નીતિન પટેલે મહેસાણા લોકસભા બેઠક માટે દાવેદારી પાછી ખેંચી
(એજન્સી)મહેસાણા, ગુજરાતના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી અને પટેલ સમાજના અગ્રણી નેતા નીતિન પટેલે મહેસાણા લોકસભા બેઠક માટેની દાવેદારી પાછી ખેંચી લીધી છે. નીતિન પટેલને મહેસાણાની ટિકિટ મળશે એવું માનવામાં આવતું હતું પરંતુ તેમણે કોઈ કારણોસર પોતાની દાવેદારી પાછી ખેંચી લીધી છે. નીતિન પટેલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ વાતની જાહેરાત કરી છે. નીતિન ભાઈના વલણમાં અચાનક આવો ફેરફાર કેમ થયો તે સમજવું મુશ્કેલ છે અને ભાજપને નજીકથી જાણતા લોકો પણ આ નિર્ણયથી આશ્ચર્ય પામ્યા છે.
હજુ એક દિવસ અગાઉ જ ભાજપે ૧૯૫ ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડી હતી જેમાં ગુજરાતની ૧૫ લોકસભા બેઠકોના નામ સામેલ હતા. આ વખતે ૧૨ ઉમેદવારોને રિપિટ કરવામાં આવ્યા છે જ્યારે ત્રણ નવા ચહેરા પસંદ કરવામાં આવ્યા છે. શનિવારે ભાજપે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી અને રવિવારે નીતિન પટેલે ધડાકો કર્યો છે કે તેઓ મહેસાણા લોકસભાની બેઠક માટે ચૂંટણી લડવા માંગતા નથી. તેથી તેઓ ભાજપની ટિકિટ મેળવવા માટે હરિફાઈમાં નથી.
નીતિન પટેલે જ અગાઉ મહેસાણાની બેઠક માટે દાવેદારી કરી હતી અને હવે અચાનક દાવેદારી પાછી ખેંચી લીધી છે. આ ઉપરાંત તેમણે આમ કરવા પાછળનું કોઈ કારણ પણ નથી આપ્યું.
નીતિન પટેલે ફેસબૂક પોસ્ટમાં જણાવ્યું છે કેઃ મહેસાણા લોકસભા બેઠક માટે ભાજપના ઉમેદવાર તરીકે મેં કેટલાક કારણોસર ઉમેદવારી નોંધાવી હતી. ગઈકાલે રાજ્યની ૧૫ લોકસભા સીટના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. મહેસાણા લોકસભા બેઠક માટે ઉમેદવારની પસંદગીની પ્રક્રિયા ચાલુ છે. તે અગાઉ જ હું ભાજપના ઉમેદવાર તરીકે મારી દાવેદારી પાછી ખેંચું છું.
નીતિન પટેલે આગળ લખ્યું છે કે માનનીય નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બનીને આખી દુનિયામાં ભારતની પ્રતિષ્ઠા વધારે અને ભારતમાતા પરમ વૈભવ પ્રાપ્ત કરે તેવી ભગવાનને પ્રાર્થના કરું છું. તેમણે ભાજપના તમામ કાર્યકરો, શુભેચ્છકો અને તમામ સાથીદારોનો પણ આભાર માન્યો હતો. શનિવારે લોકસભાની ચૂંટણી ૨૦૨૪ માટે ભાજપે ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડી હતી.
તેમાં આખા દેશમાંથી ૧૯૫ ઉમેદવારોનું લિસ્ટ આપવામાં આવ્યું છે જેમાં ગુજરાતના ૧૫ ઉમેદવારોના નામ ભાજપે જાહેર કર્યા છે. ભાજપના અન્ય નેતાઓમાં પશ્ચિમ બંગઆળમાં આસનસોલની બેઠક માટે જેનું નામ અપાયું હતું તે પવન સિંહ પણ ચૂંટણીમાંથી ખસી ગયા છે અને તેમણે કહ્યું છે કે તેઓ ચૂંટણીના મેદાનમાં ઉતરવા માંગતા નથી. પવન સિંહનું નામ આવ્યું ત્યારથી જ તેમના મહિલાવિરોધી અભદ્ર ગીતોનું કારણ આપીને તેમનો વિરોધ કરવામાં આવતો હતો.