ડ્રેનેજની લાઇનમાં ભ્રષ્ટાચાર મામલે ૧૧ અધિકારીઓ અને કર્મચારીઓને નોટિસ
ભાવનગર, ભાજપ શાસિત ભાવનગર મહાનગરપાલિકા ફરી એક વખત વિવાદમાં આવી છે. વર્ષ ૨૦૧૯માં ૪ ગામનો ભાવનગર મહાનગરપાલિકાની હદમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. જેને લઈ આ ચારેય ગામોમાં ૬૧ કિલોમીટર લાંબી ડ્રેનેજ લાઈન નાંખવા માટે ૪૧ કરોડ ફાળવવામા આવ્યા હતા.
જાે કે, સમયમર્યાદા ૩ વર્ષ પહેલાં પૂર્ણ થઈ ચૂકી છે તેમ છતાં ડ્રેનેજ લાઈનનું કામ હજુ અધૂરૂં છે અને પ્રોજેક્ટમાં અનેક ગંભીર બેદરકારી પણ બહાર આવી છે. એવામાં સમગ્ર મામલે ભ્રષ્ટાચારની આશંકાને પગલે મ્યુનિસિપલ કમિશ્નરે તપાસના આદેશ આપ્યા છે. કામમાં વિસંગતતા હોવા છતાં ભાવનગર મહાનગરપાલિકાના અધિકારીઓએ સહી કરીને મંજૂરી આપી દીધી હોવાની પણ શંકા છે.
આ કારણોસર ૧૧ અધિકારીઓ અને કર્મચારીને નોટિસ આપી ૧૫ દિવસમાં ખુલાસો કરવા આદેશ કરાયો છે. વાસ્તવમાં ભાવનગર નગરપાલિકામાં ૨૦૧૯ માં અમૃતની ગ્રાન્ટ માંથી ૪૧ કરોડ રૂપિયાના ખર્ચે ડ્રેનેજ લાઈન નાખવામાં આવી હતી. ભાવનગર શહેરમાં સમાવેશ થયેલ સીદસર, તરસમ્યા, રુવા અને અકવાડા ગામમાં ડ્રેનેજ લાઇન નાખવાની હતી પરંતુ ધીમી કામગીરી અને અધિકારીઓની બેદરકારી બદલ કરોડો રૂપિયાના કામમાં અનેક ક્ષતિઓ બહાર આવતા મનપા કમિશનરે તપાસના આદેશ આપ્યા છે.
૧૫ દિવસમાં મનપાના ૧૧ અધિકારી અને કર્મચારીને કરોડો રૂપિયાના કામમાં બેદરકારી બદલ ખુલાસો આપવા નોટિસ અપાઈ છે. ૪૧ કરોડના ખર્ચે ૬૦ કિલોમીટરની ડ્રેનેજ લાઈન નાખવાની હતી જેની સમય મર્યાદા બે વર્ષ પહેલાં જ પૂર્ણ થઈ ગઈ છે ત્યારબાદ એક વર્ષ વધારાની મુદત પણ આપાઈ હતી જે પણ પૂર્ણ થઈ ચૂકી છે પરંતુ હજી સુધી કામ અધૂરું જ છે સાથો સાથ આ કામમાં એજન્સી દ્વારા ખરાબ કામગીરી કરી હોવાની અનેક ફરિયાદો મહાનગરપાલિકાને કરવામાં આવી હતી જેને લઇ મનપાની મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં જવાબદાર અધિકારીઓને આડે હાથ લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ સમગ્ર મામલે ભ્રષ્ટાચારની ગંધ આવતા મનપા કમિશનર એન.વી ઉપાધ્યાય દ્વારા તપાસના આદેશ અપાયા હતા.SS1MS