Western Times News

Gujarati News

કામના કલાકો વધારીને ૭૦ કે ૯૦ કરવાની કોઈ દરખાસ્ત નથીઃ સરકાર

નવી દિલ્હી, અઠવાડિયામાં ૭૦ કલાક કામ કરવું કે ૯૦ કલાક કામ કરવું તે અંગે નિષ્ણાતો દ્વારા આપવામાં આવેલી સલાહ લાંબા સમય સુધી ચર્ચાનો વિષય રહી, પરંતુ આજે સ્પષ્ટ થઈ ગયું કે, આવા સૂચનોને લઈને સરકાર પોતે શું વિચારે છે? સરકારે સંસદમાં આ ચર્ચા પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતા જણાવ્યું કે, તે અઠવાડિયામાં મહત્તમ કામકાજના કલાકો ૭૦ કે ૯૦ કલાક સુધી વધારવાના કોઈ પ્રસ્તાવ પર વિચાર કરી રહી નથી.

તાજેતરમાં કેટલાક કોર્પાેરેટ નેતાઓએ અઠવાડિયામાં મહત્તમ કામકાજના કલાકો ૭૦ અને ૯૦ કલાક સુધી વધારવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. ઉલ્લેખનીય છે કે, ઈન્ફોસિસના નારાયણમૂર્તિ ઉપરાંત એલએન્ડટીના ચેરમેન સુબ્રમણિયને તાજેતરમાં જ કર્મચારીઓને સપ્તાહમાં ૭૦થી વધુ કલાક કામ કરવાનું સૂચન કરતાં દેશભરમાં વિવાદ છેડાયો હતો.

શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી શોભા કરંદલાજેએ લોકસભામાં એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, અઠવાડિયામાં મહત્તમ કામના કલાકો ૭૦ કે ૯૦ કલાક સુધી વધારવાનો કોઈ પ્રસ્તાવ સરકારના વિચારણા હેઠળ નથી. શ્રમ કાયદાઓનો અમલ રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકાર દ્વારા તેમના સંબંધિત અધિકારક્ષેત્રોમાં કરવામાં આવે છે.

ભારતમાં હાલના શ્રમ કાયદાઓ જણાવે છે કે, કામ કરવાની પરિસ્થિતિઓ, કામના કલાકો અને ઓવરટાઇમ ફેક્ટરી એક્ટ, ૧૯૪૮ અને અનેક રાજ્ય સરકારોના દુકાનો અને સ્થાપના કાયદા દ્વારા નક્કી કરવામાં આવે છે. મોટાભાગની કોર્પાેરેટ સેક્ટર અને ખાનગી કંપનીઓ આ કાયદા હેઠળ આવે છે.

૭૦-૯૦ કલાકના કાર્ય સપ્તાહ અંગેના ડિસ્ક્લોઝર વિશે શુક્રવારે પ્રી-બજેટ આર્થિક સર્વેમાં અભ્યાસોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જેમાં જણાવાયું હતું કે, અઠવાડિયામાં ૬૦ કલાકથી વધુ સમય કામ પર વિતાવવાથી સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે, એલએન્ડટીના ચેરમેન એસ.એન. સુબ્રમણિયને કર્મચારીઓને રવિવાર સહિત સપ્તાહમાં ૯૦ કલાક કામ કરવાની સલાહ આપી હતી. તેમના આ સૂચનને પગલે દેશમાં વર્ક કલ્ચર અંગે વ્યાપક ચર્ચા છેડાઈ હતી. તેમની પહેલાં ઈન્ફોસિસના ચેરમેન નારાયણ મૂર્તિએ થોડાં સમય અગાઉ સપ્તાહમાં ૭૦ કલાક કામ કરવાની તરફેણ કરી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.