નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે વિશ્વના સૌપ્રથમ ફિલ્મ ફોરેન્સિક સિમ્પોસિયમનું આયોજન

એનએફએસયુ દ્વારા નવી દિલ્હીમાં વિશ્વના સૌપ્રથમ સિમ્પોઝિયમ ઓન ફિલ્મ ફોરેન્સિક્સનું આયોજન સંપન્ન -NFSUL વિજ્ઞાન અને ફિલ્મ ઉદ્યોગ વચ્ચેનું અંતર દૂર કરીને સમાજને શિક્ષિત કરી શકેઃ હેમા માલિની
ગાંધીનગર, નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી દ્વારા તા.૧૩ એપ્રિલ, ૨૦૨૫ના રોજ નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે વિશ્વના સૌપ્રથમ ફિલ્મ ફોરેન્સિક સિમ્પોસિયમનું આયોજન કર્યું હતું. પદ્મશ્રીથી સન્માનિત હેમા માલિની આ કાર્યક્રમના મુખ્ય મહેમાન હતા.
આ પ્રસંગે પ્રસૂન જોશી, ચેરપર્સન, સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન, અભિનેતા શરદ કેલકર, સીઆઈડી ફેમ નરેન્દ્ર ગુપ્તા અને ડૉ. જસ્ટિસ કૌશલ જે. ઠાકર, અધ્યક્ષ, જીએસેચઆરસી આ ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. “ઇન્ડિયન સોસાયટી ઓફ ફોરેન્સિક સાયન્સિસ”નું ઉદ્ઘાટન હેમા માલિની દ્વારા કરાયું હતું.
ભારત સરકારના ગૃહ મંત્રાલયના તત્ત્વાવધાનમાં નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી દ્વારા નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે બે દિવસીય “ઓલ ઈન્ડિયા ફોરેન્સિક સાયન્સ સમિટનું આયોજન તા.૧૪ એપ્રિલ, ૨૦૨૫ના રોજ કરવામાં આવ્યું છે. જેનું ઉદ્ઘાટન ભારત સરકારના ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહી કરશે.
આ સમિટનો વિષય છે, “ધ રોલ ઓફ ફોરેન્સિક સાયન્સ ઇન ઇફેક્ટિવ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ન્યૂ ક્રિમિનલ લોઝ એન્ડ કોમ્બેટિંગ ટેરરિઝમ. આ સમિટના ઉદ્ઘાટન સમારોહમાં માનનીય ન્યાયાધીશ રાજેશ બિંદલ,ન્યાયાધીશ-સુપ્રીમ કોર્ટ; આર વેંકટરમાણી, એટર્ની જનરલ ઓફ ઈન્ડિયા; ન્યાયાધીશ વી રામસુબ્રમણ્યમ; અધ્યક્ષ, રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ મનન કુમાર મિશ્રા, અધ્યક્ષ, બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા અને ગોવિંદ મોહન, કેન્દ્રીય ગૃહ સચિવ પણ ઉપસ્થિત રહેશે.
સિમ્પોઝિયમ ઓન ફિલ્મ ફોરેન્સિક” દરમિયાન, શોર્ટ ફિલ્મ કેટેગરીમાં ૪૦ એન્ટ્રીઓમાંથી, ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના જ્યુરી દ્વારા શ્રેષ્ઠ છ શોર્ટ ફિલ્મની પસંદગી કરવામાં આવી હતી. વિજેતા વિદ્યાર્થીઓને વિવિધ શ્રેણીઓમાં પુરસ્કારો પણ અપાયા હતા. મહાનુભાવોએ વિદ્યાર્થીઓનું સન્માન કર્યું અને તેમના ભવિષ્યના પ્રયાસો માટે તેમને અભિનંદન આપ્યા હતા.
એનએફએસયુએ વિજ્ઞાન ભવનમાં ફોરેન્સિક હેકાથોનનું પણ આયોજન કર્યું. આ કાર્યક્રમમાં ગુના સામે લડવા માટે સ્વદેશી ટેકનોલોજીને પ્રોત્સાહન અને વિકાસની હિમાયત કરવામાં આવી હતી અને તેજસ્વી વિચારો અને ટેકનોલોજીકલ કળાઓ પ્રદર્શિત કરવામાં આવી હતી.
દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ માનનીય ન્યાયાધીશ શ્રી તેજસ કારિયાએ કાર્યક્રમ દરમિયાન ફોરેન્સિક પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું હતું. કાર્યક્રમના મુખ્ય મહેમાન પદ્મશ્રી પુરસ્કાર વિજેતા હેમા માલિનીએ જણાવ્યું હતું કે ફિલ્મો વિજ્ઞાન અને સામાન્ય માણસ વચ્ચેના અંતરને દૂર કરી શકે છે, આકર્ષક વાર્તાઓ દ્વારા ગુનાના નિવારણ અંગે જાગૃતિ લાવી શકે છે.
હું એનએફએસયુને આ સાહસિક પગલું ભરવા બદલ અભિનંદન આપું છું. ફોરેન્સિક શિક્ષણ અને સંશોધનમાં અગ્રણી સંસ્થા તરીકે, સમાજને શિક્ષિત કરવામાં તમારી ભૂમિકા અમૂલ્ય છે. આ પ્રકારની ઘટનાઓ સર્જનાત્મક મન અને વૈજ્ઞાનિક સમુદાય વચ્ચે સહયોગ બનાવવામાં મદદ કરે છે જે સમયની જરૂરિયાત છે. હું ઈચ્છું છું કે ફિલ્મ ઉદ્યોગના મારા સાથીદારો એનએફએસયુ જેવી સંસ્થાઓનું સ્વાગત કરે. આપણે હવે ફોરેન્સિક નિષ્ણાતોની સલાહ લઈ શકીએ છીએ.
એનએફએસયુના કુલપતિ “પદ્મશ્રી”થી સન્માનિત ડૉ. જે.એમ. વ્યાસે જણાવ્યું હતું કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીને સાયબર ક્રાઈમ સહિતના ગુના ઉકેલવા તથા તે સંબંધી જાગૃતિ માટે એનએફએસયુ વિશિષ્ટ ભૂમિકા ભજવશે. ફિલ્મ ફોરેન્સિક અંગેનો આ સૌપ્રથમ પરિસંવાદમાં સત્ય, ન્યાય અને માનવ અનુભવની સમજને વધુ ગહન બનાવવામાં મદદરૂપ પુરવાર થશે.
આ કાર્યક્રમમાં ફિલ્મ ઉદ્યોગના મહાનુભાવો, શિક્ષણવિદે, લો એન્ફોર્સમેન્ટ એજન્સીના અધિકારીઓ અને વિવિધ ક્ષેત્રના મહાનુભાવો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.