Western Times News

Gujarati News

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર: 6 મહાનગરપાલિકા માટે 21 ફેબ્રુઆરીએ મતદાન તો નગરપાલિકા અને પંચાયતોનું 28 ફેબ્રુઆરીએ મતદાન

અમદાવાદ, ગુજરાતમાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. જેમાં પ્રથમ તબક્કે મહાનગરપાલિકા અને પછી નગરપાલિકા અને પંચાયતોની ચૂંટણી યોજાશે. 6 મહાનગરપાલિકાઓ માટે 21 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે અને 23 ફેબ્રુઆરી મતગણતરી થશે. જ્યારે 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતો તેમજ 81 નગરપાલિકાઓ માટે 28 ફેબ્રુઆરીએ મતદાન થશે. જેની 2 માર્ચના રોજ મતગણતરી કરવામાં આવશે.

હાલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઇને રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ખાસ કરીને ભાજપ દ્વારા છેલ્લા દસ દિવસથી અનેક કાર્યક્રમો, ઉદઘાટનો અને નીતિવિષયક નિર્ણયો લેવામાં આવી રહ્યા છે, એની સાથે ભાજપ અને કૉંગ્રેસ દ્વારા ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.

પ્રથમ તબક્કામાં મહાનગરપાલિકા અને બીજા તબક્કામાં નગરપાલિકા અને પંચાયતોની ચૂંટણીઓ યોજવામાં આવશે. જેમાં કોવિડની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કરવાની થતી તૈયારીઓ, પોલીસ સ્ટાફ, મતદાન મથકો, ચૂંટણી સ્ટાફ વગેરે બાબતો પર પરામર્શ કરવામાં આવ્યો હતો.

ગુજરાતમાં 8 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી બાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે. ત્યારે રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજ્ય ચૂંટણીપંચ દ્વારા તમામ જિલ્લા કલેકટરો સાથે વીડિયો-કોન્ફરન્સના માધ્યમથી સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી, સાથે સાથે સરકારના અલગ અલગ વિભાગો સાથે પણ ચૂંટણીપંચે બેઠકો કરી છે, જેમાં કોરોના સંક્રમણ વચ્ચે ચૂંટણી યોજવાની થતી હોવાથી મતદાન મથકોએ ચૂંટણી સ્ટાફ પોલીસને ફેસશીલ્ડથી માંડીને સેનિટાઇઝર આપવામાં આવશે. મતદાન મથકોમાં મતદારો માટે સેનિટાઇઝરની વ્યવસ્થા ગોઠવવામાં આવશે, જેને પગલે સેનિટાઇઝર અને માસ્કની જરૂરિયાત જેવી બાબતો પર ભાર મૂકવામાં આવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.