મોદીના ઉત્તરાધિકારીની શોધ કરવાની કોઈ જરૂર નથી, તેઓ અમારા નેતા છે અને તેઓ જ રહેશે

સંજય રાઉતના દાવાને ખોટો ગણાવ્યો
પિતા જીવિત હોય ત્યારે ઉત્તરાધિકારીની ચર્ચા કરવી એ મુઘલ સંસ્કૃતિ છે: ફડણવીસ
નાગપુર,
મહારાષ્ટ્રમાં છેલ્લા ઘણા સમયથી અનેક મુદ્દાઓ પર રાજકારણ થઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નાગપુર ખાતે RSS હેડક્વાર્ટર ખાતેની મુલાકાત બાદ શિવસેના એ દાવો કર્યાે હતો કે, ‘મોદી રાજીનામું આપી દેશે અને રાજકારણમાંથી નિવૃત્તિ લેશે.’ આ નિવેદન મુદ્દે રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે શિવસેના પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે આ દાવાનો ખોટો ગણાવતા કહ્યું હતું કે, ‘પિતા જીવિત હોય છે ત્યારે ઉત્તરાધિકારી વિશે વાત કરવી એ મુઘલ સંસ્કૃતિ છે.’શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યું હતું કે, વડાપ્રધાન મોદી નિવૃત્તિ યોજનાઓની ચર્ચા કરવા માટે નાગપુરમાં RSS મુખ્યાલયની મુલાકાતે ગયા હતા.
મોદીના ઉત્તરાધિકારી મહારાષ્ટ્રના હશે અને RSS તેના પર નિર્ણય લેશે.’ સંજય રાઉતના નિવેદન પર ફડણવીસે કહ્યું હતું કે, આપણી સંસ્કૃતિમાં જ્યારે પિતા જીવિત હોય છે ત્યારે ઉત્તરાધિકારી વિશે વાત કરવી એ મુઘલ સંસ્કૃતિ છે. તેની ચર્ચા કરવાનો સમય આવ્યો નથી. ફડણવીસે ઉમેર્યું હતું કે, ભાજપના સીનિયર સ્ટાર લીડર (મોદી) ‘વર્ષાે સુધી દેશનું નેતૃત્વ કરતા રહેશે. મોદીના ઉત્તરાધિકારીની શોધ કરવાની કોઈ જરૂર નથી. તેઓ અમારા નેતા છે અને તેઓ જ રહેશે. પીએમ મોદી રવિવારે નાગપુર ગયા હતા. ત્યાં તેમણે રેશમબાગ સ્થિત સ્મૃતિ મંદિરમાં RSSના સ્થાપક કેશવ બલિરામ હેડગેવારને શ્રદ્ધાંજલિ આપી હતી. આ દરમિયાન RSS વડા મોહન ભાગવત, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ હાજર હતા.