Western Times News

Latest News in Gujarat

સાબરમતીને પ્રદુષિત કરવામાં મ્યુનિ. કોર્પોરેશન જવાબદાર

જી.આઈ.ડી.સી. ટર્મીનલ પરથી ૧૦૦ એમએલડી ઈન્ડ.વોટર બાયપાસ થઈ રહયુ હોવાની ચર્ચા : મનપા દ્વારા દૈનિક ૩૦૦ એમએલડી સુઅરેજ વોટર બાયપાસ થાય છે

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કમીશ્નર વધુ એક વખત તેમના વાયદામાં નિષ્ફળ સાબિત થયા છે. મ્યુનિસિપલ કમીશ્નરે પ્રસિધ્ધિની લ્હાયમાં માત્ર ચાર મહીનામાં જ સાબરમતી નદીને શુધ્ધ કરવાની જાહેરાત કરી હતી તથા તેના માટે ચાર દિવસ “શ્રમયરી” પણ કર્યો હતો. પરંતુ આ તમામ કવાયત માત્ર ખોટો “યશ” લેવા માટે કરવામાં આવી હતી તે પુરવાર થયું છે.

સાબરમતી નદી શુધ્ધ થવાના બદલે વધુ “મલિન” થઈ રહી છે. નદીમાં બેરોકટોક કેમીકલયુકત પાણી છોડવામાં આવી રહયા છે. વિઝોલ એસટીપી ઘણા સમયથી બંધ છે. તથા ૧૦પ એમએલડી કેમીકલયુકત અને સુઅરેજ વોટર નદીમાં ઠલવાઈ રહયું છે. પીરાણા ખાતે આવેલ ૧૮૦ એમએલડી અને જી.આઈ.ડી.સી. ના પ્લાન્ટમાંથી બેરોકટોક ગંદા પાણી નદીમાં ખાલી થઈ રહયા છે.

જેની ગંભીર નોધ સેન્ટ્રલ પોલ્યુશન બોર્ડ અને ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા લેવામાં આવી છે. સાબરમતીમાં એસિડીક અને સુઅરેજ વોટર ખાલી ન કરવા માટે મનપાને તાકીદ પણ કરવામાં આવી છે.

અમદાવાદ મહાનગર સેવા સદન દ્વારા દૈનિક સેકડો લીટર ગંદુ પાણી નદીમાં છોડવામાં આવી રહયું છે. મ્યુનિ. કોર્પોરેશને અલગ-અલગ વિસ્તારોમાં સરેરાશ ૮૦૦ એમએલડી સુઅરેજ વોટરને ટ્રીટ કરવા માટે એસટીપી બનાવ્યા છે. જે પૈકી મોટાભાગના એસટીપીમાં કેમીકલયુકત પાણી આવી રહયા છે. જેને ટ્રીટ કર્યા વિના જ “બાયપાસ” કરવામાં આવે છે. જેમાં ઓઢવ એસટીપી અને વિંઝોલ ના એસટીપી મોખરે છે.

વિઝોલ ના પ્લાન્ટની મશીનરી ખવાઈ ગઈ હોવાથી રોજ ૧૦પ એમએલડી મીક્ષ (સુઅરેજ અને એસિડિક) વોટર નદીમાં બાયપાસ થાય છે.મ્યુનિ. કોર્પોરેશન માટે જી.આઈ.ડી.સી.નું પાણી શિરદર્દ સમાન છે. સુત્રોએ જણાવ્યા મુજબ વટવા જી.આઈ.ડી.સી.માંથી દૈનિક ૮૦થી૧૦૦ એમએલડી પાણી મેગાલાઈન મારફતે પીરાણા એસટીપી ખાતે આવે છે. જયાં તેને ટ્રીટ કર્યા વિના જ નદીમાં છોડવામાં આવે છે.

પીરાણા એસટીપી પ્લાન્ટનું સંચાલન જી.આઈ.ડી.સી. દ્વારા જ કરવામાં આવે છે.મ્યુનિ. કોર્પોરેશન અને ગુજરાત પોલ્યુશન બોર્ડના અધિકારીઓ આ બાબતથી વાકેફ છે. તેમ છતાં જી.આઈ.ડી.સી.ના વટવા સ્થિત પ્લાન્ટમાં જ કેમીકલયુકત પાણી ટ્રીટ થઈને જ મેગાલાઈનમાં છોડવામાં આવી રહયું હોવાનો પોકળ બચાવ કરવામાં આવી રહયો છે.

મ્યુનિ. કોર્પોરેશન દ્વારા દૈનિક ૩૦૦ એમએલડી સુઅરેજ વોટર બાયપાસ કરવામાં આવી રહયું છે. જયારે એસિડીક કેમીકલયુકત પાણીનું પ્રમાણ વધારે છે. મનપા જી.પી.સી.બી.તથા જી.આઈ.ડી.સી.દ્વારા આ બાતનો સ્વીકાર કરવામાં આવતો નથી તે અલગ બાબત છે.

