કોવિડ વેકસીન અને હૃદય સંબંધી સમસ્યાના કોઈ ચોકકસ પુરાવા નથી: કાર્ડીયોલોજીસ્ટોનો મત
વધુ પડતું જીમ નુકશાનકારક : તબીબોનું માર્ગદર્શન લઈને જ આગળ વધો : દવાના વધુ પડતા ઉંચા ડોઝ : ખાનપાનની ખોટી આદતો પણ હૃદયરોગને આમંત્રણ જ છે
આ પ્રકારની સ્થિતિમાં મૃતકના વ્યક્તિના સંબંધીઓએ પણ મેડીકલ ઓટોપ્સી માટે સંમતી આપે તે જરૂરી
હૃદય સંબંધી રોગોમાં તંબાકુના વ્યસનની પણ ભૂમિકા : ચલમ-હુકકાના વધેલા શોખ સામે ડો. દાણીની ચેતવણી
રાજકોટ: કોવિડ કાળ બાદ કાર્ડીયાક એરેસ્ટ ઓચિંતા જ હાલ બંધ પડી જવાથી મૃત્યુ અને હાર્ટ એટેક્ના વધતા જતા કેસોએ નિષ્ણાંતો માટે પણ ચિંતાનો વિષય બન્યા છે. આ પ્રકારની સ્થિતિ માટે કોરોના થયા બાદની શરીરની સ્થિતિ જેને લોંગ કોરોના તરીકે ઓળખવામાં આવે છે તે જવાબદાર છે કે પછી કોવિડ વેકસીન ને પણ પ્રશ્ન ઉઠે છે તો અલગ અલગ નિષ્ણાંતો અલગ અલગ કારણોને જવાબદાર ગણાય છે
તે સમયે ગુજરાતના જાણીતા કાર્ડીયોલોજીસ્ટ ડો. તેજસ પટેલે કોઈ આખરી તારણ પર આવવા માટે જેમના અચાનક જ કાર્ડીયાક એરેસ્ટની કે હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયા હોય તેના પાર્થિવ દેહનું ‘ઓટોપ્સી’ (પોષ્ટમોર્ટમ કરતા વિશેષ પ્રક્રિયા) થાય તો સાચુ કારણ જાણી શકાય તેવું મંતવ્ય વ્યક્ત કર્યુ હતું.
તેઓએ કહ્યું કે, આ પ્રકારના મૃત્યુમાં કોઈ અટકળો કે અનુમાન નથી. મેડીકલ ‘ઓટોપ્સી’ જ સાચો જવાબ આપી શકે છે. અમદાવાદમાં હૃદયની સ્વસ્થતા સંબંધી એક સેમીનારમાં સંબોધન કરતા ડો. તેજસ પટેલે કહ્યું કે મેડીકલ ‘ઓટોપ્સી’ માટે જે તે વ્યક્તિના સંબંધીઓએ પણ મંજુરી આપવી જોઈએ. આ પરિસંવાદમાં અન્ય સિનીયર કાર્ડીયોલોજીસ્ટ ડો. સમીર દાણી, ડો. ચિરાગ દોશી (ડિરેકટર યુ.એન.એફ.ના ઈન્સ્ટીટયુટ ઓફ કાર્ડીયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર) પણ ઉપસ્થિત હતા.
આ સંવાદમાં હૃદયરોગ કે તેવી સ્થિતિથી અચાનક જ મૃત્યુ, દક્ષિણ એશિયન લોકોમાં આ સંબંધી શારીરિક સ્થિતિ નિયમીત આરોગ્ય ચેકઅપની જરૂરિયાત, લક્ષણો પારખવા, કોવિડ બાદની શારીરિક વિષમતાઓ કોવિડ વેકસીનની અસર બિન આરોગ્યપ્રદ ખોરાકની સ્વાસ્થ્ય પર અસર બંધાણ, જીમ અને કસરતમાં સંયમ તથા ખાસ કરીને ઓચિંતા જ હૃદયરોગ હુમલાની સી.આર.પી. માટે ખાસ કરીને મુસાફરોને તાલીમ આ તમામ વિષયોને આવરી લેવાયા હતા.
ડો. સમીર દાણીએ કહ્યું કે, તંબાકુના વેચાણનો પ્રશ્ન આવે તો તેનાથી કેન્સર થાય છે તેવી ધારણા બાંધી લેવાય છે પણ વિશ્વભરમા એ પણ જોવા મળ્યું કે, તંબાકુના વ્યસનથી પણ હૃદયરોગ થાય છે અને મૃત્યુ થાય છે તેથી તંબાકુના કારણે હૃદયના રોગો અંગે પણ જાગૃતિ જરૂરી છે. ઉપરાંત ચલમ અને હુકકાનું પ્રમાણ પણ વધ્યું છે.
ઉપરાંત દવાના ખૂબજ હાઈડોઝ પણ લોકોને મારી શકે છે. જો કે તેઓએ સ્વીકાર્યુ કે જેઓને કોવિડની તિવ્ર અસર થઈ હોય તેને કાર્ડીયાક એરેસ્ટની શકયતાનો સંબંધ પ્રસ્થાપીત થયા છે. જો કે નિષ્ણાંતો કોવિડ વેકસીન અને હૃદય સંબંધી સમસ્યા અંગે કહ્યું કે આ માટે કોઈ ચોકકસ પુરાવા નથી.
નિષ્ણાંતોએ યુવાઓને ખાસ જીમમાં આકરી કવાયતના માર્ગે જતા પુર્વે તબીબની સલાહ લેવાની ભલામણ કરી હતી. પ્રોટીન પાવડાના ઉપયોગ સામે પણ સાવચેતીનો સૂર કાઢયો હતો. તેઓએ કહ્યું કે પશ્ચિમી જગત કરતા ભારતમાં લોકોને હૃદય સંબંધી રોગો થવાની શકયતા વધુ હોય છે.