માનવ તસ્કરી મામલે NIAએ 10 રાજ્યોમાં દરોડા પાડ્યા
(એજન્સી)નવી દિલ્હી, રાષ્ટ્રીય તપાસ એજન્સી એનઆઈએએ આજે જમ્મુ-કાશ્મીરથી લઈને તમિલનાડુ સુધી દરોડા પાડ્યા છે. એનઆઈએની ટીમ જમ્મુ અને સાંબા શહેરમાં ઘણા સ્થળોએ દરોડા પાડી રહી છે.
ઉપરાંત આસામના ગુવાહાટીમાં પણ કાર્યવાહી કરવામાં આવી છે. ગુવાહાટીમાં નકલી ડોક્યુમેન્ટ બનાવવા મામલે એનઆઈએના અધિકારીઓ દરોડા પાડી રહ્યા છે. એનઆઈએ કુલ ૧૦ રાજ્યોમાં દરોડા પાડ્યા હોવાના અહેવાલો મળ્યા છે. એજન્સીએ માનવ તસ્કરી મામલે દરોડા પાડ્યા હોવાનું કહેવાઈ રહ્યું છે. મીડિયા અહેવાલો મુજબ માનવ તસ્કરી મામલે એનઆઈએએ જે રાજ્યોમાં દરોડા પાડ્યા છે,
જેમાં ત્રિપુરા, આસામ, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, તમિલનાડુ, તેલંગાણા, હરિયાણા, પુડુચેરી, રાજસ્થાન અને જમ્મુ-કાશ્મીરનો સમાવેસ થાય છે. આમાંથી મોટાભાગના રાજ્યો એવા છે, જેની સરહદ પડોશી દેશને અડીને આવેલી છે. ત્રિપુરા, પશ્ચિમ બંગાળ, આસામની સરહદો બાંગ્લાદેશને અડીને આવેલી છે, જ્યારે જમ્મુ-કાશ્મીરની સરહદો પડોશી દેશ પાકિસ્તાનને અડીને આવેલી છે.
અહેવાલો મુજબ એનઆઈએની ટીમે જમ્મુ અને સાંબામાં ઘણા દરોડા પાડ્યા બાદ મ્યાનમારના એક રોહિંગ્યા મુસ્લિમની ધરપકડ કરી છે. આ બંને શહેરોના ઘણા વિસ્તારોમાં દરોડા પડાયા છે. અધિકારીઓએ જણાવ્યું કે, મ્યાનમારના લોકો જે શહેરોમાં રહે છે, ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે.