રાજ્યમાં બે ગમખ્વાર અકસ્માતે નવ લોકોનાં જીવ લીધા

અમદાવાદ, રાજ્યમાં એક જ દિવસમાં બે ગોઝારા અકસ્માતની ઘટના બની છે. જેમાં ૯ લોકોનાં મોત નિપજ્યા છે. દાહોદ અને સુરેન્દ્રનગરમાં આજે મંગળવારે ગમખ્વાર અકસ્માત સર્જાયા હતા. આ બે અલગ-અલગ અકસ્માતમાં કુલ નવ લોકોના મોત થયા છે. દાહોદના ગરબાડામાં અલીરાજપુર હાઇવે પર રિક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માતમાં છ લોકોનાં મોત નીપજ્યા છે અને એક વ્યક્તિ ઘાયલ છે.
જ્યારે સુરેન્દ્રનગરમાં સર્જાયેલા અકસ્માતમાં ૩ લોકોના મોત થયા છે, જ્યારે ૩ લોકો ઘાયલ થયા છે. લખતરના ઝમર ગામના પાટિયા પાસેનો અકસ્માત સર્જાયો હતો, જેમાં ૩નાં મોત થયા છે અને ૩ ઘાયલ થયા છે. અહીં ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં ૨ મહિલા અને ૧ પુરુષનું મોત નિપજ્યું છે. જ્યારે અકસ્માતમાં ૩ લોકો ઘાયલ થતાં હોસ્પિટલ ખસેડાયા છે.
સદાદ ગામથી લખતર જતાં પરિવારને અકસ્માત નડ્યો હતો. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જ્યારે પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિકને પૂર્વવત કરવાના પ્રયાસો હાથ ધર્યા હતા. દાહોદના ગરબાડામાં અલીરાજપુર હાઇવે પર રિક્ષા અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં છ લોકોનાં મોત નીપજ્યા છે. જ્યારે એક વ્યક્તિ ઘાયલ છે.
અકસ્માતની જાણ થતા ગરબાડા પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. હાલ ઇજાગ્રસ્તને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યારે મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઇ જવાયા છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, ગરબાડાના અલીરાજપુર હાઈવે પરના પાટિયાઝોલ તળાવ પાસે રિક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં એકસાથે છ લોકોના મોત નીપજ્યા છે જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ છે. આ મૃતકોમાં એક જ પરિવારના બે લોકો અને અન્ય ચાર લોકોના મોત નીપજતા અરેરાટી વ્યાપી ગઇ છે. એક રિક્ષામાં થોડા રૂપિયા વધારે મેળવવાની લહાયમાં ગેરકાયદેસર રીતે લોકોને વધારે સંખ્યામાં બેસાડવામાં આવે છે. આ રિક્ષામાં પણ વધારે લોકોને બેસાડ્યા હોવાનું માનવામાં આવી રહ્યુ છે.SS1MS