Western Times News

Gujarati News

નિકોલ કઠવાડા રોડ પરની સોસાયટીમાં પાણી ભરાવવાની સમસ્યાનું કાયમી નિરાકરણ થશે

File Photo

સ્ટ્રીટલાઈટ વિભાગને રાત્રી રાઉન્ડ કરવા સૂચના આપવામાં આવી છે : દેવાંગ દાણી

(પ્રતિનિધિ) અમદાવાદ,  શહેરમાં પડેલા ભારે વરસાદના કારણે બે દિવસ સુધી  વરસાદી પાણીનો નિકાલ થયો ન હતો.  ગુરુવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં ભાજપના સત્તાધિશોએ વરસાદી પાણી ભરાવાથી લઈ ડ્રેનેજ પંપીંગ સ્ટેશનો અને  તેમજ વરુણ પંપો યોગ્ય રીતે કામગીરી કરતા નહોતા

જેને લઈને અધિકારીઓ પાસે જવાબ માંગ્યો હતો.વરસાદ બાદ અનેક સ્થળોએ હજી શહેરમાં સ્ટ્રીટ લાઈટો બંધ છે. જેના કારણે નાગરિકોને હાલાકી પડી રહી છે આ ઉપરાંત એસટીપીમાં સ્કાડા માટે સૂચના આપવામાં આવી હતી.

મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીના જણાવ્યા મુજબ વરસાદી પાણી ના નિકાલ માટે આગોતરું આયોજન કરવામાં આવ્યું હતું છતાં પણ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. વિવિધ વિસ્તારોમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વરૂણ પંપ અને ફાઈટર પંપ મૂકવામાં આવ્યા હતા પરંતુ કેટલીક જગ્યાએ આ પંપ કામ જ કરતા નહોતા કેટલાક સ્થળોએ તો ઓપરેટરો પંપ ચાલુ કરી અને જતા રહ્યા હતા ત્યાર પછી કોઈ જોવા જ ગયું નથી.

તો બીજી તરફ કેટલાક વરુણ પંપો પણ અમુક જગ્યાએ પાણી કાઢ્યા બાદ બંધ થઈ ગયા હતા. આ અંગે જવાબદાર અધિકારીઓ પાસેથી ખુલાસા માંગવામાં આવ્યા છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ કે કર્મચારીઓએ કેટલા ડ્રેનેજ પંપીંગ સ્ટેશનમાં મુલાકાત લઈને કામગીરી કરી તેનો રિપોર્ટ પણ માંગ્યો છે. મોટાભાગના ડ્રેનેજ પંપીંગ સ્ટેશનમાં કેટલાક પંપો કામ જ કરતા નહોતા જેના કારણે પાણીનો નિકાલ ઝડપી થઈ શક્યો નહોતો. વરસાદ બાદ મચ્છરજન્ય રોગ ન ફેલાય તેના માટે તાત્કાલિક ધોરણે ફોગિંગ કરવા માટેની અને સફાઈ માટેની સૂચના આપવામાં આવી છે.

શહેરમાં વરસાદી પાણી ભરાવવાના જેટલા પણ સ્થળો છે તે સ્થળોનું આગોતરું આયોજન કરવામાં આવ્યું હતું છતાં પણ પાણી ભરાયા હતા ત્યારે હવે ભવિષ્યમાં વરસાદી પાણી ભરાવાના જેટલા પણ સ્થળો છે તેનો નિકાલ નજીકના તળાવો અને કેનાલો સહિતની જગ્યાએ કરવામાં આવે તે તેનું આયોજન કરવાની સૂચના આપવામાં આવી હતી. બે દિવસમાં પડેલા ભારે વરસાદના કારણે જે સ્થળે વરસાદી પાણી ભરાયા હતા તેમાં તળાવમાં ઇન્ટરલિંકિગ કર્યું હતું. જેથી 89થી વધુ તળાવ ભરાયા છે.

પૂર્વ વિસ્તારમાં આવેલા નિકોલ કઠવાડા રોડ પર મધુમતી આવાસ યોજનામાં વર્ષોથી પાણી ભરાવવાની સમસ્યા છે તેમ છતાં પણ ત્યાં ફરીથી પાણી ભરાય છે ત્યારે તેનું કાયમી નિરાકરણ લાવવા માટે સિંગરવા તળાવ અને ખારી નદીમાં પાણીનો નિકાલ થાય તે રીતનું વ્યવસ્થા ગોઠવવા માટેની સૂચના આપવામાં આવી હતી. વટવા વિસ્તારમાં પાણી બનાવવાની સમસ્યા દૂર કરવા માટે જે ત્રણ તળાવ આવેલા છે

તેમાં વરસાદી પાણીનો નિકાલ થાય તેના માટે એક  લાઈન માં જોડાણ થાય તો સમસ્યા હળવી બને તેમ છે જોકે ત્યાં  મેગા લાઈન પસાર થાય છે તો તેનું નિરાકરણ લાવી કામગીરી કરવા સૂચના આપી હતી.મ્યુનિ કોર્પોરેશન ના 15 પૈકી 9 એસટીપીમાં સ્કાડા સીસ્ટમ કાર્યરત છે તેથી બાકી એસટીપીમાં માં આ સિસ્ટમ કાર્યરત કરવા સૂચના આપવામાં આવી છે.

શહેરમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદની સીઝનમાં  સ્ટ્રીટ લાઈટો બંધ રહે છે.  ભૂતકાળમાં સ્ટ્રીટ લાઇટના હવાલો સંભાળતા અધિકારી ને રાત્રી રાઉન્ડ માટે ની સૂચના આપવામાં આવી હતી

પરંતુ આ રાઉન્ડ બંધ કરવામાં આવ્યા છે તેમજ ફરિયાદ ના આધારે જ કામ થઈ રહ્યું છે તેથી સ્ટ્રીટ લાઈટ માટે ફરીથી રાત્રી રાઉન્ડ શરૂ કરવા સૂચના આપવામાં આવી છે. વરસાદના કારણે કુલ 18 સ્થળોએ સ્ટ્રીટ પોલ પડી ગયા હતા. જેને તાત્કાલિક ધોરણે ત્યાંથી હટાવી નવા નાખવા માટેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.