રેડ એલર્ટ: આગામી ૩ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ
ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી-ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું
(એજન્સી)અમદાવાદ, રાજ્યમાં આગામી બે દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, દમણ, સેલવાસ, દીવમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, નર્મદા, ભરૂચ અને ડાંગમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ ગુજરાતમાં આૅફશોર ટ્રફ અને રાજસ્થાનમાં લો પ્રેશર સિસ્ટમને કારણે રાજ્યમાં વરસાદની સ્થિતિ સર્જાઈ છે.
આજે નવસારી, વલસાડમાં અતિ ભારે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે. ૫ ઓગસ્ટે વલસાડ, ડાંગ, દાદરા નગર હવેલી, સૌરાષ્ટ્ર, સુરેન્દ્રનગર, રાજકોટમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં અતિ ભારે વરસાદ પડશે તેમ જણાઈ રહ્યું છે. આગામી ૩ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ પડશે. ૫ અને ૬ ઓગસ્ટે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતની સાથે સાથે ઉપરવાસમાં થઈ રહેલા વરસાદના પરિણામે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ૬૦ ટકાથી વધુ જળ સંગ્રહ નોંધાયો છે. સરદાર સરોવર યોજનામાં હાલમાં ૨,૦૪,૯૦૧ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૬૧.૩૩ ટકા જળસંગ્રહ નોંધાયો છે. જ્યારે આ સિવાય રાજ્યના અન્ય ૨૦૬ જળાશયોમાં ૩,૨૫,૯૭૨ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૫૮.૧૯ ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે
તેમ, જળ સંપત્તિ વિભાગના અહેવાલમાં જણાવાયું છે.
સૌરાષ્ટ્રમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં ૭૭.૪૮ ટકા વરસાદ વરસી ચૂક્યો છે. તો ઉત્તર ગુજરાતમાં ૪૯.૮૮ ટકા અને મધ્ય ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં ૪૭.૭૧ ટકા વરસાદ વરસી ચૂક્યો છે.