નિલકંઠધામ-પોઈચા ખાતે રાષ્ટ્રીય સંસ્કૃત શાસ્ત્રાર્થ અને વિદ્વાનોનો સન્માન સમારોહ યોજાયો
દરેક ભાષાઓની જનની સંસ્કૃત ભાષા છેઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી
ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી આજરોજ નર્મદા જિલ્લાના નીલકંઠધામ-પોઇચા ખાતે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાનના ૭૫ વર્ષની પૂર્ણતાના અમૃત મહોત્સવના ઉપક્રમે આયોજીત ”રાષ્ટ્રીય સંસ્કૃત શાસ્ત્રાર્થ અને વિદ્વાનોનો સન્માન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે રાજયપાલશ્રીએ નિલકંઠધામ ખાતે ગૌમાતાનુ પૂજન તથા તીર્થાલયનું ઉદ્ધાટન પણ કર્યું હતું.
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ સંસ્કૃતભાષાનો મહિમા વર્ણવતા જણાવ્યું હતું કે, દરેક ભાષાઓની જનની સંસ્કૃત છે. દુનિયાની સૌથી પુરાતન અને ઈશ્વરીય ભાષા સંસ્કૃત છે. સંસ્કૃતથી પરિપુર્ણ ભાષા કોઈ નથી. નિલકંઠધામના આંગણે ”રાષ્ટ્રીય સંસ્કૃત શાસ્ત્રાર્થ સમારોહ યોજવા બદલ સંતગણને અભિનંદન આપ્યાં હતાં.
રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, વેદો ઈશ્વરીય જ્ઞાન પરમાત્મા દ્વારા પ્રદત્ત સૃષ્ટિનું આધિકારિક જ્ઞાન વેદ છે. સૃષ્ટિની જ્યારે રચના થઈ, મનુષ્યોનો જન્મ થયો ત્યારે અગ્નિ,વાયુ, આદિત્ય અને અંગિરા નામના ચાર ઋષિઓનું પણ અવતરણ થયું. આ ઋષિઓ મોક્ષની ગતિને પાર કર્યા પછી સૃષ્ટિ પર અવતર્યા હોવાથી મનુષ્યથી પણ શ્રેષ્ઠ હતા,જેમણે વેદોની રચના કરી. વેદોનો માર્ગ એ એકતાનો માર્ગ છે. આ જ્ઞાન ઋષિ-શિષ્ય પરંપરાથી આગળ વધીને સમગ્ર સૃષ્ટિને મળ્યું.
રાજ્યપાલશ્રીએ પરમાત્માનો મહિમા જણાવતા ઉમેર્યું કે, સત ચિત્ત અને આનંદનું સુક્ષ્મ સ્વરૂપ એટલે પરમાત્મા. તે સર્વવ્યાપક, આદિ-અનાદિ અને અંતર્યામી છે. ગુરૂશિષ્ય પરંપરામાં પરમાત્મા વસે છે. આજે પણ ગુરૂશિષ્યનો મહિમા અપરંપાર છે. તેમણે જ્ઞાનનો મહિમા વર્ણવતા જણાવ્યું કે, શીખવ્યા વિના મનુષ્યના સંતાન કશું પણ શીખી શકતા નથી. ગુરૂ, માતાપિતા, સમાજના લોકો અન્ય આસપાસની સૃષ્ટિ એ માનવીને જીવન જીવતા શીખવનાર ગુરૂ સમાન છે.
રાજ્યપાલશ્રીએ કહ્યું કે, સ્વામિનારાયણના સંતોએ ગુરૂકુળની શાસ્ત્ર પરંપરાને જીવત રાખી છે. યુવાપેઢીને વ્યસનમુકિત, જળ બચાવો, ગૌમાતાનું સંવર્ધનની સાથે રાષ્ટ્રભકિતની સાથે નાગરિકોમાં ઉચ્ચ સંસ્કારોનું નિર્માણ સ્વામિનારાયણની સંસ્થાઓ કરી રહી છે. આ સંસ્થાઓમાં તપસ્વી જીવન સૌથી મોટું આદર્શ છે. દુનિયાની જે જાતિ અને કોમમાં સંગઠિતતા, પ્રેમભાવની સાથે વિચારોની એકતા હોય છે તે સમાજ અને રાષ્ટ્ર પ્રગતિ કરે છે તેવો મત રાજયપાલશ્રીએ વ્યકત કર્યો હતો.
પ્રાકૃતિક ખેતીનું મહત્વ જણાવતા રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, આ ખેતીથી ધરતીમાતાનું જતન, દેશી ગૌમાતાનું પાલન અને રક્ષણની સાથે લોકોનું આરોગ્ય પણ જળવાય રહે છે. પ્રાકૃતિક ખેતીના કાર્યમાં સ્વામિનારાયણના સંતો પણ યોગદાન આપી રહ્યાં હોવાની વિગતો તેમણે આપી હતી.
આ પ્રસંગે નિલકંઠધામના સ્થાપક ધર્મવલ્લભદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, માનવ અને રાષ્ટ્રને અનુસાશન કરે તે શાસ્ત્ર છે. રાજકોટ ગુરુકુળની સ્થાપના ૭૫ વર્ષ પુર્ણ થવાના અવસરે ઉજવાય રહેલા અમૃત મહોત્સવના અવસરે રાષ્ટ્રીય સંસ્કૃત શાસ્ત્રાર્થનુ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભારતભરમાંથી સંસ્કૃતના પંડિતો, વિશ્વ વિધાલયના જ્ઞાતાઓ, વિદ્વાનો ઉપસ્થિત રહ્યાં છે. ગુરુકુળના માધ્યમથી ઉત્તમ નાગરિકોનું ધડતર કરવામાં આવતું હોવાની વિગતો તેમણે આપી હતી.
નિલકંઠધામના આંગણે બે દિવસીય રાષ્ટ્રિય સંસ્કૃત શાસ્ત્રાર્થના અવસરે રાજ્યપાલશ્રીના હસ્તે દેશભરમાંથી આવેલા સંસ્કૃત વિશ્વવિદ્યાલયોના કુલપતિઓ, વિદ્રાનો, પંડિતોનું શિલ્ડ આપી સન્માન કર્યું હતું.