કોઇ મતદાતા બાકાત રહેવો જોઇએ નહીંઃ સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી
નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે દરેક મતદાન મથક પર મતદાતાની મહત્તમ સંખ્યા ૧,૨૦૦થી વધારી ૧,૫૦૦ કરવાના ચૂંટણી પંચના નિર્ણયને પડકારતી જાહેર હિતની અરજી અંગે પંચનો જવાબ માંગ્યો છે. કોર્ટે જણાવ્યું હતું કે, કોઇ વ્યક્તિ મતદાર બાકાત રહેવો જોઇએ નહીં.
સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને તેનું વલણ સ્પષ્ટ કરવા જણાવ્યું હતું. બેન્ચે જણાવ્યું હતું કે, “અમે ચિંતિત છીએ. કોઇ મતદાતા બાકાત રહેવો જોઇએ નહીં.” એટલે બેન્ચે ચૂંટણી પંચના વકીલ સિનિયર એડવોકેટ મનિંદર સિંઘને મતદાન મથક દીઠ મતદાતાની સંખ્યા વધારવાના ચૂંટણી પંચના નિર્ણય પાછળનો વિચાર ટૂંકી એફિડેવિટ ફાઇલ કરીને સમજાવવા નિર્દેશ કર્યાે હતો.
કોર્ટે ચૂંટણી પંચને ત્રણ સપ્તાહમાં એફિડેવિટ ફાઇલ કરવા જણાવ્યું હતું. સિંઘે જણાવ્યું હતું કે, “બેન્ચ ઇવીએમ અંગે સતત મુકાઇ રહેલા આરોપોથી માહિતગાર છે. આવા આરોપો ચાલુ રહેશે. ૨૦૧૯થી ચૂંટણી આવી રીતે થઈ રહી છે. રાજકીય પક્ષો સાથે આ મુદ્દે દરેક મતવિસ્તારમાં ચૂંટણી પહેલાં ચર્ચા કરવામાં આવે છે.”વરિષ્ઠ વકીલ સિંઘે કહ્યું હતું કે, “પોલિંગ સ્ટેશનમાં ઘણા મતદાન બૂથ હોઈ શકે અને ઇવીએમ દીઠ મતદાતાની કુલ સંખ્યામાં વધારો કરતી વખતે હંમેશા દરેક મતવિસ્તારમાં રાજકીય પક્ષો સાથે ચર્ચા કરવામાં આવે છે.”
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “મતદાતાઓને નિર્ધારિત સમય પછી પણ મતદાનની મંજૂરી આપવામાં આવે છે.” સુપ્રીમ કોર્ટે આગામી સુનાવણી માટે ૨૭ જાન્યુઆરી, ૨૦૨૫ની તારીખ નિર્ધારિત કરી છે અને એ પહેલાં અરજદારને એફિડેવિટની કોપી આપવા જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, ઓગસ્ટમાં ચૂંટણી પંચ દ્વારા દેશભરમાં દરેક મતિવિસ્તારના પોલિંગ સ્ટેશન પર મતદાતાની સંખ્યામાં વધારો કરવાના નિર્ણયને ઇંદુપ્રકાશ સિંઘે જાહેર હિતની અરજી દ્વારા પડકાર્યાે હતો. અરજીમાં જણાવ્યા અનુસાર ચૂંટણી પંચનો નિર્ણય કોઇ ડેટા પર આધારિત નથી.SS1MS