રથયાત્રાના રૂટ પર આવતા જર્જરિત મકાનોને નોટિસ
અમદાવાદ, ભગવાન જગન્નાથની રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભક્તો પણ ભગવાનની આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. કારણ કે કોરોનાની મહામારીમાં એક વર્ષ રથયાત્રા નીકળી ન હતી અને એક વર્ષ રથયાત્રા નીકળી તો ભક્તો સાથે જાેડાઇ શક્યા ન હતા.
પરંતુ ચાલુ વર્ષે કોરોના કંટ્રોલમાં છે જેથી અમદાવાદમાં રથયાત્રા ધામધૂમથી નીકળે તેની તૈયારી ચાલી રહી છે. રથયાત્રા પહેલાની તૈયારી ચાલુ કરી દેવામાં આવી છે. પોલીસ બંદોબસ્ત અને સુરક્ષાની તૈયારીઓ કરી રહ્યા છે. આ વખતે ૧ જુલાઇના રોજ અષાઢી બીજ આવી રહે છે તે દિવસે રથયાત્રા નીકળશે.
મંદિર સંચાલકો વિધિ અને ભગવાનના શણગારની તૈયારી કરી રહ્યા છે. ત્યારે રથયાત્રાના રૂટ પરની સલામતીના ભાગ રૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જર્જરિત મકાન અથવા છત હોય તો તેને ઉતારી લેવા અથવા સમારકામ કરાવી લેવા નોટિસ આપી છે. મધ્યઝોનમાં ૨૮૩ જર્જરિત મકાનોને નોટિસ આપવામાં આવી છે તો ઉત્તર ઝોનમાં ૧૪૨ જર્જરિત મકાનોને નોટિસ આપવામાં આવી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું કે રથયાત્રાના રૂટમાં જે મકાનો જર્જરિત છે તેને રીપેર કરાવવા નોટિસ આપી છે. એસ્ટેટ વિભાગ દ્વારા રૂટમાં આવતા મકાનોની ગેલેરી અથવા ઝરૂખા રીપેર કરવી લેવાની નોટિસ લગાવવામાં આવી છે. સાથે રથયાત્રાના દિવસે ગેલેરીમાં પ્રવેશ ન આપવા સૂચના આપી છે.
ભગવાન જગન્નાથ નગર યાત્રાએ નીકળવાના છે અને સૌ કોઈ રથયાત્રાની તૈયારીઓ કરી રહ્યા છે. રથયાત્રામાં કોઈ અનચ્છિય ઘટના ન બને તે માટે તંત્ર પહેલેથી સજ્જ બન્યુ છે. દર વર્ષે રથયાત્રા પહેલા મ્યુનિસિપલ કોર્પોરેશન ભયજનક મકાનોને નોટિસ આપે છે પરંતુ ત્યાર બાદ પણ કોઈ ભયજનક મકાનો અંગે પગલા લેવામાં આવતા નથી. ચાલુ વર્ષે પણ નોટિસ આપી છે.
મધ્ય ઝોન અને ઉત્તર ઝોનમાં રથયાત્રાના રૂટ પર આવતા અને જર્જરિત મકાનોના રીપેર માટે નોટિસ લગાવવામાં આવી છે.નોટિસમાં ચેતવણી આપવામાં આવી છે જાે કોઈ નોટિસનો અનાદર કરવાથી કોઇપણ અકસ્માત કે બનાવ બનશે તો તેની જવાબદારી માલિક કબ્જેદાર તેમજ હિત સંબંધ ધરાવતા લાગતા વળગતા તમામ શખ્સોની રહેશે. જેની ગંભીર નોંધ લેવા વિનંતી કરવામાં આવી છે.SS2KP