નવી તરસાલી ગામે મકાનમાં લાગેલી આગમાં નવ લોકો દાઝ્યા
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના નવી તરસાલી ગામે ગઈકાલે એક મકાનમાં આગ લાગવાની ઘટના બનતા નવ જેટલી વ્યક્તિઓ દાઝી જતા તમામને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. વધુમાં મળતી વિગતો મુજબ આ પૈકી એક બાળકી અને એક મહિલાની સ્થિતિ ગંભીર હોઈ તેમને સુરત હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા. પ્રાપ્ત રાજપારડી પોલીસ માંથી મળતી વિગતો મુજબ ગઈકાલે નવી તરસાલીના મહંમદ અઝરૂદ્દિન મલેક નામના રહીશના મકાનમાં રાતના આઠ વાગ્યાના અરસામાં આગે દેખા દીધી હતી.જાેતજાેતામાં આગે વિકરાળ સ્વરૂપ પકડી લીધુ હતું.
સ્થાનિકોના સધન પ્રયાસો બાદ આગ કાબુમાં આવી ન હતી. આગ લાગવાના સમયે પરિવાર ના સભ્યો ઘરમાં હોય અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. સમયસર આરપીએલ કંપનીના તથા ઝઘડિયા જીઆઈડીસીના અગ્નિ શામક ટેન્કરો આવી પહોંચ્યા હતા અને પાણીનો મારો ચલાવી મહા મહેનતે આગ પર કાબુ મેળવ્યો હતો.મળતી વિગતો મુજબ આ આગ શોર્ટ સર્કિટથી લાગી હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું.
આગ લાગવાની આ ઘટનામાં મહંમદ અઝરૂદ્દિનના ઘરમાં હાજર સભ્યો પૈકી નવ જેટલી વ્યક્તિઓ દાઝી જવા પામી હતી.જેમને પ્રથમ અવિધા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.એક બાળકી અને એક મહિલાની સ્થિતિ ગંભીર હોઈ તેમને સુરત હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવાયા હતા.આગની આ ઘટનામાં અસરગ્રસ્ત મકાન માલિકને મોટું આર્થિક નુકશાન થયું હતું.ઘટના સંદર્ભે ગુલામનબી મહંમદ મલેક રહે.બહેરા બાપુ ફળિયું,નવી તરસાલી તા.ઝઘડિયા જી.ભરૂચનાએ રાજપારડી પોલીસમાં જાણ કરતા પોલીસે કાયદેસર કાર્યવાહી હાથધરી હતી.