Western Times News

Gujarati News

50 હજાર બકરીને મારી નાખવાનો નેધરલેન્ડ સરકારનો આદેશ: બકરીના સંપર્કથી ન્યૂમોનિયા થવાથી 95નાં મોત

એમ્સ્ટરડેમ, બકરીના સંપર્કમાં આવવાથી થયેલા ન્યૂમોનિયાના પગલે નેધરલેન્ડની સરકારે પચાસ હજાર બકરીને મારી નાખવાનો આદેશ આપ્યાના અહેવાલ મળ્યા હતા.

એક તરફ કોરોનાનો ચેપ છે અને હજારો લોકોને કોરોનાનો ચેપ લાગ્યો હતો. જો કે રસીકરણ ત્યાં પણ શરૂ થઇ ચૂક્યું છે. એ દરમિયાન એવા ચોંકાવનારા રિપોર્ટ મળ્યા હતા કે સધર્ન નેધરલેન્ડમાં રહેતા સંખ્યાબંધ લોકોમાં ન્યૂમોનિયાનાં લક્ષણ દેખાયાં હતાં.

હકીકતમાં આ વિસ્તારમાં બકરીના સંખ્યાબંધ ફાર્મ છે. નિષ્ણાતો માનતા હતા કે બકરીના સંપર્કમાં આવવાથી લોકોને ન્યૂમોનિયા થતો હતો. લોકો હવે એવા ડરમાં હતા કે બકરીઓનો સંપર્ક નવી મહામારી તો નહીં લાવેને . વાસ્તવમાં છેલ્લાં બાર વર્ષમાં સધર્ન નેધરલેન્ડ્સમાં બકરીના ગર્ભપાતના કિસ્સામાં જબરો વધારો નોંધાયો હતો. આ વિસ્તારમાં અનેક ડેરી ફાર્મ છે. ગર્ભપાતના કિસ્સા વધ્યા પછી વેટરનરી નિષ્ણાતોને બકરીના સેમ્પલ મોકલવામાં આવ્યા હતા. 10માંથી નવ સેમ્પલ હાનિરહિત નીકળ્યા. આખરે 2008માં નેધરલેન્ડના નૂર્ડ-બ્રાન્ટ પ્રાંતમાં શ્વાસરોગ ક્યૂના તાવની ઘટનાને સમર્થન મળ્યું. આ બીમારી ઘેટાં-બકરી અને દૂધ આપતા બીજા પ્રાણીઓમાં જોવા મળી હતી.

લોકોમાં ક્યૂ અને ન્યૂમોનિયાનો ચેપ લાગવાની ઘટનાઓ શરૂ થઇ ગઇ હતી. એ વધુ પ્રસરે એ પહેલાં પચાસ હજાર બકરીને મારી નાખવાનો આદેશ નેધરલેન્ડની સરકારે આપ્યો હતો. કેટલાક લોકોને તો આ ચેપથી હાર્ટ અટેક પણ આવ્યો હોવાના અહેવાલ હતા. અત્યાર સુધીમાં આ ચેપથી 95 લોકો મરણ પામ્યા હોવાના અહેવાલ હતા. ખાસ કરીને ન્યૂમોનિયાનો પ્રસરાવ બકરીઓના ફાર્મથી શરૂ થયો હોવાનો નિષ્ણાતોનો મત હતો.

બકરી ફાર્મની આજુબાજુ રહેતા વીસથી 55 ટકા લોકોમાં ન્યૂમોનિયાનાં લક્ષણો જોવા મળ્યાં હતાં. ફાર્મના પરિઘમાં એકથી દોઢ કિલોમીટર વિસ્તારમાં રહેતા લોકોમાં આ ચેપ જોવા મળ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.