કેનેડાના નાગરિકોને ભારતમાં નો એન્ટ્રીઃ ભારતે વિઝા પ્રોસેસ સ્થગિત કરી
ભારત-કેનેડાના સંબંધો દિવસે ને દિવસે વણસતા જાય છે. ખાલિસ્તાન મામલે બંને દેશ માટે તણાવ વધતાં ભારત સરકારે આજે મોટો નિર્ણય લીધો છે અને કેનેડાના નાગરિકો માટે વિદેશ મંત્રાલયે વિઝા સેવા સ્થગિત કરી દીધી છે.
બંને દેશો વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે ભારતે કેનેડિયન નાગરિકો માટે વિઝા સેવાઓ અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દીધી છે. કોવિડ-19 પછી ભારતે વિઝા સસ્પેન્ડ કર્યા હોય એવો આ પહેલો બનાવ છે.
મીડિયા અહેવાલો અનુસાર, વિઝા સેવાઓને સ્થગિત કરવા અંગે કોઈ ઔપચારિક જાહેરાત કરવામાં આવી નથી, જ્યારે કેનેડામાં વિઝા અરજી કેન્દ્રો ચલાવતા BLS ઈન્ટરનેશનલે તેની કેનેડિયન વેબસાઈટ પર આ સંદર્ભમાં એક મેસેજ પોસ્ટ કર્યો હતો, જેમાં કહ્યું હતું કે ‘ભારતીય મિશન તરફથી મહત્ત્વપૂર્ણ સૂચના: 21મી સપ્ટેમ્બર 2023 [ગુરુવાર]થી ભારતીય વિઝા સેવાઓ નવી સૂચના સુધી સ્થગિત કરવામાં આવી છે.’
મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે એક ભારતીય અધિકારીએ વિઝા સેવાઓ સ્થગિત કરવાની પુષ્ટિ કરી હતી, પરંતુ વધુ કોમેન્ટ કરવાનો ઇનકાર કર્યો હતો.