કલેકટરને કોઈ એડવોકેટ લીગલ નોટીસ આપી શકે નહીંઃ હાઈકોર્ટ
ગીરના સિંહો માટે જોખમી ખનન કામની વિરૂધ્ધની પીઆઈએલ હાઈકોર્ટે ફગાવી
(એજન્સી)અમદાવાદ, ગીર સોમનાથ જીલ્લાના સુત્રાપાડા બ્લોકના સિંગસર ગામના પાંચ સ્થાનીકોને વિસ્તારમાં ગેરકાયદે અને નિયમોનો ભંગ કરીને ચાલતાં ખનન કામની વિરૂધ્ધ કરેલી જાહેરહીતની અરજી હાઈકોર્ટના ચીફ જસ્ટીસની ખંડપીઠ દ્વારા રદ કરવામાં આવી હતી. આ રીટની સુનાવણીમાં કોર્ટને ધ્યાને આવ્યું હતું કે, અરજદારોના એડવોકેટ દ્વારા સંબંધીત કલેકટરને લીગલ નોટીસ પાઠવવામાં આવી હતી અને ગેરકાયદે પ્રવૃત્તિઓ અંગે જાણ કરી હતી.
આ મુદે ચીફ જસ્ટીસ સંગીતા અગ્રવાલે ટકોર કરી હતી કે, કોઈ એડવોકેટ કલેકટરને લીગલ નોટીસ આપી શકે નહી. એડવોકેટ અને કલેકટર વચ્ચે કોઈ સીધો સંબંધ હોતો નથી. કલેકટર સમક્ષ જે તે સમસ્યા કે મુદાની રજુઆત કરી શકાય. લીગલ નોટીસ ન પાઠવી શકાય અને ત્યારબાદ એમાં કોઈ કાર્યવાહી ન થયાનો દાવો કરીને હાઈકોર્ટમાં કરેલી રીટ પીટીશીન ટકી શકે નહી.’
ગીર સોમનાથ જીલ્લાના સુત્રાપાડા બ્લોકના સિંગસર ગામના પાંચ રહેવાસીઓએ હાઈકોર્ટ સમક્ષ જાહેર હીતની અરજી દાખલ કરી હતી કે, જેમાં મુખ્ય ફરીયાદ એવી કરી હતી કે, શાળાના ૧૦ ફૂટના અંતરમાં માઈનીગ કરવામાં આવી રહયું છે. અને એ કાયદા અને નિયમોનો ભંગ છે. ગામના રહેણાક વિસ્તારોમાં માઈનીગ કરી શકાય નહી.
જોકે નિયમોમાં ઉલ્લંઘનને કારણે છ વર્ષના ગાળામાં ચાર વ્યકિતના મૃત્યુ થયા છે. જેમાં ર૦ર૧માં પણ સમાવેશ થાય છે. માઈનીગ વિસ્તારની આજુબાજુ કોઈ ફેન્સીગ નથી અને આ વિસ્તાર ગીરના સિંહોના સ્થળાંતર માર્ગમાં આવે છે. પ્રશ્નમાં રહેલી ખાણ અંબુજા સિમેન્ટને ચુનાના પથ્થરોના ખાણકામ માટેના મોટા માઈનીગ લાઈસન્સ સાથે ફાળવવામાં આવી છે.
પક્ષકારોએ હાઈકોર્ટમાં પહોચતા પહેલા તેમની ફરીયાદ સાથે સંબંધીત સત્તાવાળાઓનો સંંપર્ક કર્યો હતો કે કેમ એવા કોર્ટના પ્રશ્ન પર એડવોકેટે જણાવ્યું હતું કે, ૩૧ માર્ચે જીલ્લા કલેકટર અને અન્યોને ર૩૧ પાનાની લીગલ નોટીસ મોકલવામાં આવી હતી.
તેથી ખંડપીઠે ટકોર કરી હતી કે પક્ષકારોએ વકીલ દ્વારા લીગલ નોટીસ નહી પણ પ્રતીનીધીત્વ મોકલવાનું હોય. તમારે લીગલ નોટીસ ન મોકલવાની હોય. તમારી અને કલેકટર વચ્ચે કોઈ કાનુની સંબંધ નથી. કલેકટર આ પ્રકારની અરજીની ધ્યાનમાં લઈ શકાય નહી.