Western Times News

Gujarati News

ગાંધીનગરના પૂર્વ મેયરને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવા નોટિસ

ગાંધીનગરમાં અમિત શાહનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પ્રેમલસિંહ ગોલના માણસો દ્વારા બેનરો ફાડી નાખવામાં આવ્યા હતા

(પ્રતિનિધિ) અમદાવાદ, ગાંધીનગર  ભાજપમાં હવે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે પૂર્વ ડેપ્યુટી મેયરને પક્ષ દ્વારા સસ્પેન્શનની નોટિસ આપવામાં આવી છે અને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ સાત દિવસમાં જવાબ માંગ્યો છે. જેનો જવાબ નહીં મળે તો પાર્ટી દ્વારા તેમને સસ્પેન્ડ પણ કરી દેવામાં આવશે.

ગાંધીનગરમાં છેલ્લા થોડા સમયથી શિસ્ત બદ્ધગણાતી ભારતીય જનતા પાર્ટીમાં કેટલાક નેતાઓ અને કાર્યકરો દ્વારા પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવામાં આવતી હોવાનું ધ્યાને આવ્યું છે ત્યારે હવે મહાનગર ભાજપ પ્રમુખ દ્વારા આવા નેતાઓ સામે કડક કાર્યવાહી કરવાની શરૂઆત કરવામાં આવી છે.

જેના ભાગરૂપે ગાંધીનગર મહાનગરપાલિકાના પૂર્વ ડેપ્યુટી મેયર પ્રેમલસિંહ ગોલને સસ્પેન્શનની નોટીસ આપવામાં આવી છે. ભાજપના સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે સેક્ટર 8 ખાતે ગત 22 ઓક્ટોબરના રોજ કેન્દ્રીય મંત્રી અમિત શાહના હસ્તે મહાનગર ભાજપના નવા કાર્યાલયના ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પ્રેમલસિંહ ગોલના માણસો દ્વારા બેનરો ફાડી નાખવામાં આવ્યા હતા અને ખુરશી ઉથલાવી સ્થળ ઉપર હાજર ભાજપના હોદ્દેદારો સાથે ગેરવર્તણૂંક કરવામાં આવી હતી. એટલું જ નહીં ભાજપના ગ્રુપમાં પણ નેતાઓ વિરુદ્ધ ટીપ્પણી કરવામાં આવી હતી. જે સંદર્ભે પક્ષ દ્વારા ગંભીર નોંધ લેવામાં આવી હતી. અગાઉ પણ લોકસભાની ચૂંટણી વખતે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવામાં તેમનું નામ બહાર આવ્યું હતું.

પરંતુ તે સમયે પક્ષ દ્વારા પગલાં ભરવામાં આવ્યા ન હતા પરંતુ આ વખતે ગાંધીનગરના સાંસદ અને ને કેન્દ્રીય ગૃહમંત્રીના કાર્યક્રમ બાદ પક્ષ વિરોધી પ્રવૃત્તિમાં તેમની સંડોવણી બહાર આવતા મહાનગર ભાજપ પ્રમુખ રુચિર ભટ્ટ દ્વારા તેમને આ નોટિસ આપવામાં આવી છે. જેમાં જણાવ્યું હતું કે, આપની જાહેરમાં ભાષા તથા જવાબદાર કાર્યકર્તા સાથેનો વ્યવહાર પક્ષના પાયાના સિદ્ધાંતોથી વિરૂદ્ધ છે.

આપને આપના વ્યવહાર તથા ગેરશિસ્ત માટે વારંવાર ટકોર સંગઠનના જવાબદાર અધિકારીઓ દ્વારા આપવામાં આવી છે. તેમ છતાં પણ આપનો દુર્વ્યવહાર, ગેરશિસ્ત તથા વાણી-વિલાસ ચાલુ છે. હવે આ નોટિસ નો જવાબ નહીં મળે તો સાત દિવસમાં તેમને પક્ષમાંથી બરતરફ કરવામાં આવશે તે નક્કી છે.

ગાંધીનગર મહાનગર ભાજપમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર નેતાઓની સંખ્યા વધી રહી છે ત્યારે મહાનગર ભાજપ પ્રમુખ રુચિર ભટ્ટ દ્વારા ગુરૂવારે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સંગઠન મહામંત્રી અને પ્રભારી મંત્રી સહિત નેતાઓ સાથે બેઠક યોજાઈ હતી.

જેમાં પ્રેમલસિંહ દ્વારા કરવામાં આવેલી પ્રવૃત્તિ જાહેર કરવામાં આવી હતી. જેથી આ નોટિસ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું એટલું જ નહીં હવે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી શરૂ થતા ગાંધીનગર ભાજપમાં સોંપો પડી ગયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.