સુરતમાં નવ વર્ષના બાળકને રખડતા કૂતરાંએ ફાડી નાંખ્યો, હાલત ગંભીર
સુરત, સુરતના છેવાડે હજીરા પાસે કવાસમાં બુધવારે સવારે ૯ વર્ષના બાળક ઉપર એક રખડતા કૂતરાએ જીવલેણ હુમલો કરીને ડાબા હાથ અને ખભાના ભાગને ફાડી ખાધો હતો. આસપાસના લોકોનું ધ્યાન પડતાં જ તુરંત તેને છોડાવીને ૧૦૮ મારફતે તાત્કાલિક સારવાર માટે ખસેડ્યો હતો.
સુરત અને આસપાસના વિસ્તારમાં રખડતા કૂતરાઓનો ત્રાસ હજી અકબંધ છે. ડોગ બાઈટના નાના કિસ્સા તો ઠીક પરંતુ સમયાંતરે કૂતરાના હિંસક હુમલાની ઘટનાઓ સતત સામે આવી રહી છે.
બુધવારે વાસી ઉત્તરાયણના દિવસે સુરતના છેવાડે આવેલા હજીરા પાસે કવાસમાં આવી જ એક રખડતા કૂતરાએ કરેલા હિંસક હુમલાની ઘટના સામે આવી હતી.નવી સિવિલ હોસ્પિટલમાં આ ૯ વર્ષીય બાળકની સારવાર કરતાં ડૉક્ટર આરતીએ બાળકની સ્થિતિ વિશે જણાવતાં કહ્યું કે, આજે સવારે ધોરણ-૪માં ભણતા મયુર રાજુભાઈ મેડાને ૯ વાગ્યે સિવિલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.
તે કંપની પાસે ઝૂંપડપટ્ટીમાં રહે છે. તેના ઘરની નજીક જ રમતા-રમતા વોશરુમ માટે ગયો હતો ત્યાં રખડતા કૂતરાએ તેને બચકાં ભર્યા હતાં. આ હુમલામાં તેને ગળાના ભાગે, પીઠ અને હાથ ઉપર ખૂબ ઊંડા ઘા લાગ્યા છે.
તાત્કાલિક તો આ ઘા ઉપર હાલ ટાંકા લગાવ્યા છે. છતાં હજી તેની સારવાર પૂરી નથી, ઓપરેશનની પણ જરૂર પડશે.વધુમાં તેમણે જણાવ્યું કે, આ બાળક ઉપર કૂતરાએ હુમલો કર્યાે ત્યારે સદનસીબે નજીકમાંથી પસાર થતા લોકોનું ધ્યાન પડતાં જ તુરંત મયુર પાસે દોડી ગયા હતા અને તેને કૂતરાના મોઢામાંથી છોડાવ્યો હતો નહીં તો બાળકનો જીવ પણ ચાલ્યો જતે. ગંભીર ઈજાઓના કારણે ૧૦૮ મારફતે તુરંત જ તેને સિવિલ લાવવામાં આવ્યો હતો. આ “ડોગ બાઈટ” કેટેગરી-૩માં આવે છે.
આ બાઈટ ગંભીર હોવાના કારણે તાત્કાલિક તેની પ્રાથમિક સારવાર હાથ ધરીને તેને ઈન્જેક્શન આપવામાં આવ્યું છે. હજુ પણ તેની સારવાર ચાલુ છે. મયુરના પિતા રાજુભાઈ મેડા મજૂરી કામ કરે છે.
આ હૃદયદ્રાવક ઘટનાના કારણે હજુ પણ આઘાતમાં છે.ઉલ્લેખનીય છે કે, સુરત શહેર અને આસપાસના વિસ્તારમાં રખડતા કૂતરાના હુમલાને કારણે છેલ્લા દોઢ વર્ષમાં છ મોત નોંધાયા છે. સંખ્યાબંધ કિસ્સામાં બાળકોને ખૂબ કટોકટ સ્થિતિમાંથી ઉગારવામાં આવ્યા હતાં.SS1MS