Western Times News

Gujarati News

મ્યુનિ.કોર્પાેરેશને જનભાગીદારી યોજના અંતર્ગત ૫૦૮ સોસાયટીના કામ માટે રૂા.૭૧ કરોડની માંગણી કરી

૭૦ઃ૨૦ઃ૧૦ યોજના પેટે સરકાર પાસેથી રૂા.૧૫૦ કરોડ લેવાના બાકી

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, રાજય સરકાર દ્વારા ર૦૧રની વિધાનસભા ચૂંટણી પહેલા જનભાગીદારી યોજના જાહેર કરવામાં આવી હતી. ખાનગી સોસાયટીઓમાં આર.સી.સી. રોડ, ડ્રેનેજ લાઈન, પાણીના નેટવર્ક તથા સ્ટ્રીટ લાઈટના કામ જનભાગીદારી યોજના અંતર્ગત કરવામાં આવી રહયા છે. સદ્‌ર યોજનામાં રાજય સરકાર તરફથી ૭૦ ટકા રકમ આપવામાં આવે છે. જયારે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ૧૦ ટકા અને ર૦ ટકા રકમ લોકફાળાની રહે છે. જન ભાગીદારી યોજનામાં ફેબ્રુઆરી- ર૦ર૦ સુધી આઠ હજાર કરતા વધુ કામ પુર્ણ કરવામાં આવ્યા છે. જયારે રપ૬ જેટલા કામ પ્રગતિ હેઠળ છે. કોરોના અને લોકડાઉનના કારણે સરકારની આવક ઉપર પણ મોટી અસર થઈ છે તેથી રાજય સરકારે ૭૦ ટકા રકમના બદલે સોસાયટીમાં પરિવાર દીઠ રૂા.રપ હજાર ફાળો આપવા જાહેરાત કરી હતી. પરંતુ સરકારની જાહેરાત બાદ મનપાના બજેટ અને જાહેરાત પર મોટી અસર થાય તેવી શકયતા લાગતાં સરકારે જૂની યોજના મુજબ નાણાં ફાળવવા નિર્ણય કર્યાે છે.

છેલ્લા રીપોર્ટ મુજબ ૫૦૮ કરતા વધુ સોસાયટીઓમાં તથા સ્ટ્રીટલાઈટ વિભાગનાં ૯૯ કામ માટે રૂા.૭૧ કરોડની માંગણી સરકાર સમક્ષ કરવામાં આવી છે. જયારે સદર યોજના અંતર્ગત સરકાર પાસે ૧૫૦ કરોડ લેવાનાં બાકી રહેતાં હોવાની વિગતો બહાર આવી છે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને એક વર્ષ પહેલાં ૯૧૩ સોસાયટીના બાકી કામ માટે લીસ્ટ તૈયાર કરી સરકારને મોકલી આપ્યુ હતુ જેમાં બાકી કામ પેટે રૂા.૭૪.૭પ કરોડની માંગણી કરવામાં આવી હતી. એક વર્ષ બાદ પણ પરિસ્થિતિમાં કોઈ મોટો ફરક પડયો નથી. મ્યુનિ. ઈજનેર ખાતા દ્વારા અપડેટ કરવામાં આવેલ છેલ્લી યાદી મુજબ રૂા.૯૨૬ કરોડના કામ કરવાનાં થાય છે. જેના ૭૦ ટકા લેખે રૂા.૬૪૮ કરોડ સરકાર પાસેથી લેવાના થાય છે જેની સામે સરકાર દ્વારા રૂા.૫૦૯.૪૫ કરોડ આપવામાં આવ્યા છે. જયારે ૪૮૨ સોસાયટીના બાકી કામ પેટે રૂા.૭૧ કરોડની ગ્રાન્ટ લેવાની રહે છે. મ્યુનિ.કોર્પાેરેશન દ્વારા આ અંગેની તમામ માહિતી રાજ્ય સરકારને મોકલવામાં આવી છે. પરંતુ હજી સુધી સરકાર તરફથી ગ્રાન્ટપેટે કોઈપણ રકમ મળી નથી.

મ્યુનિ. કોર્પોરેશનના આંતરીક સુત્રોએ જણાવ્યા મુજબ સરકાર દ્વારા જનભાગીદારી યોજના પેટે કોઈ જ રકમ ફાળવવામાં આવી નથી. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા તમામ ખર્ચ કરવામાં આવ્યો છે જેના ૭૦ ટકા લેખે સરકાર પાસેથી રૂા.૧૫૦ કરોડ અલગથી લેવાના બાકી નીકળે છે. ર૦૧ર-૧૩માં વિધાનસભા ચૂંટણી સમયે રાજય સરકાર દ્વારા જનભાગીદારી યોજના જાહેર કરવામાં આવી હતી. તે સમયે રૂા.૨૦૦ કરોડ ફાળવ્યા હતા. ૨૦૧૩-૧૪માં રૂા.૯૬.૫૮ કરોડ અને ૨૦૧૪-૧૫માં રૂા.૧.૭૦ કરોડની ગ્રાન્ટ આપી હતી. ૨૦૧૫-૧૬માં મ્યુનિ.કોર્પાેરેશનની ચૂંટણી હોવા છતાં રાતીપાઈ પણ ફાળવવામાં આવી ન હતી.

૨૦૧૬-૧૭માં સરકારે રૂા.૧૦૫ કરોડ આપ્યા હતા. ૨૦૧૭-૧૮માં સરકારે કોઈ રકમ આપી નહતી. ૨૦૧૮-૧૯માં રૂા.૩૮ કરોડ આપ્યા હતા. ૨૦૧૯-૨૦માં કોઈ જ રકમ આપી ન હતી. ૨૦૨૦-૨૧માં સરકાર હજી સુધી રકમ ફાળવી નથી. આમ મ્યુનિ.કમિશનરના ડ્રાફ્ટ બજેટમાં જનભાગીદારી યોજના અંતર્ગત રૂા.૧૫૦ કરોડની ગ્રાન્ટ દર્શાવવામાં આવી છે. નોંધનીય બાબત એ છે કે ૨૦૧૯-૨૦માં પણ જનભાગીદારી યોજના હેઠળ રૂા.૬૮ કરોડ મળવાની અપેક્ષા હતી. જે રીવાઈઝ્‌ડ કરી રૂા.૫૦ કરોડ કરવામાં આવી હતી. પરંતુ સરકાર તરફથી કોઈ જ રકમ મળી નહતી. સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી યોજના અંતર્ગત ર૦૧રમાં જાહેર કરવામાં આવેલી જનભાગીદારી યોજના અંતર્ગત મ્યુનિ.કોર્પાેરેશન દ્વારા જે ૫૦૮ સોસાયટીના કામ કરવાના છે તેની વિગત સરકારને આપવામાં આવી છે. જે પૈકી ૪૪ સોસાયટીનાં કામ પૂરા થયાં છે, પૂર્વઝોનની ૬ સોસાયટીનાં કામ રદ કરવામાં આવ્યાં છે, ૯૩ સોસાયટીનાં કામ પૂર્ણ થયાં છે, ૩૦ સોસાયટીનાં કામ પેન્ડીંગ છે જ્યારે ૨૩૨ સોસાયટીઓમાં કામ ચાલી રહ્યાં છે. ૬૦૭ સોસાયટી પૈકી ૯૯ કામ સ્ટ્રીટ લાઈટ વિભાગનાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.