એકેય આતંકવાદી કે પથ્થરબાજને બક્ષવામાં નહીં આવે: અમિત શાહ
શાહનૌશેરા, આતંકવાદ પર કડક વલણ અપનાવતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાં કોઈ પથ્થરબાજ કે આતંકવાદીને છોડવામાં આવશે નહીં અને જ્યાં સુધી આતંકવાદનો ખાત્મો નહીં થાય ત્યાં સુધી પાકિસ્તાન સાથે કોઈ વાતચીત કરાશે નહીં.
ભારતીય જનતા પાર્ટીના જમ્મુ અને કાશ્મીર એકમના અધ્યક્ષ રવિન્દર રૈનાના સમર્થનમાં નૌશેરામાં આયોજિત ચૂંટણી રેલીમાં અમિત શાહે જમ્મુ-કાશ્મીરના યુવાનોને સાવજ ગણાવતા કહ્યું હતું કે હું જમ્મુ-કાશ્મીરનો સમર્થક છું. અહીંના યુવાનો સાથે વાત કરીશ.
અમિત શાહે કહ્યું હતું કે તેઓ (નેશનલ કોન્ફરન્સ-કોંગ્રેસ ગઠબંધન) પથ્થરબાજો અને આતંકવાદીઓને મુક્ત કરવા માંગે છે. તેઓએ તેમના ઢંઢેરામાં વચન આપ્યું છે કે જો તેમની સરકાર રચાશે તો તેઓ આ વચનનું પાલન કરશે.
ફારુક અબ્દુલ્લા જમ્મુની પહાડીઓમાં આતંકવાદના પુનરુત્થાનની વાત કરી રહ્યા છે, પરંતુ હું તેમને કહેવા માંગુ છું કે આ મોદી સરકાર છે અને અમે આતંકવાદને પાતાળમાં દફનાવી દઈશું. કોઈપણ આતંકવાદી કે પથ્થરબાજને બક્ષવામાં નહીં આવે. બીજેપી નેતાએ કહ્યું હતું કે એનસી અને કોંગ્રેસ પાકિસ્તાન સાથે વાતચીતના પક્ષમાં છે.
તેમણે કહ્યું, “હું ફારુક અબ્દુલ્લા અને રાહુલ ગાંધીને કહેવા માંગુ છું કે જ્યાં સુધી આતંકવાદનો ખાત્મો નહીં થાય ત્યાં સુધી પાકિસ્તાન સાથે કોઈ વાતચીત નહીં થાય. હું મારા સાવજો (જમ્મુ-કાશ્મીરના યુવાનો) સાથે વાત કરીશ પણ પાકિસ્તાન સાથે તો ક્યારેય નહીં.
સરહદ પર રહેતા લોકોની સુરક્ષા માટે સરકાર દ્વારા વર્ષાેથી બાંધવામાં આવેલા ભૂગર્ભ બંકરોનો ઉલ્લેખ કરતા અમિત શાહે ઉમેર્યું હતું કે હવે આવા માળખાઓની કોઈ જ જરૂર નથી કારણ કે સરહદ પાર કોઈની પણ પાસે હવે ગોળીબાર કરવાની તાકાત નથી. અને જો તેઓ ગોળીબાર કવાની નાદાની કરશે તો અમે ગોળીઓ નહીં પણ ગોળાઓથી તેનો જવાબ આપીશું.SS1MS