રાજ્યનો કોઈપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે એ જ રાજ્ય સરકારનો ધ્યેયમંત્ર – ઋષિકેશ પટેલ
તા. ૨૬,૨૭ અને ૨૮ જૂનના રોજ શાળા પ્રવેશોત્સવ ના 21મા તબક્કાનું આયોજન –આ વર્ષે બાલવાટિકા અને ઘોરણ 1 ઉપરાંત ઘોરણ 9 અને ઘોરણ 11 માં પણ શાળા પ્રવેશોત્સવ યોજાશે*
ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટ બેઠકમાં થયેલ ચર્ચા સંદર્ભે મીડિયાને સંબોધતા પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ કે, તા. 26મી જુન થી રાજ્યમાં શાળા પ્રવેશોત્સવના 21 માં તબક્કાનો પ્રારંભ થનાર છે. જે તારીખ 28 જુન સુધી ચાલશે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં યોજાનાર આ ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવ માં પ્રથમ વખત બાળવાટિકા અને ઘોરણ – 1 માં પ્રવેશ ઉપરાંત ઘોરમ 9 અને ઘોરણ 11 માં પણ પ્રવેશોત્સવની ઉજવણી કરાશે. જેમાં મુખ્યમંત્રી શ્રી , મંત્રી મંડળના વિવિધ સભ્યો, અધિકારી અને પદાધિકારીઓ વિવિધ શાળાઓમાં જઇને બાળકોનું ઉત્સાહવર્ધન કરશે.
સમગ્ર રાજ્યમાં યોજાનાર ૨૧મા શાળા પ્રવેશોત્સવ માં રાજ્યના ૩૨.૩૧ લાખ બાળકો લાભાન્વિત થશે. જેમાં બાલવાટિકામાં ૧૧.૭૩ લાખ, ધોરણ-૦૧માં પ્રવેશ ૩.૬૨ લાખ, ઘોરણ-૦૯માં પ્રવેશ ૧૦.૩૫ લાખ ઘોરણ-૧૧માં ૬.૬૧ લાખ બાળકો પ્રવેશ મેળવશે.
રાજ્યમાં નાના બાળકોના બાલવાટિકા શિક્ષણથી માંડીને ઉચ્ચર શિક્ષણ સુધી કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તેવા માઈક્રો પ્લાનીગ સાથે શાળા પ્રવેશોત્સવની તૈયારીઓ રાજ્ય સરકાર કરી રહી છે.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ છેવાડાના નાગરિકોને/બાળકોને મુખ્ય ધારામાં લાવવા અને ડ્રોપ આઉટ દરને ઝડપી રીતે ઘટાડવાનો છે. રાજ્યના વધુમાં વધુ બાળકો શાળામાં પ્રવેશ મેળવીને શિક્ષણ મેળવે તે દિશામાં આ પ્રયાસ છે .
ઉલેખ્ખનીય છે કે, ૨૧મો શાળા પ્રવેશોત્સવ આ વર્ષે તા.૨૬, ૨૭ અને ૨૮ જુનના રોજ રાજ્યની શાળાઓમાં યોજાશે. પ્રાથમિક થી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ ઉપરાંત જ્ઞાન શક્તિ રેસીડેન્શીયલ સ્કુલ તથા રક્ષાશક્તિ રેસીડેન્શીયલ સ્કુલ્સમાં પણ શાળા પ્રવેશોત્સવ યોજાશે. જેમાં મુખ્યમંત્રીશ્રી, અન્ય મંત્રીશ્રીઓ, અધિકારી અને પદાધિકારીઓ શાળા પ્રવેશોત્સવમાં ઉપસ્થિત રહીને બાળકોનું ઉત્સાહવર્ધન કરશે.
શાળા પ્રવેશોત્સવની સાથોસાથ રાજ્ય સરકાર દ્વારા આ વર્ષના બજેટમાં નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજના શરૂ કરવામાં આવી છે. તદ્ઉપરાંત મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ અને જ્ઞાનસાધના મેરીટ સ્કોલરશીપ યોજનાની શરૂઆત પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા કરવામાં આવી છે. આ તમામ યોજનાના લાભોથી પણ પ્રવેશોત્સવ દરમિયાન પાત્રતા ધરાવતા બાળકોને લાભાન્વિત કરવામાં આવશે તેમ મંત્રી શ્રી ઋષિકેશ પટેલે ઉમેર્યુ હતુ.