ગુજરાતની ર૬ બેઠકો માટે આજે જાહેરનામુ પ્રસિધ્ધ થશે
ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ ૧૯ એપ્રિલ ઃ ગુજરાતમાં ર૬ બેઠકો માટે ૭ મેના રોજ મતદાન ઃ ૪ જૂનના રોજ પરિણામ જાહેર થશે
(એજન્સી) અમદાવાદ, લોકસભા ચૂંટણીના પડઘમ હાલમાં ગુજરાતમાં જોરશોરથી વાગી રહ્યા છે. આવતીકાલે ૧ર એપ્રિલે નોટિફિકેશન જાહેર થવા સાથે રાજયમાં લોકસભા ચૂંટણીનું રણશિંગું ફુંકાશે. ગુજરાતમાં ભાજપ સહિતનાતમામ પક્ષ બેઠકો જીતવા માટે મેદાનમાં ઉતર્યા છે. કેન્દ્રમાં ફરી એક વાર મોદી સકાર બનાવવા માટે ગુજરાતમાંથી તમામ ર૬ બેઠકો જીતીને મોટી ગિફટ આપવાના પ્રયાસમાં ભાજપ તનતોડ મહેનતથી પ્રચારકાર્યમાં લાગ્યું છે
ત્યારે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સહિત ભાજપના મોટાભાગના ઉમેદવારો શુભ દિવસોમાં ઉમેદવારીપત્રક ભરવાની શરૂઆત કરશે. હાલ ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે ત્યારે આગામી શુભ દિવસો એટલે કે ૧૯ એપ્રિલ સુધીમાં કેટલાક ઉમેદવાર રોડ શો કરીને તો કેટલાક મોટા ગજાના સ્ટાર ઉમેદવારો રોડ શોની સાથે જંગી જનસભાને સંબોધન કરી ઉમેદવારીપત્રક ભરશે, જેના માટે ઉમેદવારોએ પોતાની રાશિ પ્રમાણે શુભ સમય અને દિવસ નિશ્ચિત કરી લીધા છે.
આગામી દિવસોમાં ગાંધીનગર બેઠક પરથી ઉમેદવારી કરી રહેલા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ૧૮ અથવા ૧૯ એપ્રિલે ઉમેદવારીપત્રક ભરે તેવી શકયતા છે. હાલમાં અમિત શાહ ગાંધીનગર બેઠક પરના જ સાંસદ છે. માહિતી અનુસાર આગામી ૧૭ એપ્રિલે રામ નવમીના દિવસે અમિત શાહ એક રોડ શો પણ કરશે. સુત્રોના જણાવ્યા અનુસાર ૧૭ એપ્રિલે ગાંધીનગર લોકસભા અંતર્ગત વિધાનસભા ક્ષેત્રમાં રોડ શો કરવાની શકયતા છે.
ઉમેદવારીપત્રક ભરતાં પહેલાં અમિત શાહ એક મોટી જનસભાને પણ સંબોધી શકે છે. લોકસભા અંતર્ગત તમામ વિધાનસભા ક્ષેત્રમાં રોડ શોનું આયોજન કરવામાં આવશે. વર્ષ ર૦૧૯ની ચૂંટણીમાં અમિત શાહને પાંચ લાખથી વધુ મતની સરસાઈથી મોટી જીત સાથે ૬૯.૬૭ ટકા મત મળ્યા હતા.
ચૂંટણીપંચે લોકસભા ચૂંટણીની તારીખોની સાથે સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કરી દીધો છે. આ વખતે લોકસભા ચૂંટણીનું આયોજન સાત તબક્કામાં થવાનું છે ત્યારે પ્રથમ તબક્કાની શરૂઆત ૧૯ એપ્રિલથી થશે અને ૧ જૂનના રોજ સાતમા એટલે કે છેલ્લા તબક્કાનું મતદાન યોજાશે.
ગુજરાતમાં ર૬ લોકસભાની બેઠકો પર ૭ મેના રોજ એક જ તબક્કામાં મતદાન યોજાશે. ગુજરાતની વિજાપુર, ખંભાત, વાઘોડિયા, માણાવદર અને પોરબંદર બેઠક પર વિધાનસભાની પેટાચૂંટણી યોજાઈ રહી છે, જેનું મતદાન પણ લોકસભા ચૂંટણીઓ સાથે જ થશે.
૧ર એપ્રિલે ગેઝેટ નોટિફિકેશન જાહેર કરવામાં આવશે. ઉમેદવારો માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૧૯ એપ્રિલ રહેશે, જયારે ર૦ એપ્રિલે ફોર્મ ચકાસણી કરવામાં આવશે. ઉમેદવારો રર એપ્રિલ સુધીમાં ફોર્મ પરત લઈ શકશે. છેવટે ૭ મેના રોજ મતદાન થશે અને મતગણતરી ૪ જૂનના રોજ કરાશે અને તે જ દિવસે પરિણામો પણ જાહેર થઈ જશે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા હજુ કેટલીક બેઠકોના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા નથી આવતીકાલે જાહેરનામું પ્રસિધ્ધ થયા બાદ ટુંક સમયમાં તેની જાહેરાત કરવામાં આવે તેવી શકયતા છે.