Western Times News

Latest News from Gujarat

મુખ્યમંત્રીએ મોરબી સહિત 8 જિલાઓમાં નવી GIDC સ્થાપનાની મહત્વપૂર્ણ જાહેરાત કરી

ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ એસોસિયેશને મોરબીમાં અદ્યતન માળખાકીય સુવિધાઓ ધરાવતી જીઆઇડીસીની જાહેરાતનું સ્વાગત કર્યું; આત્મનિર્ભર ભારતની દિશામાં વધુ એક મજબૂત પગલું ગણાવ્યું

ગાંધીનગર, સમગ્ર ભારતમાં ગુજરાત રાજ્યને ઔદ્યોગિક ઉત્પાદનમાં અગ્રેસર બનાવવા તથા ઉદ્યોગો માટે અદ્યતન માળખાકીય સેવાઓ અને આનુસાંગિક સુવિધાઓ પ્રદાન કરતાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ફેડરેશન ઓફ ઈન્ડસ્ટ્રીઝ એન્ડ એસોસીએશન્સ (ગુજરાત) દ્વારા કરવામાં આવેલ રજૂઆતને ધ્યાને લઈને આજે આઠ જિલ્લાઓમાં 978 હેક્ટર વિસ્તારમાં નવી ઔદ્યોગિક વસાહતો – જીઆઇડીસી સ્થાપવાન જાહેરાત કરી છે.

આ જાહેરાત અંતર્ગત સિરામિક ઉદ્યોગ માટે વિશ્વભરમાં પ્રખ્યાત મોરબીમાં આશરે 500 હેક્ટર વિસ્તારમાં અદ્યતન માળખાકીય સુવિધાઓથી સજ્જ એક મોડલ એસ્ટેટનું નિર્માણ કરાશે, જે ઉદ્યોગોની સુચારુ કામગીરી સંબંધિત વિવિધ જરૂરિયાતઓને પૂર્ણ કરશે તેમજ મોટી સંખ્યામાં યુવાનો માટે રોજગારની તકોનું સર્જન થશે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત અને વોકલ ફોર લોકલ મીશનને સાકાર કરવામાં મોરબીનો સિરામિક ઉદ્યોગ હંમેશા અગ્રેસર રહ્યો છે તથા આયાતોમાં ઘટાડો કરીને નિકાસોમાં વધારો થાય તે માટે નવીન પગલાં ભર્યાં છે, જેના સકારાત્મક પરિણામો પણ જોવા મળી રહ્યાં છે.

મુખ્યમંત્રીશ્રીની જાહેરાતનું સ્વાગત કરતાં ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન (એફઆઇએ) ગુજરાતના પ્રેસિડેન્ટ શ્રી પ્રકાશ વી. વરમોરાએ કહ્યું હતું કે, ગુજરાતના કુલ જીડીપીમાં ઉદ્યોગોનું યોગદાન 50 ટકા છે અને 30 ટકા વેપારોનું યોગદાન છે. આ નવી જાહેરાતથી રાજ્યમાં ઉદ્યોગોના વિકાસમાં વધુ યોગદાન મળશે અને રાજ્ય-દેશને આત્મનિર્ભર બનાવવાનું મહત્વપૂર્ણ પગલું છે.

આ અંગે પ્રતિક્રિયા આપતાં એફઆઇએના ટ્રેઝરર શ્રી ભાવિન્દ્ર તનેજાએ કહ્યું હતું કે, આજે સરકારશ્રીની જાહેરાતો પછી એફઆઇએએ ભારતની આર્થિક ક્રાંતિની પહેલી મોટી ઉપલબ્ધિ પ્રાપ્ત કરી છે. જીડીપી વૃદ્ધિમાં ઉદ્યોગો જ મોટામાં મોટું યોગદાન આપશે તે પ્રકાશ. વી. વરમોરા સાહેબની પ્રેસિડેન્ટશીપમાં પ્રણ લીધેલ છે.

નવી જીઆઇડીસી વસાહતોથી જલોત્રા-બનાસકાંઠાના માર્બલ કટીંગ-પોલીશીંગ ઉદ્યોગ, શેખપાટ-જામનગરના બ્રાસ ઉદ્યોગ, ગાંધીનગરના કડજોદરાના ફૂડ-એગ્રો ઉદ્યોગ, પાટણના ઓટો એન્સિલરી ઉદ્યોગ, નાગલપર રાજકોટના મેડિકલ ડિવાઇસ ઉદ્યોગ તથા આણંદ અને મહીસાગરના ઇજનેરી ઉદ્યોગને વ્યાપક લાભ થશે.

ઉલ્લેખનીય છે કે દહેજ, સાયખા, અંકલેશ્વર, હાલોલ, સાણંદ, વાપી અને લોધિકાની હયાત જીઆઇડીસીને પણ મૂળભૂત અને અદ્યતન સુવિધાઓના વિકાસ સાથે મોડલ એસ્ટેટ બનાવાશે. વધુમાં હાલની નવ જીઆઇડીસીમાં મલ્ટીસ્ટોરી શેડ્સ-બહુમાળી શેડ્સ બનાવાશે. વલસાડ, સુરત, ભરૂચ, વડોદરા અને અમદાવાદમાં 360 નવા બહુમાડી શેડ્સના નિર્માણની પણ જાહેરાત કરાઇ છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers