Western Times News

Gujarati News

ગુજરાત એટીએસએ નવ વર્ષથી ફરાર બોગસ વિઝાના સુત્રધારને ઝડપ્યો

(પ્રતિનિધિ) અમદાવાદ, ગુજરાત એટીએસની ટીમે મુંબઈમાંથી નવ વર્ષથી નકલી વિઝા કૌભાંડમાં ફરાર આરોપીને ઝડપી લીધો છે. વર્ષ ર૦૧રમાં કેટલાંક લોકોને નકલી વિઝા બનાવી આપીને તેમને વિદેશ મોકલી આપવાના કૌભાંડનો પર્દાફાશ થયો હતો જેમાં બે ભાઈઓની ધરપકડ કરવામાં આવી હતી. જાેકે વિઝા બનાવી આપનાર મુંબઈનો શખ્સ ફરાર થઈ ગયો હતો.
આજથી નવ વર્ષ અગાઉ વર્ષ ર૦૧રમાં નકલી વિઝા અંગેની ફરીયાદ નોંધાઈ હતી. જે અંગે પોલીસે કાર્યવાહી કરીને બે ભાઈઓ નિરંજ કાળીદાસ માલવીયા તથા પ્રકાશ કાળીદાસ માલવીયા (મુંબઈ)ને ઝડપી લીધા હતા.

તપાસમાં તેમણે ઉત્તર ગુજરાતના તથા અન્ય મળીને કુલ ૧પ વ્યક્તિઓને નકલી વિઝા બનાવી વિદેશ મોકલ્યાનું કબુલ્યું હતું. ઉપરાંત તેમની પાસેથી કાર, સ્ટેમ્પ, વિઝા સ્ટીકર સહીતનો સામાન મળી આવ્યો હતો બંને ભાઈઓ લોકોની ખોટી ઓળખ ઉભી કરી બેંકમાં પણ ખાતા ખોલાવીને સંપૂર્ણ નકલી ઓળખ ઉભી કરતા હતા અને એ આધારે મલાડના રહેવાસી ધર્મેન્દ્ર ઉર્ફે ધર્મેશ રામનગીના ભગત પાસે બનાવટી વિઝા બનાવડાવતા હતા જાેકે પ્રકાશ તથા નિરંજનની ધરપકડ બાદથી ધર્મેશ ફરાર થઈ ગયો હતો.

આ અંગે એટીએસના પીઆઈ સી.આર. જાદવે જણાવ્યું હતું કે ધર્મેશની મલાડ મુંબઈ ખાતેથી અટક કરવામાં આવી છે ધર્મેશ દિલ્હીના અમરજીત પાસે આ કામ કરાવતો હોવાનું ધ્યાને આવ્યું છે જેથી હવે અમરજીતને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે બીજી તરફ ધર્મેશ નવ વર્ષ ક્યા રહયો. ઉપરાંત અન્ય કેટલા વ્યક્તિઓને વિદેશ મોકલ્યા છે તે અંગે પણ તપાસ ચાલુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે નકલી દસ્તાવેજાેને આધારે નકલી વિઝા પણ બનાવી આપવામાં આવતા હતા જેને આધારે વ્યક્તિઓ સીધા વિદેશ પહોંચી જતા હતા. નોંધનીય છે તે વિદેશ જવાના મોહમાં રહેતી ઘણી વ્યક્તિઓ લાખો રૂપિયા આપવા તૈયાર હોય છે જેથી કેટલાય એજન્ટો ગેરકાયદેસર રીતે હાલમાં પણ તેમને વિદેશ મોકલવા સક્રીય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.