Western Times News

Gujarati News

ભાજપના કાઉન્સિલરને તેમના મતવિસ્તારના લોકોએ ઢોર માર માર્યો

નિકોલના ભાજપના કોર્પાેરેટર પર ટોળાનો હુમલો

(પ્રતિનિધિ)અમદાવાદ, અમદાવાદના નિકોલ વોર્ડના ભાજપના કાઉન્સિલર બળદેવ પટેલને શુક્રવાર બપોરે તેમના મતવિસ્તારના કેટલાક લોકોએ માર માર્યો હતો. બળદેવ પટેલ કૃષ્ણનગર વિસ્તારના શિવાજી ચોક ખાતે ટીપી સ્કીમના અમલીકરણને લઈને ગયા હતા.

જેના પગલે રોષે ભરાયેલા ટોળાએ તેમને ઘેરી લીધા હતા અને માર માર્યો હતો. ઇજાગ્રસ્ત કાઉન્સિલરને સારવાર માટે કાકડિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અંગે માહિતી મળતા કૃષ્ણનગર પોલીસે હોસ્પિટલ ખાતે પહોંચી હતી. જેમને કાઉન્સિલર બળદેવ પટેલે પોતાની ફરિયાદ નોંધાવી હતી.

નિકોલના કોર્પોરેટર બળદેવ પટેલ ટીપી સ્કીમના અમલ અંગે કૃષ્ણનગર વિસ્તારમાં શિવાજી ચોકમાં રજૂઆત કરવા ગયા હતા. ત્યારે ૫થી વધુ લોકોના ટોળાએ તેમને ઘેરી લીધા હતા અને ખુલ્લેઆમ માર માર્યો હતો. ઘટનાની જાણ વાયુવેગે ફેલાતા જ સત્તાધારી ભાજપ પક્ષના નેતા ભાસ્કર ભટ્ટ અને દસકોઈના ધારાસભ્ય બાબુ પટેલ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા.

આ ઘટનાને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના નેતા ભાસ્કર ભટ્ટે જણાવ્યું કે તેઓ સવારે દસકોઈના ધારાસભ્ય બાબુ જમનાદાસ પટેલની ઓફિસે ગયા હતા અને વાતચીત કર્યા બાદ ઘરે પરત ફર્યા હતા.

ઘરના આસપાસના લોકોએ તેમને ફરીથી પાછા બોલાવ્યા હતા અને પછી તેમની સાથે ઝઘડો કર્યો હતો. હાલ કાઉન્સિલરને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.