Western Times News

Gujarati News

પોલીસ માટે તસ્કરો પડકાર રૂપ

નાઈટ પેટ્રોલીંગના દાવા વચ્ચે શહેરમાં ચોરીની સંખ્યાબંધ ઘટનાઓ : સોલામાં નોકરો પર ચોરીની આંશકા

(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં કથળેલી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિના પગલે ગુનાખોરીનો આંક વધી રહયો છે શહેરમાં તસ્કરો અને લુંટારુઓના તરખાટથી સ્થાનિક નાગરિકો પરસેવાની કમાણી ગુમાવી રહયા છે

શહેરમાં પોલીસ પેટ્રોલીંગના દાવા વચ્ચે ચોરીની ઘટનાઓમાં સતત વધારો થઈ રહયો છે શહેરના સોલા, નારણપુરા, એલીસબ્રીજ, ખાડિયા સહિતના વિસ્તારોમાં સંખ્યાબંધ ચોરીના બનાવો બન્યા છે જેમાં મોટી રકમની મત્તા ચોરાઈ છે શહેરના સોલા વિસ્તારમાં એક જ દિવસમાં બે ચોરીની ઘટનાઓ ઘટી છે.

શહેરમાં તસ્કરોના તરખાટ વચ્ચે સોલા વિસ્તારમાં બનેલી ચોરીની ઘટનાની વિગત એવી છે કે સાયન્સ સીટી રોડ પર આવેલા ગોલ્ડન લોટ્‌સમાં રહેતા સુનિલ નવીનભાઈ પરીખ જમીન લે-વેચનો ધંધો કરે છે અને તેમના ઘરે નોકરો પણ કામ કરી રહયા છે આ દરમિયાનમાં ગઈકાલે સુનિલભાઈના પત્નિ પોતાના પર્સમાં તપાસ કરતા તેમાંથી દાગીના તથા રોકડ રકમ જાવા મળી ન હતી.

જેના પરિણામે લોકરમાં પણ તપાસ કરી હતી પરંતુ ત્યાં પણ દાગીના હતા નહી જેના પરિણામે દાગીના તથા રોકડ રકમની ચોરી થઈ ગઈ હોવાનું માલુમ પડયું હતું તેમના ઘરમાં કામ કરવા આવતા નોકર પંકજ તથા તેની પત્નિ અને અન્ય નોકરો અંજલી અને તેનો પતિ જ ઘરમાં આવ જા કરતા હતા જેથી આ નોકરોએ જ દાગીનાની ચોરી કરી હોય તેવી શંકા વ્યકત કરવામાં આવી રહી છે

આ અંગે સુનિલભાઈએ સોલા પોલીસ સ્ટેશનમાં રૂ.પ.૧પ લાખની મત્તાની ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસ અધિકારીઓએ નોકરોની તપાસ શરૂ કરી છે.

સોલા વિસ્તારમાં બનેલા અન્ય એક બનાવમાં ભાણીયાએ જ મામાના ઘરમાં તિજારી સાફ કરી છે આ બનાવની વિગત એવી છે કે સોલા પોલીસ સ્ટેશન હેઠળના ગોતા વિસ્તારમાં આવેલા ગોપીનાથનગરમાં રહેતા હિતેશ યાદવ નામનો યુવક એચડીએફસી બેંકમાં અધિકારી છે અને તે તેની પત્નિ, માતા પિતા, ભાભી, પુત્ર તથા મામાનો પુત્ર રહે છે.

મામાનો પુત્ર શિવમ્‌ યાદવ ર૦૦૪ના વર્ષથી તેમની સાથે રહે છે. આ દરમિયાનમાં હિતેશની પત્નિ રોહિણીએ તેના પતિને તેના દાગીના સહિતની રકમની શિવમ યાદવે ચોરી કરી ગીરવે મુક્યા હોવાની જાણ કરી હતી જેના પગલે હિતેશ પણ ચોંકી ઉઠયો હતો અને તેણે પોતાના સોનાના દોરા સહિતની વસ્તુની તપાસ કરતા તે પણ ગાયબ થયેલા જાવા મળ્યા હતા આ ઉપરાંત તેનું એટીએમ કાર્ડ પર મળતું ન હતું.

જેના પગલે બેંકમાં તપાસ કરતા બેંકમાંથી પણ રોકડ રકમ ઉપાડવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. તપાસ કરતા કુલ રૂ.૭.૪ર લાખની મત્તાની ચોરી થયાનું માલુમ પડતા જ આ અંગે હિતેશ યાદવે સોલા પોલીસ સ્ટેશનમાં શિવમ્‌ યાદવ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે.

નારણપુરા વિસ્તારમાં સુંદરનગર ખાતે રહેતા કામિનીબેન રાકેશભાઈ ગાંધી શિક્ષિકા તરીકે નોકરી કરે છે દરમિયાનમાં તેમના પતિ બીમાર પડતાં તેમને દવાખાને દાખલ કરવામાં આવ્યા હતા જેના પરિણામે તેઓ પણ દવાખાને જ હતા આ દરમિયાનમાં તેમના પાડોશીએ તેમને ફોન કરીને તમારા ઘરનું તાળુ તૂટયુ હોવાની જાણ કરી હતી.

પરિણામે કામિનીબેન તાત્કાલિક ઘરે આવી પહોંચ્યા હતા અને ઘરમાં તમામ સામાન વેરવિખેર જાવા મળ્યો હતો ઘરમાંથી કુલ રૂ.૯૦ હજારની ચોરી થઈ હતી જે અંગે નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. શહેરના એલીસબ્રીજ વિસ્તારમાં પણ ચોરીની ઘટના ઘટી છે જેમાં શિવાલય એપાર્ટમેન્ટમાં બે ફલેટોમાં તસ્કરો ત્રાટક્યા હતા. ચોંકાવનારી બાબત એ છે કે સવારના સમયે ત્રાટકેલા તસ્કરોએ બંને ફલેટોમાંથી પાંચ જેટલા મોબાઈલ ફોનની ચોરી કરી ફરાર થઈ જતા સ્થાનિક નાગરિકો ચોંકી ઉઠયા છે આ અંગે એલીસબ્રીજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.