Western Times News

Gujarati News

ડફનાળા એસટીપી માટે ડિફેન્સ વિભાગ આઠ હજાર ચો.મી.જમીન આપશે

ટેન્ડર મંજૂર થયા બાદ ત્રણ વર્ષે જમીન સમસ્યાનો ઉકેલ આવ્યો

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સાબરમતી નદી શુધ્ધિકરણ માટે વિવિધ પ્રોજેક્ટોના આયોજન કર્યા છે. શહેરના ઉત્તર તથા મધ્ય ઝોનમાંથી નદીમાં અશુધ્ધ પાણી છોડવામાં આવતા હતા. જેને બંધ કરવા માટે કોતરપુર, આર્મી કેન્ટોનમેન્ટ તથા શંકરભુવન છાપરા પાસે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા જાહેરાત કરી હતી.

જે પૈકી શંકરભુવન છાપરા પાસે રપ એમએલડી ક્ષમતાનો પ્લાન્ટ લગભગ પૂર્ણ થઈ ગયો છે. કોતરપુર પ્લાન્ટ માટે હવે આયોજન થયુ છે. જ્યારે આર્મી કેન્ટોન્મેન્ટ વિસ્તારમાં છેલ્લા બે વર્ષથી જમીન માટે પ્રતિક્ષા થઈ રહી હતી. જેનો હવે અંત આવે તેમ લાગી રહ્યું છે. ડીફેન્સ ડીપાર્ટમેન્ટ તરફથી એસટીપીની જમીન માટે લીલીઝંડી મળી છે. જેના એમઓયુ થવા જઈ રહ્યાં છે. સદર સ્થળે એસટીપી તૈયાર થયા બાદ નદીમાં જતાં ગંદા પાણીને રોકવામાં સફળતા મળશે તેમજ નદી શુદ્ધ રહેશે.

શહેરના શાહીબાગ-ડફનાળા વિસ્તાર તથા ઘોડાકેમ્પ તરફથી આવતા સુએઝ વાટરને ટ્રીટ કરવા માટે મ્યુનિસિપલ ઈજનેર ખાતાએ રીવરફ્રન્ટ વિસ્તારમાં એસટીપી બનાવવા જાહેરાત કરી હતી. રીવરફ્રન્ટ ડફનાળા પાસે ‘બુધ્ધા’ની પ્રતિમાની પાછળના ભાગે રપ એમએલડીનો એસટીપી પ્લાન્ટ માટે આયોજન કરવામાં આવ્યુ છે. મ્યુનિ.કોર્પારેશને એસટીપી બનાવવા માટે તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરી છે. પરંતુ મુખ્ય મુદ્દો જમીનનો રહ્યો હતો. મનપા તરફથી જે સ્થળે પ્લાન્ટ બનાવવા માટે આયોજન કરવામાં આવ્યંુ છે. તે જમીન ડીફેન્સ વિભાગની માલિકી હોવાથી મનપા દ્વારા બે વર્ષ ‘અગાઉ જમીન ફાળવણી માટે પત્ર લખવામાં આવ્યો હતો. ડીફેન્સ ડીપાર્ટમેન્ટ પાસેથી હજુ સુધી કોઈ નક્કર જવાબ મળતો નહોતો પરંતુ હવે જમીનની સમસ્યાનો અંત આવી ગયો છે. મ્યુનિ.ઈજનેર વિભાગના સૂત્રોએ જણાવ્યા મુજબ ડિફેન્સ વિભાગ દ્વારા અંદાજે ૮ હજાર ચોરસ મીટર જમીન ફાળવવામાં આવશે. જે પેટે વાર્ષિક પ્રતિ ચો.મી. રૂપિયા પાંચ લેખે ભાડુ આપવામાં આવશે. ડિફેન્સ વિભાગ ૨૫ વર્ષ માટે જમીન આપશે. જેના એમઓયુ આગામી દિવસોમાં કરવામાં આવશે. આ એમઓયુ રીન્યુએબલ રહેશે. તેમજ એમઓયુ થયા બાદ પ્લાન્ટની જમીન માટે ડીમાર્કેશન કરવામાં આવશે. મ્યુનિ.કોર્પાેરેશન દ્વારા રૂા.૩૦ કરોડના ખર્ચથી ૨૫ એમએલડી ક્ષમતાનો પ્લાન્ટ તૈયાર કરવામાં આવશે.

