Western Times News

Gujarati News

ખેડૂત આંદોલનના સમર્થનમાં 30 જાન્યુઆરીથી અન્ના હજારે આમરણ અનશન પર ઉતરશે

નવી દિલ્હી, કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદા સામે ચાલી રહેલા ખેડૂત આંદોલનના સમર્થનમાં અન્ના હજારેએ 30 જાન્યુઆરીથી આમરણ અનશન પર ઉતરવાની જાહેરાત કર્યા બાદ ભાજપના નેતાઓમાં દોડધામ થઈ ગઈ છે.

એક તરફ ખેડૂતો કૃષિ કાયદા પાછા ખેંચાય નહીં ત્યાં સુધી આંદોલન ખતમ કરવાની ના પાડી રહ્યા છે અને બીજી તરફ અન્ના હજારેની જાહેરાત કેન્દ્ર સરકારની મુશ્કેલીઓમાં વધારો કરી શકે છે.જેના પગલે અન્ના હજારેને મનાવવા માટે મહારાષ્ટ્ર ભાજપના ટોચના નેતાઓ અન્નાના ગામ રાલેગણ સિધ્ધિમાં પહોંચી ગયા છે.

જોકે ભાજપના નેતાઓએ વારંવાર સમજાવ્યા બાદ પણ અન્ના હજારેએ 30 જાન્યુઆરીથી અનશન પર ઉતરવાની વાત પકડી રાખી છે.ભાજપના ફડનવીસ સહિતના નેતાઓએ અન્ના હજારને નવા કાયદાથી ખેડૂતોને શું ફાયદો થશે તે સમજાવવાની કોશિશ કરી હતી પણ એ પછી ય અન્નાએ કહ્યુ હતુ કે, 30 જાન્યુઆરીથી હું ખેડૂતોના સમર્થનમાં આંદોલન પર ઉતરવાનો છું.

ઉલ્લેખનીય છે કે, અન્ના હજારે ખેડૂત આંદોલનને લઈને પીએમ મોદીને સંખ્યાબંધ પત્રો લખી ચુક્યા છે પણ તેનો જવાબ તેમને મળ્યો નથી.આ કારણસર પણ અન્ના હજારેની ભાજપ સરકાર સામેની નારાજગી વધી છે.

ખેડૂત આંદોલનના સમર્થનમાં ઉતરેલા અન્ના હજારે આ પહેલા 2011માં ભ્રષ્ટાચારના મુદ્દે યુપીએ સરકાર સામે અનશન પર ઉતર્યા હતા અને તે વખતે ભાજપે તેમને સમર્થન આપ્યુ હતુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.