નોન-વેજ થાળીમાં ભાવ ઘટ્યાઃ શાકાહારી થાળી ૭ ટકા મોંઘી થઈ
શાકાહારી થાળીમાં રોટલી, ડુંગળી,ટામેટા, બટાકા, ચોખા, દાળ, દહીં અને સલાડનો સમાવેશ થાય છે. નોન-વેજ ની થાળીમાં પણ એ જ ખાદ્યપદાર્થો હોય છે પરંતુ દાળનું સ્થાન ચિકન લે છે.
(એજન્સી)નવીદિલ્હી, ઘરે રાંધેલા શાકાહારી ખોરાકન થાળીની કિંમત માર્ચમાં ૭ ટકા વધીને ૨૭.૩ થઇ ગઇ, જે ૨૦૨૩માં સમાન મહિનામાં રૂ. ૨૫.૫ હતી. રેટિંગ એજન્સી ક્રિસિલના અહેવાલમાં જણાવાયું છે કે નોન-વેજ થાળીની કિંમત સમાન સમયગાળા દરમિયાન રૂ. ૫૯.૨ થી ૭ ટકા ઘટીને રૂ. ૫૪.૯ થઇ ગઇ છે.
શાકાહારી થાળીમાં રોટલી, ડુંગળી,ટામેટા, બટાકા, ચોખા, દાળ, દહીં અને સલાડનો સમાવેશ થાય છે. નોન-વેજ ની થાળીમાં પણ એ જ ખાદ્યપદાર્થો હોય છે પરંતુ દાળનું સ્થાન ચિકન લે છે.
ઘરે રાધેલા ખોરાકની થાળીની સરેરાશ કિંમત ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ ભારતમાં ઇનપુટ કિંમતોના આધારે ગણવામાં આવે છે. ક્રિસિલના રોટી ચાવલ રેટ રિપોર્ટ અનુસાર, વાર્ષિક ધોરણે ડુંગળી, ટામેટા અને બટાકાના ભાવમાં ૪૦ ટકા, ૩૬ ટકા અને ૨૨ ટકાના વધારાને કારણે શાકાહારી થાળી મોંઘી બની છે.
બજારમાં ડુંગળી અને બટાકાનો પુરવઠો ઓછો હતો અને ગત નાણાકીય વર્ષમાં ટામેટાના ભાવ પણ ઓછા પુરવઠાને કારણે વધી ગયા હતા. ઓછા પુરવઠાને કારણે ચોખાના ભાવમાં ૧૪ ટકા અને કઠોળના ભાવમાં ૨૨ ટકાનો વધારો થયો છે. માર્ચમાં શાકાહારી થાળીની કિંમત ફેબ્રુઆરી (રૂ. ૨૭.૪)ની સરખામણીમાં એક ટકા ઘટી હતી કારણકે ટામેટાના ભાવમાં ૨ ટકાનો ઘટાડો થયો હતો.
માર્ચમાં માંસાહારી થાળી વાર્ષિક ધોરણે સસ્તી થઇ હતી કારણકે ચિકન (બ્રોઇલર)ના ભાવમાં ૧૬ ટકાનો ઘટાડો થયો હતો. ક્રિસિલ માર્કેટઇન્ટેલિજન્સ એન્ડ એનાલિટિકસના સંશોધન નિર્દેશક પુષણ શર્માએ જણાવ્યું હતું કે છેલ્લા પાંચ મહિનાથી શાકાહારી અને માંસાહારી ફૂડ થાળીની કિંમતોમાં તફાવત છે. શર્માના કહેવા પ્રમાણે, શાકાહારી થાળી વર્ષ દહાડે મોંઘી થઇ છે, જયારે માંસાહારી થાળી સસ્તી છે.
તફાવત એટલા માટે છે કારણકે વધુ પડતા સપ્લાયને કારણે બ્રોઇલર ચિકનના ભાવમાં ઘટાડો થયો છે. ક્રૂડ ઓઇલના ભાવમાં પાંચ ટકાના ઉછાળાને કારણે માંસાહારી થાળીના ભાવમાં ફેબ્રુઆરીની સરખામણીમાં માર્ચમાં બે ટકાનો વધારો થયો હતો. રમઝાનમાં ચિકન મીટની વધુ માંગ છે અને ઘાસચારાની કિંમત વધી છે.
શર્માએ કહ્યું, આગામી સમયમાં, અમારું અનુમાન છે કે બજારમાં તાજા પાકના આગમનને કારણે ઘઉંના ભાવ ઘટશે અને ટામેટાના ભાવ નરમ રહેશે. પરંતુ નજીકના ભવિષ્યમાં ડુંગળીના ભાવમાં થોડી મજબૂતી આવી શકે છે. કારણકે રવિ પાકમાં ૨૦ ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.