Western Times News

Gujarati News

રણવીર સિંહ અને બાબી દેઓલ એક્શન ફિલ્મમાં સાથે જોવા મળશે

મુંબઈ, એક તરફ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી હાલ સફળ ફિલ્મ અને નિષ્ફળ ફિલ્મના બંને અંતિમો વચ્ચે કોઈ રસ્તો શોધવાની કોશિશ કરી રહી છે. જેમા સ્ટાર પાવર મોટા ભાગે નકામો સાબિત થઈ રહ્યો છે, તો બીજી તરફ કેટલાંક ડિરેક્ટર્સ અને પ્રોડ્યુસર્સ એવા પણ છે, જેઓ હિરો હિરોઇનની જોડી હોય કે હિરો અને વિલનની જોડી, તેમાં નવા પ્રયોગો કરવાની હિંમત અને જોખમ બંને લઈ રહ્યા છે.

આવી જ એક જોડીની તાજેતરમાં એક –બે દિવસથી ચર્ચા છે, એક મોટા બજેટની એક્શન ફિલ્મમાં રણવીર સિંહ અને બાબી દેઓલ એક સાથે કામ કરી રહ્યા છે. આ એક મોટા બજેટની એક્શન ફિલ્મ છે, જેમાં બને ખાસ પ્રકારે બોડી ટ્રાન્સફોર્મેશન પર કામ કરી રહ્યા છે અને બંને ક્યારેય જોવા ન મળ્યો હોય એવા અવતારમાં જોવા મળશે.

આ અંગે ઇન્ડસ્ટ્રીની સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, “એક મોટા પ્રોજેક્ટમાં રણવીર સિંહ અને બાબી દેઓલ બંને સાથે કામ કરવાની તૈયારી કરી રહ્યા છે. આ ફિલ્મ માટે બંને ફિઝિકલ ટ્રાન્સ્ફોર્મેશન માટે મહેનત કરી રહ્યા છે.

લાંબા સમયથી બંને આ ફિલ્મ માટે કામ કરી રહ્યા છે. રણબીર કપૂર પછી હવે રણવીર સિંહ બાબી દેઓલ સાથે કામ કરી રહ્યો છે. બંને ધુંરધર કલાકારો એક ફિલ્મમાં આવશે તો એ ફિલ્મ પણ મોટી જ હોવાની એ નક્કી છે.”રણવીર સિંહ તેના વિવિધ પ્રકારના રોલ અને તેમાં ધારદાર અભિનય માટે જાણીતો કલાકાર છે, પડદા પર તેની હાજરીથી જ ફિલ્મમાં ઉર્જા આવી જાય છે, તાજેતરમાં જ તેની આવનારી ફિલ્મ ‘ધુરંધર’ માટે તે ઘણો ચર્ચામાં છે, તેના ટ્રેલરથી ઘણા લોકો પ્રભાવિત થયા છે.

તે જે રીતે રોલ માટે પોતાનું સર્વસ્વ સોંપીને કામ કરે છે, તે મહેનત માટે તે ઇન્ડસ્ટ્રીમાં જાણીતો છે. જ્યારે બાબી દેઓલની આ બીજી ઇનિંગ ગણવામાં આવે છે અને છેલ્લાં કેટલાંક વર્ષમાં આવેલી તેની કેટલીક ફિલ્મ અને સિરીઝમાં લોકોને એક નવો જ બાબી દેઓલ જોવા મળ્યો છે. પછી તે ‘એનિમલ’ હોય, સૂર્યાની ‘કંગુવા’ કે પછી ‘આશ્રમ’ સિરીઝ, તેણે પોતાની એક અલગ છબિ બનાવી લીધી છે.

હવે આ બંને કલાકારોની સાથે આવવાની વાતથી જ ફિલ્મી દર્શકો ઉત્સાહમાં આવી ગયા છે. આ ફિલ્મ વિશે હજુ વધુ માહિતી જાહેર થઈ નથી પરંતુ આ એક મજબુત પાત્રો સાથેને એક્શનમાં પણ કોઈ નવા પ્રયોગો જોવા મળે એવી મોટા બજેટની ફિલ્મ હશે, તે નક્કી છે.

રણવીરની આવનારી ફિલ્મોની વાત કરવામાં આવે તો, ‘ધુરંધર’નું ટ્રેલર તેના ૪૦ જન્મદિવસે લોંચ કરાયું હતું. ડિરેક્ટર આદિત્ય ધરની આ ફિલ્મમાં તેની સાથે સંજય દત્ત, સારા અર્જુન, આર માધવન, અર્જુન રામપાલ અને અક્ષય ખન્ના પણ છે. બાબીની ‘એક બદનામ આશ્રમ’ સિરીઝની ૩ સીઝન આવી ગઈ છે, તેણે તાજેતરમાં ‘ડાકુ મહારાજ’ ફિલ્મથી તેલુગુ ફિલ્મ ડેબ્યુ કર્યું છે. વધુ એક તેલુગુ ફિલ્મ ‘હરિ હરા વીરા મલ્લુ’ ૨૪ જુલાઈએ રિલીઝ થવાની છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.