફવાઓથી દૂર રહી આ વેક્સિન લઇ શકે છે તેવી અપિલ મુખ્યમંત્રીશ્રીએ નાગરિકોને કરી હતી.

હાલ રસીકરણ પ્રક્રિયામાં ઉપયોગમાં લેવાઇ રહેલી કોવિડશિલ્ડ વેક્સિન સંપૂર્ણપણે સુરક્ષિત હોવાનું જણાવતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યુ કે રાજ્યના નાગરિકો આ વેક્સિન પર પૂરો ભરોસો રાખીને આ રસી લે તથા પોતાને અને પરિવારને સુરક્ષિત કરે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના રસીકરણના પ્રાથમિકતા તબક્કામાં ૫.૪૧ લાખ જેટલા કોરોના રસીના ડોઝ આપવામાં આવવામાં આવ્યા છે જેમાં ૪.૪૦ લાખ જેટલા હેલ્થકેર વર્કરોને કોવિડશિલ્ડ કોરોના રસીનો ડોઝ આપવામાં આવશે.જેના ભાગરૂપે આજે મુખ્યમંત્રીશ્રી દ્વારા સમગ્ર રાજ્યના ૧૬૧ રસીકરણ કેન્દ્ર પર ૧૬ હજારથી વધુ લોકોમાં કોરોના રસીકરણ પ્રક્રિયાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.

સિવિલ હોસ્પિટલ કોરાના રસીકરણ કાર્યક્રમમાં આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિ, આરોગ્ય કમિશ્નરશ્રી, સિવિલ સુપ્રીન્ટેન્ડેન્ટશ્રી, તબીબી તજજ્ઞો એ ઉપસ્થિત રહીને કોરોના રસી લેનાર હેલ્થકેર વર્કરોનો ઉત્સાહ વધાર્યો હતો.

અત્રે એ ઉલ્લેખનીય છે કે રાજ્યમાં આ રસીકરણ માટે રાજ્યમાં ૧૭૧ર૮ વેકસીનેટર્સ, ર૭૯૩૪ સેશન સાઇટસ અને રર૩૬ કોલ્ડ ચેઇન પોઇન્ટસ તૈયાર કરવામાં આવેલા છે.  રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પણ મહાનુભાવોની ઉપસ્થિતીમાં આ વેકસીનેશનનો આરંભ થયો છે.  આ વેકસીન લેનારા આરોગ્ય કર્મીઓ-તબીબોને કોરોના વેકસીન બેચ શોલ્ડર લગાવીને આગવી ઓળખ પણ પ્રસ્થાપિત કરવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.