ટેરીફ બાબતે કોઈ સમાધાન નહીં, જેવા સાથે તેવાની નીતિ: ટ્રમ્પ

વોશિંગ્ટન, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ બાબતે ફરી એક વાર ખોંખારીને પોતાના ઈરાદાનું એલાન કર્યું છે. ટ્રમ્પે કહ્યું હતું કે, ટેરિફના માળખા બાબતે તેમની સાથે કોઈ ચર્ચા કરી શકે તેમ નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ સ્પષ્ટતા કરી દીધી છે કે, ભારતને ટેરિફમાં બાકાત રાખવાનો કોઈ સવાલ જ નથી.
અમેરિકાની વસ્તુઓ પર જેટલો ટેરિફ લેવાતો હશે, તેટલો જ ટેરિફ તે દેશોએ ચૂકવવી પડશે. જેવા સાથે તેવા જ રહેવાના સૂત્રનો ચુસ્ત અમલ થશે. ફોક્સ ન્યૂઝ દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પ અને અબજોપતિ મસ્કનો સંયુક્ત ઈન્ટરવ્યૂ પ્રસારિત થયો હતો.
આ ઈન્ટરવ્યૂમાં ટ્રમ્પે પારસ્પરિક ટેરિફ અંગે વાત કરી હતી. ૧૩ ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષી વાટાઘાટોના કલાકો પહેલાં પણ ટ્રમ્પે પારસ્પરિક સમાન ટેરિફના ચુસ્ત અમલનું એલાન કર્યું હતું. ઈન્ટરવ્યૂમાં ટ્રમ્પે ફરી એક વખત પોતાનું વલણ સ્પષ્ટ કર્યું હતું અને ભારત સહિતના ભાગીદાર રાષ્ટ્રો સાથે ટેરિફ માળખા પર વાત કરી હતી.
ટ્રમ્પના જણાવ્યા મુજબ, વડાપ્રધાન મોદી અહીંયા જ હતા અને તેમને સ્પષ્ટ કહી દીધું છે, અમે પારસ્પરિક ટેરિફનો અમલ કરીશું. તમે જેટલો ટેરિફ વસૂલ કરશો, તેટલો જ ટેરિફ સામે ભરવો પડશે.ટ્રમ્પના જણાવ્યા મુજબ, મોદીએ પારસ્પરિક ટેરિફનો વિરોધ કર્યાે હતો અને પારસ્પરિક ટેરિફ પસંદ નહીં હોવાનું કહ્યું હતું.
પણ ટ્રમ્પ મક્કમ રહ્યા હતા, તેમણે મોદીને સુણાવી દીધુ હતું કે, તમે (ભારત) જેટલો ટેરિફ રાખશે, તેટલો જ ટેરિફ અમેરિકામાં વસૂલ થશે. અમેરિકામાંથી આયાત થતી ઘણી વસ્તુઓ પર ભારત જંગી ટેરિફ વસૂલે છે. ખાસ કરીને ઓટોમોબાઈલ ક્ષેત્ર પર ૧૦૦ ટકા ટેરિફ છે.
ટ્રમ્પની વાતમાં સૂર પુરાવતા મસ્કે કહ્યું હતું કે, ઓટો આયાત પર ૧૦૦ ટકા ટેરિફ જ છે. અને આ તો ચણા-મમરા જેવી વાત છે. ભારત ઘણો વધારે ટેરિફ રાખે છે અને બીજા દેશો પણ આમ જ કરે છે. પારસ્પરિક ટેરિફની જોગવાઈ મુજબ, ભારતમાં અમેરિકાના સામાન પર જેટલો ટેરિફ છે, તેટલો જ ટેરિફ ભારતીય સામાન પર અમેરિકા વસૂલ કરશે.
આ મામલે કોઈ દલીલ કરી શકે નહીં, તેવો દાવો કરતાં ટ્રમ્પે ભારપૂર્વક કહ્યું હતું કે, જો એમ કહું કે ૨૫ ટકા ટેરિફ લાગશે. તો ઉહાપોહ થઈ જતો હતો. હવે હું આમ નથી કહેતો. જેવા સાથે તેવા રહેવાની વાત કરું છું અને ચર્ચા અહીં પૂરી થઈ જાય છે. મોદીની મુલાકાત દરમિયાન ભારત પર પારસ્પરિક ટેરિફની વાત કરતા ટ્રમ્પે કહ્યુ હતું કે, દુનિયાના કોઈ પણ દેશ કરતાં ભારતમાં અમારા પર સૌથી વધુ ટેરિફ લાગે છે.
આ માટે હું ભારતને દોષ નથી આપતો, પરંતુ બિઝનેસ માટે આ અલગ પદ્ધતિ છે. અમારા માટે ભારતમાં સામાન વેચવાનું અઘરું બની જાય છે. ભારતે ઘણાં બંધનો અને આકરા ટેરિફ લગાવેલા છે.
ટ્રમ્પે અમેરિકાની વ્યાપાર નીતિમાં ધરખમ ફેરફારની વાત કરતા કહ્યું હતું કે, પારસ્પરિક ટેરિફ માત્ર ભારત માટે નથી. અન્ય કોઈ દેશ ઓછા ટેરિફ લગાવતો હશે, તો અમે પણ તેવું જ કરીશું. અમેરિકામાં અગાઉ આ પદ્ધતિ ન હોતી, પરંતુ હવે તેનો ચુસ્ત અમલ થશે.SS1MS