મ્યુનિ.કોર્પોરેશનના તમામ એસટીપીમાં દૈનિક ટ્રીટ થતા સુઅરેજ વોટરની માહિતી મળી રહે તે માટે “ઓટોમેશન”ની કામગીરી કરવામાં આવી હતી. જેના માટે “યેનાસ” નામની કંપની ને રૂ.ર૪ કરોડનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો. મ્યુનિ. ઈજનેર વિભાગ અને સેન્ટ્રલ લેબોરેટરીના અધિકારીઓને પ્લાન્ટમાં જઈને ડેટા લેવામાં રસ નથી. તેથી તમામ હકીકત પર ઢાંકપિછોડો થઈ રહયો છે. તથા પ્લાન્ટ ઓપરેટરો કે કોન્ટ્રાકટરો દ્વારા જે માહિતી આપવામાં આવે તો જ “શિલાલેખ” માનવામાં આવે છે. સેન્ટ્રલ લેબોરેટરી અને ઓપરેટરો વચ્ચે મજબુત સાંઠગાંઠ હોવાના પણ આક્ષેપ થઈ રહયા છે.

મ્યુનિ. કોર્પોરેશન પાસે ૧૮૦ એમએલડી ક્ષમતાનો ઓટોમેશન પ્લાનટ છે. જેનું લોકાર્પણ તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન
નરેન્દ્રભાઈ મોદીએ કર્યું હતું. એસિડિક વોટરના કારણે તેની મશીનરી પણ ખરાબ થઈ ગઈ છે. પ્લાન્ટ રામભરોસે ચાલી રહયા છે. તેમ છતાં “સબ સલામત” ની આલબેલ પોકારવામાં આવી રહી છે. જેનો લાભ “ચૈતાસ” જેવી અનેક કંપનીઓને થઈ રહયો છે. કંપની દ્વારા એસટીપીમાં લગાવવામાં આવેલ ઈન્સ્ટુમેન્ટ ના રીડીંગ માં પણ ગરબડ હોવાની શંકા વ્યકત થઈ રહી છે.

પરંતુ મ્યુનિ. કમીશ્નર અંગત રસ લેતા ન હોવાથી સમગ્ર કૌભાંડ પર ઢાંકપિછોડો થઈ રહયો છે. મ્યુનિ. કોર્પોરેશનના પીરાણા, વાસણા, ખોડીયારનગર તથા જી.આઈ.ડી.સી. ટર્મીનલનું પાણી નદી ને મલિન કરી રહયા છે. જી.આઈ.ડી.સી. ટર્મીનલનું પાણી ટ્રીટ કર્યા વિના જ નદીમાં ઠલવાય છે. સામાન્ય રીતે ઈન્ડ. વોટરને ટ્રીટ કરવા માટે ઈટીપી પ્લાન્ટ જરૂરી છે. પરંતુ તે અંગે મનપા કે જીઆઈડીસી દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી. નદીમાં ગંદા પાણી છોડવામાં ન આવે તેની તકેદારી રાખવાની જવાબદારી જીપીસીબી ની છે.

પરંતુ અગમ્ય કારણોસર જી.પી.સી.બી. ના અધિકારીઓ પણ મૌન છે. જયારે મનપા દ્વારા સુએજ વોટરની સાથે ઈન્ડ.વોટરમીશન થાય તેની તકેદારી રાખવામાં આવતી નથી. અમદાવાદ મનપા દ્વારા દૈનિક ૧રપ૦ એમએલડી શુધ્ધ પીવાલાયક પાણી આપવામાં આવે છે. જયારે ખાનગીબોર દ્વારા દૈનિક ૩૦૦થી૪૦૦ એમએલડી પાણી નો વપરાશ થાય છે. જેની સામે મનપા ના તમામ એસટીપીમાં સુએજ ની આવક ૮૦૦ એમએલડી છે. તેથી આટલો મોટો ડ્રોપ કયાં થાય છે ? તે જાણવાની તસ્દી મ્યુનિ. કમીશ્નર કે સીટી ઈજનેર દ્વારા લેવામાં આવતી નથી.

મ્યુનિ.કોર્પોરેશન ના સીટી ઈજનેર એસટીપી મામલે હરફસુધ્ધા ઉચ્ચારવામાં તૈયાર નથી. ચોકાવનારી બાબત એ છે કે કયા વિસ્તારના એસટીપીની કેપેસીટી કેટલી છે ?તેની માહિતી પણ તેમની પાસે રહેતી નથી! મ્યુનિ. કમીશ્નરના આદેશ મુજબ સીટી ઈજનેર કામ કરી રહયા હોવાના સીધા આક્ષેપ પણ થઈ રહયા છે. સાબરમતી નદી શુધ્ધિકરણ મામલે મ્યુનિ. કમીશ્નરે જે આંકડાકીય માયાજાળ રચી છે. તેને સીટી ઈજનેર મુક સમર્થન આપી રહયા છે.

નદીમાં ૧૮૦ એમએલડી ગંદુ પાણી છોડવામાં આવતું હતું તે બંધ થયું છે તેવી જાહેરાતો થાય છે. પરંતુ ૧૮૦એમએલડી સુઅરેજ ને કઈ દિશામાં ડાયવર્ટ કરવામાં આવ્યું છેકે કયાં છોડવામાં આવી રહયું છે તે બાબત અધ્યાહાર છે. મ્યુનિ. કમીશ્નર અને સીટી ઈજનેર ૧૮૦ એમએલડી સુઅરેજ વોટર મામલે “જાદુગર” સાબિત થઈ રહયા છે. તેવી જ રીતે ઈન્ડ.વોટર અને સુઅરેજ વોટર મામલે પણ મ્યુનિ. કમીશ્નર અને સીટી ઈજનેર અવારનવાર દાવા કરે છે. પરંતુ નકકર પરીણામ મળ્યા નથી.