Western Times News

Gujarati News

કોરોનાના JN.1 વેરિયન્ટથી ચિંતા કરવાની જરૂર નથી: આરોગ્યમંત્રી 

File

રાજ્યમાં JN.1 વેરિયન્ટના 36 કેસ નોંધાયા, જેમાંથી 22 દર્દીઓ સાજા થઇ ગયા, 14 દર્દીઓ હોમ આઇસોલેશન હેઠળ

1 લી ડિસેમ્બર થી 27 ડિસેમ્બર દરમિયાન રાજ્યમાં કુલ 8,426 કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા,જેમાંથી 99 કોરોના પોઝીટીવ નોંધાયા – પોઝીટીવીટી રેટ 0.86 % રહ્યો

રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે મીડિયાના માધ્યમથી પ્રજાજનોને જણાવ્યું છે કે, કોરોનાના JN.1  વેરિયન્ટ થી લોકોએ ગભરાવવાની કે ચિંતા કરવાની જરૂર નથી પરંતુ સતર્કતા રાખવી જરૂરી છે તેમ પણ મંત્રી શ્રી એ ઉમેર્યુ હતુ.

રાજ્યમાં કોરોનાની તા. 28 ડિસેમ્બરની પરિસ્થિતી સંદર્ભે મંત્રી શ્રી એ જણાવ્યું કે, રાજ્યમાં કોરોના થી સંક્રમિત હાલ 66 એક્ટિવ કેસ છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 47, રાજકોટ કોર્પોરેશનના 10, ગાંધીનગર કોર્પોરેશનમાં 4 તેમજ દાહોદ, ગીરસોમનાથ, કચ્છ, મોરબી અને સાબરકાંઠા માં 1-1 કેસ એક્ટિવ છે. હાલ રાજ્યમાં ફક્ત બે કોરોના પોઝીટીવ દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ

રાજ્યમાં છેલ્લા સપ્તાહમાં નોંધાયેલ કોરોના કેસના જીનોમ સિકવન્સીગ ના રીપોર્ટ તા. 27 ડિસેમ્બરના રોજ મળ્યા હતા. જેમાં 36 કેસ JN.1  વેરિયન્ટના નોંધાયા છે. જે પૈકી 22 દર્દીઓ સાજા થઇ ગયા છે અને હાલ 14 દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે. આમ JN.1  વેરિયન્ટના પોઝીટીવ દર્દીમાંથી એક પણ દર્દીને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડી નથી.

મંત્રી શ્રી એ વધુમાં જણાવ્યું કે,રાજ્યમાં 1 ડિસેમ્બર થી 28 ડિસેમ્બર દરમિયાન કુલ 8,426 કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 99 કોરોના પોઝીટીવ નોંધાયા છે.

આમ જોતા, કોરોનાનો પ્રવર્તમાન સરેરાશ પોઝીટીવીટી રેટ 0.86 ટકા છે. જેના પરથી તારણ કાઢી શકાય કે હાલ કોરોનાની ધાતકતા ઘણી ઓછી છે પરંતુ લોકોએ અને ખાસ કરીને કોમોર્બિડિટી ઘરાવતા દર્દીઓએ સતર્કતા રાખવી જરૂરી છે તેમ તેમણે ઉમેર્યુ હતુ.

રાજ્યમાં પ્રત્યેક કોરોના પોઝીટીવ દર્દીનું જીનોમ સિકવન્સીંગ કરવામાં આવે છે તેના કારણે જ દેશના અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં એક્ટિવ કેસ ઓછા હોવા છતા JN.1  વેરિયન્ટના કેસ વધુ છે તેમ મંત્રી શ્રી એ સ્પષ્ટ પણે જણાવ્યુ હતુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.