Western Times News

Gujarati News

લાલુ યાદવની તબિયત લથડી: AIIMSમાં શીફ્ટ કરાશે, ફેફસાંમાં પાણી ભરાયું હોવાના તબીબી અહેવાલ

 નવી દિલ્હી, બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને ચારા કૌભાંડ સહિત બીજા કેટલાક કૌભાંડના આરોપી લાલુ યાદવની તબિયત લથડી હોવાના અને એમને AIIMSમાં શીફ્ટ કરાઇ રહ્યા હોવાના અહેવાલ મળ્યા હતા.

લાલુ યાદવ હાલ એક કરતાં વધુ આક્ષેપ બદલ જેલવાસ ભોગવી રહ્યા છે. તેમના પુત્ર તેજસ્વી યાદવે કહ્યું કે મારા પિતાનાં ફેફસાંમાં પાણી ભરાઇ ગયાં છે અને એ ન્યૂમોનિયાથી પીડાઇ રહ્યા હતા. એને કારણે એમના ચહેરા પર સોજા ચડેલા જોઇ શકાતા હતા. શુક્રવારે મોડી રાત સુધી લાલુનો પરિવાર તેમની સાથે હતો. હાજર રહેલા કુટુંબીજનોમાં લાલુનાં પત્ની રાબડી દેવી, પુત્ર તેજસ્વી યાદવ, પુત્રી ડૉક્ટર મીસા ભારતી, તેજ પ્રતાપ યાદવ વગેરેનો સમાવેશ થયો હતો.

એક અહેવાલ મુજબ લાલુની તબિયત દિવસે દિવસે કથળી રહી હતી. એ ધ્યાનમાં રાખીને ડૉક્ટરોની સલાહ મુજબ લાલુને AIIMSમાં શીફ્ટ કરવાની વાતો ચાલી રહી હતી. ડૉક્ટરો ફાઇનલ રિપોર્ટ આપે ત્યારબાદ જેલ સત્તાવાળા નીચલી કોર્ટમાં અરજી કરીને લાલુને ખસેડવાની પરવાનગી માગશે. લાલુ યાદવને પટણાની બહાર ખસેડવાની પરવાનગી કોર્ટ આપે તે પછીજ તેમને દિલ્હીમાં AIIMSમાં શીફ્ટ કરી શકાય.

ચારા કૌભાંડમાં ગુનેગાર પુરવાર થયા ત્યારથી લાલુ રાંચીની જેલમાં છે. રાંચીની રિમ્સમાં તેમની તબીબી સારવાર ચાલુ હતી. તેમણે અત્યાર અગાઉ ચાર વખત જામીન અરજી કરી હતી. ચારમાંથી ત્રણ અરજી મંજૂર થઇ હતી. ચોથી અરજીનો ચુકાદો પેન્ડિંગ હતો. લાલુ યાદવની સિક્યોરિટી સાથે સંકળાયેલા ડઝનબંધ પોલીસ કોન્સ્ટેબલને કોરોના થયો હોવાના અહેવાલ બાદ તેમને ખસેડવામાં આવ્યા હતા.

તેજસ્વી યાદવે એવો દાવો કર્યો હતો કે મારા પિતાની તબિયત લથડી રહી છે. વરિષ્ઠ ડૉક્ટરોના અહેવાલની અમે વાટ જોઇ રહ્યા છીએ.  તેજસ્વીએ એવો પણ દાવો કર્યો હતો કે મારા પિતાની કિડની માત્ર 25 ટકા કામ કરી રહી હતી. તેમના ક્રેટનાઇન લેવલમાં પણ સારો એવો વધારો થયો હતો. ફેફસાંમાં પાણી ભરાઇ જવાથી તેમના ચહેરા પર સોજા આવી ગયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.