કાયદાના વિદ્યાર્થીઓ પાસેથી નિરમા યુનિવર્સિટીએ માફીનામુ લખાવી લીધું
અમદાવાદ, રાજયની સૌથી પહેલી ખાનગી યુનિવર્સિટી તરીકે પ્રસ્થાપિત નિરમા યુનિવર્સિટીના લો ઈન્સ્ટીટયુટના કેટલાક વિદ્યાર્થીઓએ નાગરિકતા સુધાર કાયદા અને એનઆરસી સામે વિરોધ દર્શાવ્યો હતો તેની સામે યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓ પાસે માફીનામુ લખાવી ભવિષ્યમાં આવી પ્રવૃતિમાં નહી જોડાવા માટે અંડરટેકિંગ લેતા તેના વિદ્યાર્થીઓમાં ઉગ્ર પ્રત્યાઘાત ઉઠયા છે.
સીએએ-એનઆરસી સામે ગત ૧૭મીએ ગાંધી આશ્રમ સામે સ્વયંભૂ લોકોએ બેનર દર્શાવીને વિરોધ્ કર્યો હતો. જેમાં નિરમા યુનિવર્સિટીના લો ઈન્સ્ટીટયુટના વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા. નિરમા યુનિવર્સિટીએ પોતાના વિદ્યાર્થીઓને ઓળખી તેમની પાસેથી માફીનામુ લખાવ્યું છે.
ભવિષ્યમાં આ પ્રકારે વિરોધ કરવા નહી જઈએ તેવું લેખિતમાં અંડરટેકિંગ પણ લીધું હતું. ભવિષ્યના એડવોકેટ એવા કાયદાના વિદ્યાર્થીઓ અભ્યાસની પ્રવૃતિ પુરતા બંધાયેલા છે. પરંતુ બાકીના સમયમાં કયાં જવું કોને મળવું, કોનો વિરોધ કરવો કે ના કરવો, શું પહેરવું, શું ખાવું, શું પીવું તેના માટે આઝાદ છે.
યુનિવર્સિટી તેને કોઈ પણ પ્રકારે ફરજ પાડી શકે નહી. યુનિવર્સિટીઓને વાલીઓને પણ મેસેજ મોકલ્યા છે કે પોલીસ અને આઈબીએ તમારા સંતાન વિશે અમારી પાસેથી માહિતી મેળવી છે. ભવિષ્યમાં તેના વિરુધ્ધ પોલીસ રેકર્ડ ઉભો થઈ શકે છે આ અંગે રજિસ્ટ્રા નાયરે કહ્યું કે હા અમે મેસેજ મોકલ્યો છે. અમારી શૈક્ષણિક સંસ્થા છે અમે વિદ્યાર્થીઓને આવી પ્રવૃત્તિમાં ભાગ લેવાની એટલે ના પાડીએ છીએ કે પછી હાજરી સહિતના પ્રશ્નો ઉભા થાય છે. અહીં માત્ર અભ્યાસ કરાવવાનું જ કામ થાય છે. અમારેત્યાં પોલીસ આવી હતી અને પૂછપરછ કરી હતી. (એન.આર.)