નોરાએ પોતાના વારસાને જાળવવા ‘નોરા’ બનાવ્યું
મુંબઈ, એક્ટ્રેસ અને ડાન્સિંગ દીવા નોરા ફતેહીએ તાજેતરમાં જ પોતાનું એક સિંગલ ‘નોરા’ રિલીઝ કર્યું છે. જેના વિશે નોરાએ એક ઇન્ટર્વ્યુ આપ્યું હતું. તેમાં નોરાએ કહ્યું કે, આ ગીતમાં મોરક્કો, કૅનેડા અને ભારતમાં નોરાએ પોતાનું સ્થાન કઈ રીતે બનાવ્યું એ સફર દર્શાવવામાં આવી છે.
નોરાએ જણાવ્યું, “‘નોરા’ બનાવવું એ મારા માટે એક અવિશ્વસનીય યાત્રા રહી છે. તેના માટે મારા મોરોક્કન, કૅનેડીઅન અને ભારતીય મૂળને એક માળામાં પરોવી દીધું છે. મોરક્કન ધૂનથી ગીતમાં નવી એનર્જી અનુભવાય છે. ગીતના શબ્દો અંગ્રેજી અને દરીજા(મોરક્કન ભાષા)માં લખાયા છે.” નોરાએ આગળ કહ્યું, “આ ગીત દર્શાવે છે કે મોરક્કો, કૅનેડા અને ભારતમાં મારી ઓળખ કઈ રીતે બની.
આ મારા વારસા અને મારી વ્યક્તિગત સફળતાની કહાણી છે, જે દુનિયાને બતાવવાની મારી રીત છે. મને આશા છે કે આ ગીત દરેકને પોતાની અનોખી ઓળખને અપનાવવા, પોતાનાં વૈવિધ્યની ઉજવણી કરવી અને પોતાની સાંસ્કૃતિક ઓળખમાં આનંદ શોધવા માટે પ્રેરણા આપશે.”
નોરા મૂળ નોરક્કોની છે, તેનો જન્મ કૅનેડામાં થયો હતો. તેણે ૨૦૧૪થી તેની પહેલી ફિલ્મ ‘રારઃ ટાઈગર્સ ઓફ ધ સુંદરબન’થી ડેબ્યુ કર્યું હતું. ત્યાર બાદ તેણે ‘બિગ બોસ સીઝન ૯’ અને ‘ઝલક દિખલા જા’ જેવા રિયાલિટી શોમાં ભાગ લીધો હતો. નોરાએ તેલુગુ અને મલયાલમ ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.
તેણે ‘ટેમ્પર’, ‘બાહુબલીઃ ધ બિગનિંગ’ અને ‘કિક’ જેવી ફિલ્મોના ગીતોમાં કામ કર્યું હતું. નોરાએ છેલ્લાં કેટલાંક વર્ષાેમાં ઘણા આઇટમ સોંગમાં કામ કરીને પોતાની એક અલગ ઓળખ બનાવી છે. ખાસ કરીને તેનાં ગીતો ‘દિલબર’, ‘ઓ સાકી સાકી’, ‘જેડા નશા’ અને ‘માનિકે’ જેવા ગીતો ખુબ લોકપ્રિય થયા છે. આ સિવાય તેણે ‘ક્રેક’ અને છેલ્લે ‘મડગાંવ એક્સપ્રેસ’માં અભિનય પણ કર્યાે. તાજેતરમાં જ તેણે પોતાના જૂના દિવસોને યાદ કરીને કહ્યું, કે તે જ્યારે ભારતમાં આવી ત્યારે તેની પાસે માત્ર ૫ હજાર રૂપિયા જ હતા.SS1MS