Western Times News

Gujarati News

સરસપુરના આંબેડકર હોલમાં આગથી ભારે નાસભાગ મચી

અમદાવાદ, શહેરના સરસપુર વિસ્તારમાં આવેલા આંબેડકર હોલમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી. આગને કાબૂમાં લેવા માટે ફાયર વિભાગની ૬ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચીને કામગીરી શરૂ કરી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આંબેડકર હોલમાં વેલ્ડિંગની કામગીરી કરતી વખતે આગની ઘટના બની હતી. બનાવને પગલે મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા તેમજ પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો.

સરસપુરમાં આવેલા આંબેડકર હોલમાં આગની ઘટનામાં હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે હોલમાં આગ ફેલાઈ જતાં ફાયર બ્રિગેડની વધુ ગાડીઓ બોલાવવાની ફરજ પડી હતી. હાલ ૬ ફાયર ફાઈટર દ્વારા આગ પર કાબૂ મેળવવાની કામગીરી કરવામાં આવી હતી. આગ એટલી ભયાનક હતી કે, દૂર-દૂરથી ધૂમાડાના ગોટેગોટા જાેવા મળી રહ્યા હતા.

કોરોના કાળ દરમિયાન રાજ્યની વિવિધ હોસ્પિટલોમાં આગની અનેક ઘટનાઓ બની ચૂકી છે, જેમાં કેટલાય લોકોને જીવ પણ ગયા છે. ૧૦ દિવસ પહેલા બારેજાની મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી હતી. તેમજ ફાયર વિભાગ પણ દોડતું થયું હતું. બારેજામાં મેઈન રોડ પર આવેલી આસ્થા મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં આગ લાગતા અફડાતફડી મચી ગઈ હતી અને લોકોના જીવ અદ્ધર થઈ ગયા હતા. જાે કે, આગની ઘટનામાં કોઈ જાનહાનિ ન થતાં હોસ્પિટલ અને સ્થાનિક તંત્રને હાશકારો થયો હતો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.