અત્રે નોંધનીય છે કે, એસટીપી પ્લાન્ટ માટે જમીન ન હોવા છતાં તંત્ર દ્વારા ત્રણ ત્રણ વખત ટેન્ડર જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં પ્રથમ ટેન્ડરમાં સીંગલ પાર્ટી હોવાથી ટેન્ડર ખોલવામાં આવ્યા નહોતા. બીજા ટેન્ડરમાં કોઈપણ સંસ્થાએ રસ દાખવ્યો નહોતો. જ્યારે ત્રીજી વખતના ટેન્ડરને મંજુરી માટે વાટર સપ્લાય કમિટિ સમક્ષ રજુ કરવામાં આવ્યા હતા. જેમાં વોટર સપ્લાય કમિટીએ ત્રણ ત્રણ વખત કામ પરત મોકલ્યા બાદ મંજુર કર્યું હતું જયારે સ્ટેન્ડીંગ કમિટિએ પણ બે વખત નનૈયો ભણ્યા બાદ તેવા સ્થળે એસટીપી બનાવવા મંજુરી આપી હતી જયાં કોઈ જમીન જ ઉપલબ્ધ નથી. મ્યુનિસિપલ ઈજનેર વિભાગ દ્વારા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા માટે આર્મી કેન્ટોન્મેન્ટ એરિયાની અંદાજે ૮પ૦૦ ચો.મી. જમીનની માંગણી કરવામાં આવી હતી. રીવરફ્રન્ટમાં જે સ્થળે પ્લાન્ટ બનાવવા માટે આયોજન કરવામાં આવ્યુ છે તેની પાસે જ આઈપીએસ મેસ આવેલી છે. તેથી એસટીપીની દુર્ગંધ મામલે પણ સવાલ ઉઠ્‌?યા હતા. જેનું નિરાકરણ કરવામાં આવ્યુ છે. તથા તૈયાર થનાર એસટીપી પ્લાન્ટમાં ‘દુર્ગંધ’ દૂર કરવા માટે પણ ખાસ સુવિધા કરવામાં આવશે.

રાજ્યના વડોદરા શહેરમાં આ પ્રકારે ‘ઓર્ડર રીન્યુવલ પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે. ડફનાળા વિસ્તારમાં હાલ દૈનિક ૧પ એમએલડી સુએરઝ વાટર પ્લાન્ટની આવક છે. જેનો નિકાલ નદીમાં થઈ રહ્યો છે.’

મ્યુનિસિપલ સુત્રોના મંતવ્ય મુજબ ડફનાળા તથા ઘોડા કેમ્પ વિસ્તારમાં જે સુઅરેઝ વાટર આવે છે તેને ઈન્ટરસેપ્ટર મારફતે વાસણા ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી લઈ જવામાં આવે છે. તથા ટ્રીટ કર્યા બાદ નદીમાં છોડવામાં આવી રહ્યુ છે. કોતરપુર વિસ્તારમાં પણ સમાન પરિસ્થિતિ છે. તેથી ડફનાળા વિસ્તારમાં પ્લાન્ટ બનાવવો જરૂરી છે.

સ્માર્ટસીટી અંતર્ગત તૈયાર કરવામાં આવેલા જલવિહાર પ્લાન્ટના પરિણામ થોડા નિરાશાજનક છે. જેના કારણે નદી શુધ્ધીકરણ પ્રોજેક્ટમાં તંત્રના ભાગે નિષ્ફળતા જ આવી રહી છે. મ્યુનિસિપલ કમિશ્નરે નદી શુધ્ધીકરણની જવાબદારી સાબરમતી રીવરફ્રન્ટ ડેવલોપમેન્ટને સોંપી છે. જેના માટે એેક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ મંગાવવામાં આવ્યા હતા. પરંતુ તેમાં પણ તંત્રના ફાળે નિષ્ફળતા જ આવી છે.

જ્યારે પીરાણા એસટીપી પ્લાન્ટ તથા જીઆઈડીસી ટર્મિનલ પરથી મોટા પ્રમાણમાં સુઅરેઝ વાટર બાયપાસ કરવામાં આવે છે. નદીમાં છોડવામાં આવતા એસિટીક વોટર માટે જીપીસીબી એ પણ તાજેતરમાં મનપાને નોટીસ આપી છે. નારોલ, શાહવાડી વિસ્તારમાં એક મહિના અગાઉ ડ્રેનેજ પ્રોજેક્ટ વિભાગે જીપીસીબીની નોટીસ મળ્યા બાદ ર૦ જેટલા અનઅધિકૃત જાડાણો દૂર કર્યા હતા.

સાબરમતી નદી શુધ્ધીકરણ માટે છેલ્લા ઘણા વર્ષોથી વિવિધ આયોજન થાય છે. પરંતુ યોગ્ય આયોજનના અભાવે તેનો નક્કર અમલ થતો નથી. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જ નદીમાં દુષિત પાણી છોડવામાં આવી રહ્યુ છે. તથા તે અંગેના અનેક પ્રમાણ પણ વારંવાર મળી રહ્યા છે. મ્યુનિસિપલ તંત્ર દ્વારા માત્રા દાવા અને જાહેરાતો જ થઈ રહ્યા છે. પરંતુ નદીને શુધ્ધ કરવાની દિશામાં કોઈ જ અસરકારક કાર્યવાહી થઈ રહી નથી તેમ સુત્રોએ વધુમાં જણાવ્યુ હતુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.