રોડ પર વાહન પાર્ક કરીને જતાં હોવ તો ચેતી જજો!
ટ્રાફીકને નડતાં વાહનોને તાળાં મારી દેવાતાં લોકોમાં ફફડાટ
(એજન્સી)અમદાવાદ, મ્યુનિસીપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા સમગ્ર શહેરમાં નકકી કરાયેલા ૧૬ રોડ પરથી ટ્રાફીકને અડચણરૂપ કુલ રર૪ વાહનોને તાળાં મારી કસુરવારો પાસેથી કુલ રૂ.૧,ર૦,૩૦૦નો દંડ વસુલાયો હતો. જેના કારણે જાહેર રોડ પર આડેધડ રીતે વાહન પાર્ક કરનારાઓમાં ભય પ્રસરી ગયો હતો.
તંત્ર દ્વારા ટ્રાફીક પોલીસ સાથે હાથ ધરાયેલી સંયુકત ડ્રાઈવ હેઠળ શહેરના સાતેય ઝોનમાંથી ટ્રાફીકને નડતરરૂપ ૭૮ લારી ૯ર બોર્નબેનર્સ અને પ૩ર પરચુરણ માલસામાન પણ ઉપાડીને સંબંધીત ઝોનના ગોડાઉનમં જમા કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત ગઈકાલે ઉત્તર પશ્ચિમ ઝોનમાં સત્તાવાળાઓએ ફરીથી મુખ્ય રસ્તા પર બેફામ રીતે વાહન પાર્ક કરનારા ફોર વ્હીલરચાલકો સામે લાલ આંખ કરી હતી. પકવાનથી સિંધુ ભવન રોડ થલતેજ ચાર રસ્તાથી હેલમેટ સર્કલ સુધુનો રોડ જજીસ બંગલોથી માનસી સર્કલ વસ્ત્રાપુર તળાવ ફરતે ટ્રાફીક પોલીસની સ્ટાફ સાથે રહીને કુલ ૧૦૭ ફોર વ્હીલરને તાળાં મારી રૂ.પ૭,૭૦૦નો દંડ વસુલ્યો હતો
જયારે દક્ષીણ પશ્ચિમ ઝોનમાં પણ તંત્રએ વિવિધ મુખ્ય રસ્તાઓ પર કુલ ૩૦ વાહનોને તાળાં મારી રૂ.૧પ,૦૦૦નો દંડ વસુલ્યો હતો. ટ્રાફીક પોલીસ વિભાગ દ્વારા કુલ ૧ર વાહનને તાળાં મરાયાં હતાં. આ સાથે નવ લારી, એક ગલ્લો, રર બોર્ડ-બેનર્સ અને અન્ય ૬૧ પરચુરણ માલસામાન પણ તંત્રએ જપ્ત કર્યો હતો.